રાજકોટ
News of Wednesday, 22nd May 2019

મરસીયા ગાવા-ગવડાવવા તો ઠીક, સાંભળવા પણ કઠીનઃ મહિપતસિંહ જાડેજા

ગોંડલના રીબડામાં શુક્રવારે પૂર્વ ધારાસભ્ય દ્વારા નવીન કાર્યક્રમઃ 'મરસીયાની મોજ': ૮૩માં જન્મ દિવસની ઉજવણી કરીને સમાજને ઉપયોગી થવાનો પ્રયાસ : મોદી સાહેબ કે છે ને કે પ૬ ગજની છાતી હોય તેનુ કામઃ મહિપતસિંહ જાડેજાએ કહ્યુ કે, મરસીયા સાંભળવાએ મારા માટે ખુશીનાં દિવસ છે. મોદી સાહેબ કે છે ને કે ૫૬ ગજની છાતી હોય તેનું કામ.એવી રીતે પોતાના મરશીયા સાંભળવા એ પણ ૫૬ની છાતી હોય તેનુ કામ છે. : અત્યારનું રાજકારણ સારા માણસ માટે નથી : મહિપતસિંહ જાડેજાએ જણાવ્યુ કે, અત્યારનુ રાજકારણ સારા માણસ માટે છે જ નહીં.

રાજકોટ : માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતભરનાં ક્ષત્રીય સમાજનાં મોભી અને પૂર્વ ધારાસભ્ય રિબડાનાં મહિપતસિંહ જાડેજાના ૮૩ માં જન્મ દિવસે રીબડા ખાતે ડાયરો તો રખાયો છે. મહિપતસિંહ દ્વારા 'મરસીયાની મોજ' નામનો કાર્યક્રમ પણ રખાયો છે. સામાન્ય રીતે મરસીયા મૃતક વ્યકિત પાછળ તેની યાદમાં જીવનનાં પ્રસંગોને વર્ણવતી એક રસમ ગણી શકાય. પરંતુ અહીં જીવતા જીવ પોતાની હૈયાતીમાં પોતાના મરસીયા સાંભળવાની બાપુની ફિલસુફી પણ અજીબો ગરીબ છે. ગઇકાલે રીબડા ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં મહિપતસિંહ જાડેજાએ વિગતો વર્ણવી હતી. આ તકે તેમના સુપુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તથા મહિપતસિંહ જાડેજા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. રર :.. ગોંડલ તાલુકાના રીબડા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય તથા જુદા-જુદા ક્ષેત્રોમાં લોક ઉપયોગી કાર્યો કરનારા અને ક્ષત્રીય સેનાના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ શુક્રવારે ૮૩ માં જન્મ દિવસની ઉજવણી અલગ રીતે કરવાનું નકકી કર્યુ છે. આ માટે કાલે રીબડામાં 'મરસીયાની મોજ' કાર્યક્રમ યોજાશે.

આ અંગે રીબડા ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં મહિપતસિંહ જાડેજાએ જણાવ્યું કે, મરસીયા ગાવા-ગવડાવવા તો ઠીક, સાંભળવા પણ કઠીન હોય છે. હું મરી જાવ પછી મારા છોકરાઓ ઘણુ બધુ કરશે. પરંતુ હું તો તે જોઇ ન શકુ. હું મારો જ મારા મરસીયાનો કાર્યક્રમ માણી શકુ. તે માટે આ નવીન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહિપતસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે ઇશ્વરે માંગ્યુ એના કરતા ઘણી સંપતિ આપી, ખેતીમાં ખૂબ જ સારૂ મળ્યુ છોકરાઓને બધી રીતે પગભર કર્યા પછી મારી પાસે કાંઇ  પણ વધ્યુ તે તો ભેગુ ન આવે તેવુ હું માનતો હતો. તેથી પ્રજાના હિતમાં નાણા વાપરવા, ગરીબોને મદદ કરવી એ મારી ભાવના હતી. જે પરિપુર્ણ થશે. અને રણબંકા શુરા હમીરજી ગોહીલની જેમ મારે મારા મરસીયા સાંભળવાની અનેરી લહેર લેવી છે.

મહિપતસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મારા સમાજ આવા કાર્યક્રમોમાં કંઇ ગ્રહણ કરે તો સમાજ સુખી થાય તેવી ભાવના છે.

