રાજકોટ
News of Wednesday, 22nd May 2019

રાજકોટ જેલમાં જ નિરમા હાઉસ પર શિવાએ ધાડનું પ્લાનીંગ ગોઠવેલું

બબ્બે પીએસઆઇ પર ફાયરીંગ, કરોડોની ખંડણી જેલ સ્ટાફ પર હુમલા અને નશીલા પદાર્થોની હેરફેર સહિત બે ડઝનથી વધુ ગંભીર ગુન્હાના આરોપી શિવલીંગમના ગુન્હાહીત કૃત્યોની કરમ કુંડળી જાણો : જેની ૧૦ લાખની સોપારી લીધી હતી તેને જ જાણ કરી વધુ ૧૦ લાખ તેની પાસેથી લઇ સોપારી આપનારની ઝેર પાઇ હત્યાનો કારસો પણ આ ખુંખાર ગુન્હેગારે કરેલો

રાજકોટ, તા., ૨૨: હત્યા, લૂંટ, કરોડોની ખંડણી, ધાડ સહિત બે ડઝનથી વધુ ગંભીર ગુન્હા આચરનાર અને અમદાવાદના ડોન નં. ૧નું સ્થાન મેળવવા માટે તલપાપડ બનેલ મહાલીંગમ ઉર્ફે મુર્ગયન પિલ્લાઇની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા અમદાવાદના કેટલાક ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો અને વેપારીઓ સહિત સામાન્ય લોકોએ હાશકારો કેમ થયો?  તે જાણવા માટે મુળ ચેન્નાઇના રહેવાસી મહાલીંગમ પિલ્લાઇની ગુન્હાહીત કુંડળી પર દ્રષ્ટિપાત કરવો જરૂરી છે.

ર૦૧૮માં મહાલીંગમે અમદાવાદમાં  વેજલપુરમાં ચાની કીટલી ધરાવતા શખ્સની હત્યા કરી નાખી હતી. આ ગુન્હામાં સાબરમતી જેલમાં હતો ત્યારે મરહુમ ડોન લતીફના મહત્વના સાથી વહાબ તથા એક આઇએસઆઇ એજન્ટ પર તેણે હુમલો કર્યો હતો. જેલમાં પણ તે શાંત બેસી રહેવાને બદલે ધાક-ધમકી આપી કરોડોની ખંડણી ઉઘરાવવાનું કાર્ય કરતો. વચગાળાના જામીન પર છુટયા બાદ ઇસ્લામ શેખ પાસે પ૦ લાખની ખંડણી માંગી હતી અને ખુેલ્લેઆમ  તેવી ધમકી આપેલ કે 'તું પોલીસ પાસે ભલે ગયો, તને કોઇ અધિકારી બચાવી શકશે નહિ' આમ કહી ખંડણીની રકમ વધારતા સન્નાટો મચી ગયો હતો.

શિવાના નામે કુવિખ્યાત આ ખુંખાર શખ્સે અમરાવાડી પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઇ પર ફાયરીંગ કર્યુ હતું. આજ રીતે ગોમતીપુરના પીએસઆઇરાણા પર પણ ફાયરીંગ કર્યુ હતું. એક સમયે ૧૦ લાખની સોપારી લીધા બાદ જેની સોપારી લીધી તેને જાણ કરી તેની પાસેથી વધુ ૧૦ લાખ મેળવી સોપારી આપનારની કોફીમાં ઝેર પાઇ હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

દરેક જેલમાં મારામારી, જેલ સ્ટાફ પર હુમલા કરવાની ટેવને કારણે તેને ભાવનગર નાર્કોટીકસના ગુન્હાની ૧૦ વર્ષની સજા ભોગવવા મોકલ્યો ત્યારે ત્યાં પણ જેલ સ્ટાફ પર હુમલો કરેલો. ર૦૧રમાં ભુજથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરેલ અને રાજકોટ જેલમાં જ નિરમા ફાર્મ હાઉસમાં ધાડ પાડવાનું કાવત્રુ ઘડયું હતું. ર૦૧૩માં રાજકોટથી અમદાવાદ કોર્ટ મુદત માટે લઇ જવાતો હતો ત્યારે ફરાર થઇ ગયો હતો. આમ શિવાની ગુન્હાહીત કુંડળી ગુન્હાઓથી છલોછલ ઉભરાઇ રહી છે.

(3:35 pm IST)