રાજકોટ
News of Friday, 22nd June 2018

મોટા મવાના બ્રાહ્મણ વૃધ્ધ 'કલેશ'ને કારણે નહિ, 'કલ્પેશ'ને કારણે મરવા મજબૂર થયા'તા

રાજેન્દ્રભાઇ વ્યાસે ૭/૫ના કણકોટમાં પુત્રવધૂ દક્ષાના માવતરના ઘર પાસે જ એસિડ પી લીધા બાદ ૭/૬એ દમ તોડ્યો'તો : આપઘાત કરનારના પુત્ર જીજ્ઞેશ વ્યાસની ફરિયાદ પરથી વિરડા વાજડીના કલ્પેશ ડાંગર સામે ગુનો નોંધી તાલુકા પોલીસે ધરપકડ કરી : વૃધ્ધની પુત્રવધૂને મોહજાળમાં ફસાવી વિરડા વાજળીના કલ્પેશે તેના પુત્ર જીજ્ઞેશને કહેલું કે-દક્ષા તો મારી જ છે અને મારી જ રહેશે!!: એક સમયે દિકરાનો મિત્ર રહી ચુકેલા કલ્પેશના આવા વેણ ૭૫ વર્ષના રાજેન્દ્રભાઇને હાડોહાડ લાગી આવ્યા'તાઃ આ ઘટના પછી સતત ચિંતામાં રહેતાં હતાં, અંતે જીવ દીધો'તો : કલ્પેશે એવી પણ ધમકી આપેલી કે-દક્ષાને કહીને તમારા પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ કરાવડાવીશ : કલ્પેશના કરતૂતો સામે આવતાં જીજ્ઞેશે ભાઇબંધી પુરી કરી નાંખી ઘરે આવવાની ના પાડી દતાં તે સતત રોષે ભરાયો હતો

રાજકોટ તા. ૨૨: મોટા મવા રહેતાં  રાજેન્દ્રભાઇ જયશંકરભાઇ વ્યાસ (ઉ.૭૫) નામના બ્રાહ્મણ વૃધ્ધે એક મહિના પહેલા એસિડ પી લેતાં સારવાર બાદ રજા લેવાઇ હતી અને ફરીથી ૭/૬ના તબિયત બગડતાં સિવિલમાં ખસેડાયા હતાં. પણ અહિ મોત નિપજ્યું હતું. જે તે વખતે પુત્રએ 'કલેશ' હોવાનું કારણ લખાવ્યું હતું. પણ હવે સાચી વિગતો બહાર આવી છે. આ વૃધ્ધની પુત્રવધૂ દક્ષાને વિરડા વાજડીના કલ્પેશ ડાંગરે મોહજાળમાં ફસાવી તેમજ તેના વિશે આડી અવળી વાતો કરી વૃધ્ધને સતત ધમકી આપતાં તે કારણે આ વૃધ્ધ મરી જવા મજબૂર થયાની ફરિયાદ દાખલ થતાં પોલીસે વૃધ્ધનું મોતનું કારણ બનેલા 'કલ્પેશ'ની તેની ધરપકડ કરી લીધી છે.

આ બારામાં તાલુકા પોલીસે આપઘાત કરનાર વૃધ્ધ રાજેન્દ્રભાઇના પુત્ર જીજ્ઞેશભાઇ રાજેન્દ્રભાઇ વ્યાસ (ઉ.૩૭-રહે. મોટા મવા, અમરનાથ પાર્ક, બ્લોક નં. ૬)ની ફરિયાદ પરથી વિરડા વાજડીના કલ્પેશ ડાંગર તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૬, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. જીજ્ઞેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ૭મીએ મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે હું ટેન્શનમાં હોઇ સાચી વિગતો પોલીસને જણાવી શકયો નહોતો. ત્યારે મેં એવું લખાવ્યું હતું કે મારી પત્નિ દક્ષા કણકોટ તેના માતા ઉર્મિલાબેનના ઘરે હોઇ મારા પિતા તેને સાડી આપવા ગયા ત્યારે સાસુના ઘર પાસે કલ્પેશ ડાંગર હાજર હતો તેણે મારા પિતાને તમે અહિ આવતાં નહિ તેમ કહી ધમકી આપતાં મારા પિતાએ કણકોટ પાટીયે એસિડ પી લીધાનું લખાવ્યું હતું.