પત્રકાર પરિષદમાં મહિપતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ઇશ્વરે ઘણું આપ્યું છે. ખેતી સંપતિ થકી આજે પરિવાર સુખી છે અને ત્યાર પછી જે વધ્યું છે તે પ્રજાના હિતમાં અને લોકોને મદદ માટે વાપરવા નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ થકી મારા સમાજના લોકોને એ સંદેશ આપવો છે કે તેઓ કશું ખોટું ન કરે, અત્યાચારનો સામનો કરે એ જ ખરો રાજપૂત કહેવાય. મારા અવસાન પછી તો મારા દીકરાઓ મારા માટે ઘણું કરવાના છે પણ મારે જીવતા જ મારા મરશિયા કેવા ગવાય છે એ જાણવા આ કાર્યક્રમ રાખ્યો છે.

આ પ્રસંગે અંદાજે દોઢ થી બે લાખ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. કાર્યક્રમમાં પધારવા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.

આ કાર્યક્રમ માટે સ્વ. મોહનસિંહ ભાવુભા જાડેજા, સ્વ. ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા, સ્વ. રામદેવસિંહ મહિપતસિંહ જાડેજાના આર્શિવાદ પ્રાપ્ત થયા છે.

સફળ બનાવવા જયદિપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, રાહુલસિંહ રામદેવસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સહિત મહિપતસિંહ જાડેજા પરિવાર જહેમત ઉઠાવે છે.

કાર્યક્રમની વિગતો

ગોંડલ તા. રર :. તા. ર૪ ને શુક્રવારના રોજ રિબડા ખાતે રાત્રે ૮.૩૦ કલાકે યોજાનાર અનોખા કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ તથા વી. આઇ. પી. મહેમાનોને મહિપતસિંહજી જાડેજાએ હાર્દીક આમંત્રણ પાઠવ્યું છે.

દરબારી ડાયરામાં મરસીયા તથા લોકસાહીત્યની મોજ  કરાવશે ડાયરામલ્લ દેવીપુત્રો સર્વશ્રી પદ્મશ્રી કવિરાજ ભીખુદાન ગઢવી, કવિરાજ સર્વશ્રી હમીરદાન ગઢવી (મુંબઇ) જીતુદાન દાદબાપુ ગઢવી, રાજભા ગઢવી, ઘનશ્યામદાન બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી, હરેશદાન શુરૂ, યોગેશદાન બોક્ષા, અનુભા ગઢવી, દેવરાજદાન ગઢવી, શંકરદાન ગઢવી, ગોવિંદભાઇ પાલીયા સહિતના દેવીપૂત્રો રમઝટ બોલાવશે. લક્ષ્ય ટીવી, જી.ટી.પી. એલ. તથા વી. ટીવી દ્વારા આ અનેરા અને અનોખા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાશે.

બાપુના ખાસ કાર્યક્રમમાં સાંજે ૬ થી ૮ રીબડા ગામના ક્ષત્રીય સમાજ ત્થા અન્ય સમાજના  કુંવારીકાઓને કન્યાદાનના રૂપમાં ભેટ અપાશે ઉપરાંત ગામના જરૂરીયાતમંદ લોકોને બાપુ  તરફથી દાન અપાશે તથા બ્રાહ્મણ, તરગારા, ભરવાડ, વાણંદ, હરીજન (દલીત) ત્થા વાલ્મીકી સમાજના લોકોને આર્થિક મદદ કરાશે.

સાંજે ૮ થી ૮.૩૦ કલાકે પધારેલા મહેમાનો સાથે મહિપતસિંહજી મુલાકાત કરશે. સાંજે ૮.૩૦ થી ૧૧.૩૦ મરસીયાની મોજ તથા રાત્રે ૧૧.૩૦ થી સવાર સુધી લોકસાહીત્ય ડાયરો યોજાશે.

દોઢસો વિઘામાં કાર્યક્રમ, દોઢ લાખ  લોકો ઉમટી પડશેઃ અનિરૂદ્ધસિંહ જાડેજા

રાજકોટ, તા. ૨૨ :. ગોંડલના રીબડામાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના સુપુત્ર અનિરૂદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે રીબડા ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાંથી દોઢ લાખ લોકો ઉમટી પડશે.

અનિરૂદ્ધસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે, આ કાર્યક્રમ માટે રીબડામાં ૧૫૦ વિઘામાં ડોમ સાથે વિવિધ સુવિધા ઉભી કરાશે. જેમાં ૫૦ વિઘામાં લોકો કાર્યક્રમ માણશે અને ૧૦૦ વિઘામાં પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરાશે.

અનિરૂદ્ધસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે, મારા પિતાશ્રી મહિપતસિંહ જાડેજાના આ કાર્યક્રમ માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના સ્ટેટ પણ પધારશે.

મહિપતસિંહ બનવું બહુ કઠીનઃ વેઠયા છે અનેક દુઃખો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. રર : પત્રકાર પરિષદમાં મહિપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિપતસિંહ બનવું ખૂબજ કઠીન છે, અનેક દુઃખ વેઠયા છે.

