રાજકોટ
News of Wednesday, 22nd May 2019

રાજકોટ લોકસભા બેઠકઃ કાલે ૧૧ લાખ ૮૯ હજાર મતોની ગણત્રી

કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે ૮ થી પ્રારંભઃ પહેલા EPBS સર્વીસ વોટ ગણાશેઃ બાદમાં ઇવીએમઃ જડબેસલાક સુરક્ષા બંદોબસ્તઃ કુલ ૩પ બુથના મતો વીવીપેટ સાથે સરખાવાશેઃ આ વખતે ગણત્રીમાં સુવિધા સોફટવેરનો ઉપયોગઃ કુલ ૧૪ ટેબલ ર૬ રાઉન્ડ

રાજકોટ, તા., રરઃ રાજકોટ લોકસભા બેઠકની મતગણત્રી આવતીકાલે સવારે ૮ વાગ્યાથી કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે થશે. આ સંદર્ભે ૧ર૦૦થી વધુ પોલીસ-એસઆરપી તથા કમાન્ડોનું અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવાયું છે.

કાલે સવારે ૬ વાગ્યે મણગણત્રી સ્ટાફને એન્ટ્રી દેવાશે. કલેકટર, એડી. કલેકટર, ઓબર્ઝવર, તમામ ડે. કલેકટરો, મામલતદારો અને સ્ટાફ સવારે ૬ વાગ્યે પહોંચી જશે. પ્રથમ ઇપીબીએસના મતોની ગણત્રી થશે. ત્યાર બાદ કુલ ૩૮૬માંથી જેટલા મતો આવ્યા હશે, તે સર્વીસ વોટર્સની ગણત્રી થશે. બાદમાં ઇવીએમમાં પડેલા મતોની ગણત્રી થશે.

રાજકોટ લોકસભા બેઠક ઉપર મતદાનના દિવસે ૬૩.૧૪ ટકા મતદાન થયું હતું. એટલે કે કુલ ૧૮ લાખ ૮૩ હજારથી વધુ મતોમાંથી ૧૧ લાખ ૮૯ હજાર અને ૪રર મતો પડયા હતા.

જેમાં ૬ લાખ પ૮ હજાર ૮૯૪ પુરૂષ અને પ લાખ ૩૦ હજાર પર૬ સ્ત્રી મતદારોએ મત આપ્યો હતો. આ વખતે પરીણામ બે કલાક મોડુ આવશે. કારણ કે વિધાનસભા વાઇઝ પ-પ બુથોની મતગણત્રી વીવીપેટની સ્લીપ સાથે સરખામણી કરવાની છે. ુકલ ૩પ બુથોની મતગણત્રી વીવીપેટ સાથે સરખાવાશે.

સૌથી ઓછા મતો જસદણ ક્ષેત્રમાં ૧ લાખ ર૭ હજાર તો સૌથી વધુ રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં ૨ લાખ ૧૩ હજાર મતો પડયા હતા.

કાઉન્ટીંગ સેન્ટરની અંદરના ત્રણેય મજલાના બિલ્ડીંગથી લઇ અંદર કમ્પાઉન્ડ અને કમ્પાઉન્ડ બહારની સાઇડ પણ ચુસ્ત જાપ્તો ગોઠવાયો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રીના વડપણ હેઠળ બંને ડીસીપી સાથે પાંચ એસીપી, ૧પ પીઆઇ, ૬૪  પીએસઆઇ તેમજ પ૬૭ પોલીસ જવાનો, ૯૧ મહિલા પોલીસ, ૧૪૦ એસઆરપી જવાનો, ૭ર હોમગાર્ડ, ચાર ઘોડેશ્વાર જવાન તેમજ ટ્રાફીક બ્રીગેડ સ્ટાફ બંદોબસ્તમાં તહેનાત રહેશે.

કાઉન્ટીંગ સેન્ટરની બહારની બાજુએ ચોતરફ દિવાલોએ બંદોબસ્ત સાથે ઘોડેશ્વાર પોલીસ પેટ્રોલીંગ રાખશે. આ ઉપરાંત કાઉન્ટીંગ સેન્ટર રૂટ પર ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે માટે પણ વ્યવસ્થા ઉભી કરાઇ છે. કાઉન્ટીંગ સેન્ટરમાં પ્રવેશવા માટે રાજકીય પક્ષોના અધિકૃત કરાયેલા પ્રતિનિધિઓ કે જેઓ પાસે પાસ હશે.

મતગણત્રી માટે સાત કાઉન્ટીંગ હોલ, એક પોસ્ટલ બેલેટ ગણના સેન્ટર તેમજ કન્ટ્રોલીંગ હોલ તૈયાર રાખવામાં આવ્યા છે.

દરેક મતગણત્રી સેન્ટરની બેરીકેડ, પીજન બોકસ ચકાસવામાં આવ્યા હતા. બાદમાં મતગણના માટે રોકાનાર સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરીને આદેશો કરવામાં આવ્યા હતા. કુલ પ૪૬ કર્મચારીને મતગણનાની તાલીમ આપવામાં આવી છે.

મતગણત્રીમાં એકી સાથે ૧૪ ઇવીએમ ખુલશે. કુલ ર૬ થી વધુ રાઉન્ડ થશે. રાજકોટ બેઠક અંગે ભારે ઉતેજના છવાઇ છે.

(11:42 am IST)