પણ સાચી હકિકત એ છે કે કલ્પેશ ડાંગર મારો મિત્ર હોઇ અવાર-નવાર મારા ઘરે બેસવા આવતો હતો. આજથી અઢી મહિના પહેલા મારી ઘરવાળી દક્ષાએ કહેલ કે કલ્પેશભાઇનું જમવાનું બનાવીએ, આથી મેં કહેલ કે હું કમાવ છું અને ઘરે આવું તો તું કયારેય ચાપડી તાવો કે મિસ્ટાન બનાવતી નથી અને કલ્પેશ આવે ત્યારે તું ચાપડી તાવો બનાવે છે. હું તારો પતિ છું, હું કહું તેમ થશે...તેવું મેં દક્ષાને કહી દીધેલ અને કલ્પેશને મેં મારા ઘરેથી નીકળી જવા અને આજથી આપણા મિત્રતાના સંબંધ પુરા તેમ જણાવી દીધું હતું.

જીજ્ઞેશે આગળ જણાવ્યું છે કે મેં કલ્પેશને હવે મારા ઘરે ન આવવા કહેતાં તે ઉશ્કેરાયો હતો અને બોલવા માંડ્યો હતો કે દક્ષા મારી છે અને મારી જ રહેશે!...એ વખતે મારા પિતાએ કલ્પેશને હરામખોર તું બહાર નીકળી જા...તેમ કહી ઠપકો આપ્યો હતો. આથી કલ્પેશે મારા પિતાને 'તને તો પતાવી જ દેવો છે, હું હવે દક્ષાને કહી તારા અને તારા દિકરા વિરૂધ્ધ ફરિયાદ કરાવડાવીશ' તેમ કહેતાં મારા પિતાએ કલ્પેશને હવે તું મને તારું મોઢુ ન બતાવતો તેમ જણાવી દીધુ હતું. એ પછી મારા અને દક્ષાના સંસારિક જીવનમાં કંકાસ ઉભો થયો હતો. કલ્પેશ મારી પત્નિને ભોળવવા માંગતો હતો. જેના કારણે મારા પિતાને આઘાત લાગ્યો હતો અને તે સતત ચિંતામાં અને ટેન્શનમાં રહેવા માંડ્યા હતાં. તે અવાર-નવાર કહેતા હતાં કે કલ્પેશ ડાંગરે મારી જાતી જિંદગી બગાડી છે, કુદરત તેને છોડશે નહિ.

મારી પત્નિ પણ મારી સાથે નાની નાની વાતમાં ખીજથી વાત કરતી હતી એ કારણે કલેશ શરૂ થઇ ગયો હતો અને બાદમાં તેણી કણકોટ તેના માવતરે જતી રહી હતી. એ પછી ૭/૫ના રોજ મારો દિકરો માધવ એકટીવા લઇ તેની માતા દક્ષાને સાડી દેવા કણકોટ ગયો હતોં. પણ દક્ષાએ દરવાજો ખોલ્યો નહોતો. સામે જ કલ્પેશનું એકટીવા પડ્યું હતું. આથી તે પાછો ઘરે આવ્યોહ તો અને વાત કરી હતી. જેથી મારા પિતા ફરીથી આઘાતમાં આવી ગયેલ અને એસિડ ઘરેથી સાથે લઇને તેનું ટુવ્હીલર લઇને કણકોટ પોૈત્ર માધવને લઇને પહોંચ્યા હતાં. આ વખતે દક્ષાએ બારણું ખોલ્યું હતું અને  'ડોહા તારે મારી ઘરે આવવું નહિ, તેમ કહી બારણું બંધ કરી દીધું હતું. આ કારણે મારા પિતાએ આઘાતમાં આવી એસિડ પી લીધુ હતું. માધવે ફોનથી જાણ કરતાં અમે ત્યાં દોડી ગયા હતાં. આ વખતે પણ કલ્પેશ હાજર હતો અને તેણે તારા તો ટાંટીયા ભાંગી નાંખવા છે તેમ કહી ધમકી આપી હતી.

બાદમાં મારા પિતાને મેં હોસ્પિટલે ખસેડ્યા હતાં. ત્રણેક દિવસ બાદ પિતા ભાનમાં આવતાં કલપેશ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી અને ઘરે પહોંચ્યા હતાં. ૭/૬ના રોજ ફરીથી લોહીની ઉલ્ટી થતાં દાખલ કરાયા હતાં. પણ મોત નિપજ્યું હતું. મારા પિતાના મોત પાછળ કલ્પેશ ડાંગરનો ત્રાસ જ જવાબદાર છે. મારી પત્નિનો આમાં કોઇ દોષ નથી. પિતાની અંતિમવિધી બાદ હું કબાટ સાફ કરતો હતો ત્યારે મારા પિતાએ ૧/૪/૧૮ના રોજ લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં પણ ત્રાસની વિગતો છે.

તાલુકા પોલીસે જીજ્ઞેશભાઇની ઉપરોકત કેફીયત પરથી ગુનો નોંધી કલ્પેશ ડાંગરને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(12:47 pm IST)