જેનો ઇતિહાસ આલેખી શકાય તેના મરસીયા ગાઇ શકાય. જોવા જઇએ તો મહિપતસિંહ બાપુનું જીવન પણ સંઘર્ષમય ઇતિહાસ ગણી શકાય, શૌર્ય રાજપૂતોની ઓળખ છે, પણ બધી ઓળખ શૌર્યભરી નથી હોતી. અહીં મહિપતસિંહ બાપુની જીંદગીના મોટાભાગના વરસો વટ, વચનની ડગર ઉપર શૌર્ય અને સંઘર્ષથી ભરેલા પડયા છે.

ગીરાસદારો ચળવળ, સરકારી ચોપડે બહારવટુથી લઇ છેક ધારાસભ્યપદે પહોંચવાની તેમની રોમાંચક ગાથામાં ડોકીર્યું કરીએ તો ૧૯૪૭માં દેશની આઝાદી બાદ ૧૯૪૯માં ભાડવાબાપુ દ્વારા ગરાસદારી ચળવળ સત્યાગ્રહરૂપે શરૂ કરાઇ. આ ખેડૂતો અને ગરાસદારો વચ્ચેનું આંદોલન હતું. મહિપતસિહ જાડેજાની વટ, વચનની કહાની ત્યાંથી શરૂ થઇ. ગરાસદારી ચળવળ અંતર્ગત ૧૯પરમાં તેમની ધરપકડ થઇ. 'એક ઘા અને બે કટકા' અને માથા ફરેલો મિજાજ ધરાવતા મહિપતસિંહને તે સંદર્ભે ૧૯પ૭માં રાજકોટ, અમરેલી અને જુનાગઢ એમ ત્રણ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા.

આજે પણ આ જૈફવયે સરકાર સામે લડવાનું અડીખમ કલેજુ ધરાવતા મહિપતસિંહ તે સમયે પણ લડાયક તેવર ધરાવતા હતા. સરકાર દ્વારા ફરી ૧૯૬૩માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા.

૧૯૬પમાં મહિપતસિંહ બાપુ ઉપર ગેંગકેસ થયો. ગેંગકેસથી તેઓ વધુ ચર્ચિત બન્યા. ગોંડલના ઇતિહાસમાં આજે પણ આ ગેંગકેસ ચર્ચામાં છે. ગેંગકેસના લીડર મહિપતસિંહ હતા, સરકારે તેમને બહારવટીયા જાહેર કર્યા, તેમને પકડવા રૃા. ર૦ હજારનું ઇનામ પણ જાહેર થયેલુ, ગેંગકેસના નામે ૪૧ ગામમાં ડકૈતીના ૭૬ ગુન્હા દાખલ થયેલા, જેમાં ૧૯પ જેટલા વિટનેશ હતાં, ગેંગકેસને યાદ કરતા મહિપતસિંહ કહે છે કે ર૧ તહોમતદારો પૈકી ૧૪ને સજા થવા પામી હતી. હું નિર્દોષ છુટયો, મને બહારવટીયો જાહેર કરાયો હતો, પણ સત્ય મારા પક્ષે હતું. કોર્ટે પોલીસનું આ નાટક છે તેવી આકરી ટીકા કરી મને નિર્દોષ જાહેર કર્યો. પોલીસની ખોટી કનડગત અને રાજકીય કિન્નાખોરી કદાચ બાપુના બગાવતી સ્વભાવનું કારણ હોઇ શકે.

 ૧૯૮૬માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડીબનીયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં સતર જેટલા પેટ્રોલ પંપ ઉપર ત્રાટકી લૂંટ કરી ચડ્ડીબનીયાનધારી ગેંગે પોલીસની ઉંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ ઉપર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે તે પહેલા બાપુએ ગેંગના ૧૬ પૈકી બે લૂંટારૂઓને ઝડપી લઇ પોતાની જોંગોજીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી પોલીસને હંફાવતી ચડ્ડીબનીયારધારી ગેંગને મર્દાનગી સાથે નેસ્તનાબૂદ કરી હતી.

