રાજકોટ
News of Wednesday, 22nd May 2019

ભાવેશ ઉર્ફ પિન્ટૂ સ્કોર્પિયોમાં ૫૦૦ લિટર દેશી દારૂના કોથળા રાખી નીકળતાં પકડાયો

બી-ડિવીઝનના વિરમભાઇ ધગલ અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પકડી લેવાયોઃ કુબલીયા પરાનો સુનિલ દારૂ આપી ગયાની ભાવેશની કબુલાત

રાજકોટ તા. ૨૨: સંત કબીર રોડથી પ્રદ્યુમન પાર્ક તરફ જવાના રસ્તા પર બી-ડિવીઝન પોલીસે વોચ રાખી સ્કોર્પિયોમાં ૫૦૦ લિટર દેશી દારૂના કોથળા ભરીને નીકળેલા શખ્સને પકડી લીધો હતો.

પોલીસે જીજે૧૮એએ-૩૫૩૫ અટકાવી તલાશી લેતાં અંદરથી રૂ. ૧૦ હજારના ૫૦૦ લિટર દારૂના કોથળા મળતાં તે તથા ૩ લાખની સ્કોર્પિયો કબ્જે કરી ચાલક ભાવેશ ઉર્ફ પિન્ટૂ જનકભાઇ કોટક (ઉ.૩૬-રહે. મનહરપરા-૫, ભાવનગર રોડ)ની ધરપકડ કરી હતી.

ડીસીપી ઝોન-૧ તથા એસીપી ટંડેલની સુચના અને પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ સુધાબેન પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. એભલભાઇ બરાલીયા, હંસરાજભાઇ ઝાપડીયા, હરપાલસિંહ વાઘેલા સહિતની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે વિરમભાઇ અને એભલભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

કુબલીયાપરાનો સુનિલ દેવીપૂજક આ સ્કોર્પિયો આપી ગયાનું ભાવેશ ઉર્ફ પિન્ટૂએ જણાવતાં સુનિલની શોધખોળ થઇ રહી છે.

(3:40 pm IST)