રાજકોટ
News of Friday, 22nd June 2018

કોઠારીયાના સૌથી મોટા સરકારી ખરાબામાં બેફામ દબાણો કલેકટરને કલંગી કોર્પોરેટરની ફરિયાદ : કાંઇક કરો !!

બે વર્ષથી તાલુકા મામલતદાર - ડે કલેકટરને ફરિયાદ કરાઇ છે છતા કોઇ પગલા લીધા નથી : રણુજા આસપાસ ઉપરાંત - સ્વામી પાર્ક - ૮૦ ફુટ રોડની બંન્ને બાજુએ - કોઠારીયા સોલવન્ટ આસપાસ ગેરકાયદે બાંધકામનો ખડકલો

રાજકોટ તા. ૨૧ : શહેરના વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર નિલેશભાઇ મારૂએ કલેકટરને આવેદન પાઠવી વોર્ડ નં.૧૮ના કોઠારીયા ગામ વિસ્તારમાં સરકારી ખરાબામાં થયેલા દબાણ દુર કરવા બાબતે રજુઆતો કરી હતી. આવેદનોમાં ઉમેર્યુ હતુ કે સમગ્ર રાજકોટ જીલ્લાનો સૌથી મોટો ખરાબો કોઠારીયા ગામ વિસ્તારમાં આવેલો છે. છેલ્લા ઘણા સમયથી ભુ-માફિયાઓ દ્વારા કોઠારીયા વિસ્તારના ખરાબામાં બેફામ ગેરકાયદેસર કામ શરૂ કરવામાં આવેલ છે. વોર્ડ નં.૧૮ ના કોઠારીયાના વિસ્તારના ભુ-માફિયા દ્વારા ખરાબાની સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી ડેલા બનાવી કબ્જા ભાડે આપી દીધેલ છે અને બેઠી આવક શર્ર કરી દીધેલ છે.

જે વિસ્તારમાં દબાણ થયુ છે તે વિસ્તાર રણુજા વિસ્તારની આજુ બાજુ સ્વાતી પાર્ક ૮૦ ફુટ રોડ ની બન્ને બાજુ ઉપરાંત સૌથી વધુ કોઠારીયા સોલવન્ટની આજુબાજુના તમામ વિસ્તારના સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ  સરકારી જગ્યા પર કરવામાં આવેલ છે.

છેલ્લા બે વર્ષથી સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થતા હોય જેની સંબંધીત અધિકારીને ફરિયાદ કરવા છતા કોઇપણ પ્રકારના પગલા લીધેલ નથી. જો તંત્ર તાત્કાલીક ધ્યાન નહી આપે તો વોર્ડ નં. ૧૮ ના કોઠારીયાના ગામ વિસ્તારમાં સરકારી ખરાબો ગોત્યા પણ નહી જડે, આપ ને વિનંતી છે કે આ કબજા કરેલા ડેલામાં નાના-મોટા મકાનો બની જાય અને નાના માણસો આવા ભુ-માફિયાઓના ભોગ ન બને તે માટે તાત્કાલીક અસર થી યોગ્ય કાર્યવાહી કરવા રચના આપશો.

(4:03 pm IST)