વારંવારની હદપારી દરમિયાન પરિવારના જીવન નિર્વાહની જવાબદારી પણ નિભાવી, ગોવાના મઢગાંવ પાસે એસ. કાંતિલાલ કંપનીમાં ગાડીના ફોરમેન તરીકે તો ભાવનગરમાં પણ નોકરી કરી. એ સમયે વડાપ્રધાન ઇન્દીરા ગાંધી દ્વારા હેવી લાયસન્સ ધારકો માટે ટ્રક લોન બહાર પડેલી, લોન મેળવી ટ્રક ખરીદયો, સંઘર્ષના દિવસો પણ દિલેરીથી વિતાવ્યા મહિપતસિંહ જાડેજા વરસો પર્યંત રીબડાના સરપંચ રહ્યા, ૧૯૮૦થી ૧૯૮૬ સુધી ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા, તે સમયે નિરાધાર, વિકલાંગ, ત્યકતા અને વિધવા પેન્શન શરૂ કરી અનેકના આધાર બન્યા, તે સમયે નશબંધી અંગે કેન્દ્ર સરકારના અભિયાન હેઠળ એક રાતમાં જ ત્રણસો જેટલા વાજેકટોમી સર્જરી માટે તાલુકાની આરોગ્ય ટીમના માર્ગદર્શક બની શ્રેષ્ઠ કામગીરી દાખવી જેની ગુજરાતભરમાંથી દિલ્હી કક્ષાએ એક માત્ર ગોંડલની નોંધ લેવાઇ હતી.

બ્રાહ્મણો દ્વારા શ્લોક-મંત્રોચ્ચાર સાથે ૧૨૦ કન્યાઓને કન્યાદાનની ભેટ અપાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૨૨: જીવતાજીવ મરશીયાને મોજથી માહાવાની હામ ધરાવતા મહિપતસિંહ જાડેજા કહે છે કે નકરી નિર્ભયતા એ જ મારૃં જીનવસૂત્ર છે. સંઘર્ષ મારૃં જીવન છે. કોઇપણ કર્મ મારા સ્વાર્થ માટે નથી કર્યુ લેશમાત્ર ડર વગર અન્યાય સામે લડ્યો છું મર્દાનગીથી જીવ્યો છું મર્દાનગીથી મરવું છે રીબડા ખાતે તા. ૨૪ શુક્રવારના ૮૩માં જન્મદિન પ્રસંગે છેલ્લી મુલાકાત લેખાવતા મહિપતસિંહ બાપુ મરશીયાની મોજ અને ડાયરાનાં કાર્યક્રમમાં એકસો અગીયાર દિકરીઓને કન્યાદાનની ભેટ ઉપરાંત રીબડાના બ્રાહમણ, તરગાળા, ભરવાડ, વાણંદ દલીત તથા વાલ્મીક સમાજને આર્થિક યોગદાન આપનાર છે.

કન્યાઓને કન્યાદાનની ભેટ આપતી વખત બ્રાહ્મણો શ્લોકનું ગાન કરશે.

આ ઉપરાંત સાધુ, બ્રાહ્મણ, બાવાજી તરગાળા સહિત ગરીબ પરિવારોને આર્થિક સહાય પણ આપવામાં આવશે.

૩ ટર્મ સુધી ગોંડલના ધારાસભ્ય રહ્યાઃ ૮૨ વર્ષે ગજબની સ્ફુર્તિ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૨: મહિપતસિંહ જાડેજા ત્રણ ટર્મ ગોંડલના ધારાસભ્ય બન્યાં, બે વાર અપક્ષ તથા એકવાર એન.સી.પી. દ્વારા ચુંટાયા, વર્ષ ૨૦૦૯માં બાબરા ધારાસભા બેઠક લડયાં, પણ અહીં પ્રતિસ્પર્ધી કોંગ્રેસના બાવકું ઉંઘાડની જીત થઇ, બાપુ બીજા ક્રમે રહ્યાં, જયારે ભાજપ ત્રીજા ક્રમે હતો. આ ઉંમરે પણ પુરપાટવેગે જોંગો દોડાવવી તેમની આગવી ઓળખ છે. બાપુ રિવોલ્વર, માઉજર પિસ્તોલ અને બારબોર જેવાં હથીયારનાં લાયસન્સ ધરાવે છે. અલબત્ત રાજકીય કિન્નાખોરીથી સરકારે અનેકવાર જપ્ત પણ કરેલાં, મહિપતસિંહ કહે છે કે જો કોઇ લુંટ કે ચોરી નથી કરી, હમેંશા સત્યની લડાઇ લડયો છું. નિતી નિયમોને અનુસર્યો છું. આ લડાઇને બગાવત પણ કહી શકો. જ્ઞાતિ-જાતીનાં ભેદભાવ વગર અનેક લોકોનાં કામ કર્યા છે. આજે પણ કરૂ છું. પિતાએ આપેલી ખેતીની જમીનમાં આજે પણ ખેતીકામ કરૂ છું. ૮૨ વર્ષે પણ અદ્રલ ખેડુત બની ખેતીકામ કરતા મહિપતસિંહબાપુની સ્ફૂર્તી યુવાનોને પણ શરમાવે તેવી છે.

(11:40 am IST)