રાજકોટ
News of Wednesday, 22nd May 2019

સેટેલાઈટ સર્વેમાં ચોંકાવનારી હકીકત ખૂલી

રાજકોટના માત્ર ૫ વોર્ડ હરિયાળાઃ ૧૩ વોર્ડમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ જરૂરી

આગામી ચોમાસામાં સેટેલાઈટ સર્વેના નકશાના આધારે જરૂરીયાત મુજબ ૨ ફુટથી વધુ ઉંચાઈના ૧ લાખ વૃક્ષો જે વોર્ડમાં વૃક્ષો નથી ત્યાં ઉછેરાશેઃ શહેરમાં વૃક્ષારોપણ પાછળ થયેલો લાખેણો ખર્ચ એળે ગયાનું ખુદ તંત્રએ સ્વીકાર્યુઃ હવે સેટલાઈટના આધારે જીઆઈએસ પદ્ધતિથી શહેરમાં ઉભેલા વૃક્ષોની ગણતરી થશેઃ કમિશ્નર બંછાનિધી પાની દ્વારા વૃક્ષારોપણનો એકશન પ્લાન તૈયાર

રાજકોટ, તા. ૨૨ :. શહેરમાં આ વર્ષે તાપમાનનો પારો ખૂબ જ ઉંચે ગયો છે અને તેની પાછળનુ કારણ એવુ બહાર આવ્યુ છે કે શહેરમાં વૃક્ષોનું પ્રમાણ અત્યંત ઓછુ છે આથી આ વર્ષે આડેધડ વૃક્ષારોપણને બદલે આયોજનબદ્ધ રીતે વૃક્ષારોપણ કરવા મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. સેટેલાઈટ ઉપરથી રાજકોટ શહેરમાં કયા વોર્ડમાં કેટલા વૃક્ષો છે ? તેનો એક સર્વે કરી અને આ સર્વેના આધારે જે નકશો તૈયાર થયો છે તેમાં ચોંકાવનારી હકીકત એવી ખુલી છે કે શહેરમાં માત્ર ૫ વોર્ડમાં જ વૃક્ષોનું પ્રમાણ વધુ છે, જ્યારે અન્ય ૧૩ જેટલા વોર્ડમાં વૃક્ષોનું પ્રમાણ અત્યંત ઓછુ છે આથી હવે આગામી ચોમાસામાં જે વોર્ડમાં વૃક્ષોની જરૂર છે ત્યાં જ વૃક્ષારોપણ થશે તેવી સ્પષ્ટ નીતિનો અમલ કરવામાં આવશે.

આ અંગે મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીએ વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, સેટેલાઈટ ઉપરથી રાજકોટ શહેરમાં કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે ? તેનુ પ્રમાણ નક્કી કરવાનો આખો નકશો તૈયાર કરાયો તેમાં એક ચોંકાવનારી હકીકત એવી ખુલી કે રાજકોટના વોર્ડ નં. ૮, ૯, ૧૦, ૧૩ અને ૭ આ પાંચ વોર્ડમાં જ વૃક્ષોનું પ્રમાણ વધુ છે જ્યારે વોર્ડ નં. ૧, ૧૮ અને ૧૨ આ ત્રણ વોર્ડમાં વૃક્ષોનુ પ્રમાણ અત્યંત ઓછું છે એટલે કે અહીં વૃક્ષો છે જ નહિ તેવી કહી શકાય. જ્યારે અન્ય વોર્ડ નં. ૧૧, ૧૪, ૧૬, ૧૭ વગેરેમાં વૃક્ષોનું પ્રમાણ છે પણ તે જરૂરીયાત કરતા ઓછું છે. જ્યારે વોર્ડ નં. ૨, ૩, ૪, ૫, ૬, ૭ વગેરેમાં પણ વૃક્ષારોપણ કરવુ અત્યંત જરૂરી હોવાનું ખુલ્યુ છે.

કમિશ્નરશ્રી પાનીએ ઉમેર્યુ હતુ કે આ વર્ષે ચોમાસામાં ૧ લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવાનું આયોજન છે પરંતુ આ વૃક્ષો આડેધડ ઉછેરવાને બદલે લોકોને સહયોગ માટે જાગૃત કરી જે વોર્ડમાં જરૂર છે તે જ વોર્ડમાં ૨ ફુટથી વધુ ઉંચાઈના વૃક્ષો ઉછેરવાનું આયોજન છે અને આ મુજબ જ વૃક્ષના પિંજારાનું વિતરણ પણ થશે.

સ્માર્ટ સીટીના બે તળાવને વૃક્ષારોપણ માટે યંગ ઈન્ડીયન સંસ્થાએ દત્તક લીધા

કમિશ્નરશ્રીએ આ તકે જાહેરાત કરી હતી કે શહેરમાં વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા યુવાન વૃક્ષ પ્રેમીઓની સંસ્થા યંગ ઈન્ડીયન્સએ રૈયા સ્માર્ટ સીટીમાં આવેલ બે તળાવની આજુબાજુ વૃક્ષારોપણ માટે તૈયારી બતાવી છે. આમ વૃક્ષારોપણ માટે આ સંસ્થાએ બન્ને તળાવ દત્તક લીધા છે.

વૃક્ષારોપણ નહી કરનાર સોપાન લકઝુરીયા બિલ્ડીંગનું કમ્પલીશન અટકાવતા મ્યુ. કમિશ્નર

રાજકોટ, તા. ૨૨ :. દરેક બિલ્ડીંગ દીઠ ૧૦૦ ચો.મી.એ એક વૃક્ષનો ઉછેર ફરજીયાત છે. જો આ નિયમ મુજબ બિલ્ડરે વૃક્ષારોપણ કર્યુ હોય તો જ તેને કમ્પલીશન સર્ટી આપવાના નિયમની કડક અમલવારી મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ આજથી જ શરૂ કરી છે. શ્રી પાનીના જણાવ્યા મુજબ આજે તેઓએ રૈયા વિસ્તારમાં આવેલ સોપાન લકઝુરીયા બિલ્ડીંગમાં વૃક્ષને બદલે વાંસનો ઉછેર કરવામાં આવ્યાનું નિહાળ્યુ હતું. આથી તેઓએ આ બિલ્ડીંગનું કમ્પલીશન અટકાવી દીધુ હતુ અને બિલ્ડીંગને તાકીદ કરી હતી કે વાંસ એ વૃક્ષ નથી ઘાસ છે માટે કાયદેસર છાંયડો આપે તેવા વૃક્ષો ઉછેરો ત્યાર બાદ કમ્પલીશન સર્ટી અપાશે.(

(3:36 pm IST)