રાજકોટ
News of Wednesday, 22nd May 2019

રાજકોટ બેઠકની મતગણત્રી માટે કણકોટ ખાતે પોલીસે ગોઠવ્યો સજ્જડ બંદોબસ્ત

કોલેજ કેમ્પસ ત્થા આજુબાજુમાં શહેર પોલીસની ત્રણ તબક્કે અભેદ સુરક્ષા : ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પેરા મિલીટ્રીફોર્સ, મહિલા પોલીસ દળ, ઘોડેશ્વાર સતત એલર્ટ રહેશે

રાજકોટ, તા. ૨૨ :. આવતીકાલે કણકોટ ખાતેની સરકારી કોલેજ ખાતે રાજકોટ લોકસભા બેઠક માટેની મત ગણત્રી થનાર છે ત્યારે વહેલી સવારના પાંચ વાગ્યાથી પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આધુનિક શસ્ત્ર સરંજામ સાથે ત્રણ અભેદ દિવાલ રચીને સજ્જડ બંદોબસ્ત ગોઠવાશે. ત્રણ ચેક પોસ્ટ, ઘોડેશ્વર પેટ્રોલીંગ સાથે બંદોબસ્ત, સુંદર પાર્કિંગ વ્યવસ્થા તથા કડક ચેકીંગ કરાશે.

આવતીકાલે સવારે ૮ વાગ્યાથી રાજકોટ લોકસભા મતદાર વિભાગની ગણતરી થનાર છે. આ મતદાર વિભાગની મત ગણતરીને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત ૩ લેયરમાં ગોઠવવામાં આવેલ છે.

પ્રથમ લેયરમાં કેમ્પસની અંદરના ભાગે ઈ.સી. બિલ્ડીંગમાં સમાવિષ્ઠ વિધાનસભા અને આઈ.સી. બિલ્ડીંગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગના સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટીંગ રૂમ અને સીલીંગ રૂમ તથા ઈવીએમ સાથે પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓ અને મહિલા પોલીસ તથા પેરામિલ્ટ્રી ફોર્સ અને વીડીયોગ્રાફર સાથે એચ.એચ.એમ.ડી. અને હેન્ડ સેટ સાથે અસરકારક પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.

સેકન્ડ લેયરમાં કોલેજ કેમ્પસના મેઈન ગેઈટ, ઈ.સી. તથા આઈ.સી. બિલ્ડીંગની વિધાનસભા વાઈઝ એન્ટ્રી ગેઈટ ઉપર ડી.એફ.એમ.ડી. સાથે પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ અને પેરા મિલ્ટ્રીફોર્સના જવાનોે અને વીડીયોગ્રાફર સાથે હેન્ડ સેટ સાથે અસરકારક પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.

ત્રીજા લેયરમં કોલેજ કેમ્પસની બહારના ભાગે ટ્રાફીક શાખાના પોલીસ અધિકારી-પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ તથા ઘોડેશ્વાર પેટ્રોલીંગ દ્વારા અસરકારક ટ્રાફીક બંદોબસ્ત જાળવવામાં આવનાર છે અને ત્રીજા લેયરમાં ત્રણ ચેકપોસ્ટનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત કરેલા પાસ વિના મત ગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવા પડશે.

આવતીકાલે ભારતના ચૂંટણી પંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સત્તાધિકારીએ મત ગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારોશ્રીઓને ઉકત દર્શાવેલ મત ગણતરી કેન્દ્રના ફકત મીડીયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છૂટ રહેશે.  આ બંદોબસ્તનુ જનરલ સુપરવિઝન પોલીસ કમિશ્નરશ્રીની રાહબરી હેઠળ ડીસીપી શ્રી ઝોન-૧ અને ઝોન-૨નાઓનું રહેશે. પોલીસ દ્વારા આવતીકાલની મત ગણત્રી દરમ્યાન ગોઠવાયેલ બંદોબસ્ત માટે આજે રિહર્સલ પણ કરાયુ હતું.

(4:13 pm IST)