રાજકોટ
News of Tuesday, 22nd May 2018

ગોંડલના ઘોઘાવદરમાં ગુરૂવારે મેઘવાળ સમાજના સમુહલગ્ન : અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડ

બાવન નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે : કરીયાવરમાં દીકરીઓને ઢગલાબંધ વસ્તુઓ અપાશે

રાજકોટ, તા. ૨૨ : ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવેલ સંત શીરોમણીદાસી જીવણ સાહેબની જગ્યામાં ૨૪ મીના ગુરૂવારે સમસ્ત મેઘવાળ સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાવન નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને કબાટ, પલંગ, મંગળસૂત્ર સહિત અનેકવિધ વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે હેમંત પરમાર, વિનોદ દાફડા અને છોટે મોરારી તરીકે જાણીતા મહુવાના લોકસાહીત્યકારનું સન્માન કરવામાં આવશે.

ઘોઘાવદર મુકામે આવેલ સંતશ્રી દાસી જીવણ સાહેબની જગ્યામાં ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે તા. ૨૪ ના ગુરૂવારે બાવન દીકરીઓના સમુહલગ્નનું આયોજન થયેલ છે. કાલે તા. ૨૩ ના બુધવારે સંતવાણી પ્રસંગે અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડના વિજેતા કલાકારો, દાતાઓ અને સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવશે.

આ સમારોહનું ઉદ્દઘાટન દીપપ્રાગટય સવારે ૧૧ કલાકે કલેકટર ડો. રાહુલ ગુપ્તાના હસ્તે દીપપ્રાગટય કરી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત મેઘવાળ સમાજના વિનુભાઇ પરમાર (ચેનપુરવાળા), મનસુખભાઇ સાગઠીયા, રાણાદાદા મેલડીમાતાજીના ભુવા જાદવજીભાઇ મકવાણા, વાલાભાઇ પરમાર, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા તેમજ સંતો મહંતો હાજરી આપશે.

આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી મહંતશ્રી શામળદાસજી મહારાજ (મો. ૯૯૦૯૬ ૨૪૯૩૫), જેન્તીભાઇ પરમાર મેઘમાયા ટ્રસ્ટના પ્રમુખ મો. ૯૭૨૫૬ ૫૨૬૩૦, ભરતભાઇ પરમાર, સતીષબાપુ મો. ૭૦૪૩૩ ૨૪૬૨૪, પ્રાગજીભાઇ રાઠોડ, નારણભાઇ બગડા, માવજીભાઇ સોલંકી, જલારામધામ ટ્રસ્ટના પ્રમુખ લાભુભાઇ આહીર, સવજીભાઇ સાગઠીયા, કલાકાર તુલસીભાઇ ગોંડલીયા, જયંતિભાઇ ડાભી, યશવંત ડાભી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:20 pm IST)