રાજકોટ
News of Tuesday, 22nd May 2018

યુનિવર્સિટીમાં GPSC વર્ગ -૧-૨ માટે નિઃશુલ્ક કાર્યશાળા

રાજકોટ તા.૨૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેરીયર કાઉન્સેલીંગ સેલ (યુ.જી.સી.) અને કેરીયર કાઉન્સેલીંગ એનડ ડેવલપમેન્ટ સેન્ટર (સીસીડીસી) ના સંયુકત ઉપક્રમે જી.પી.એસ.સી. વર્ગ-૧ અને ૨ની તૈયારી કરતાં છાત્રોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા સવારે ૮ થી સાંજના ૬ સુધી નિઃશુલ્ક કાર્યશાળાનું આયોજન કરેલ. જેમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિનામુલ્યે માર્ગદર્શન મેળવ્યું હતું. રાજય સરકારશ્રી મારફત જી.પી.એસ.સી. વર્ગ -૧ અને ર ની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં યોજાવાની છે. તે માટે તૈયારી કરતાં છાત્રોને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે સામાન્યજ્ઞાનનાં નિષ્ણાંત નડીયાદના પ્રફુલ્લભાઇ ગઢવીએ ભારતના બંધારણ વિશે તમામ આયામો અંગે સવિસ્તૃત માર્ગદર્શન પૂ રું પાડવામાં આવેલ હતું.

 જી.પી.એસ.સી. ની ઉપરોકત કાર્યશાળામાં વિદ્યાર્થીઓને મોટીવેશન માર્ગદર્શન આપતાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. કમલભાઇ ડોડીયાએ વિવિધ ક્ષેત્રોમાંથી જ્ઞાનનું સંકલન કરી સફળતા કેવી રીતે મેળવી શકાય તે સંદર્ભે પોતાના અનુભવો વર્ણવી માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે રાજકોટના જાણીતા ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. તેજસભાઇ કરમટાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા પ્રશ્નોના જવાબથી સફળતા અંગે માહિતગાર કરેલ હતા.

આ કાર્યશાળામાં રાજકોટ આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નરશ્રી હર્ષદભાઇ મહેતાએ વિદ્યાર્થીઓ સાથે ૨ (બે) કલાક વાર્તાલાપ કરી જી.પી.એસ.સી. પરિક્ષામાં સફળ કેમ થઇ શકાય ? તે અંગે પોતાની કારકિર્દી અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા. શ્રી મહેતા સાહેબે વિદ્યાર્થીઓનાં અનેક પ્રશ્નોના સચોટ જવાબ આપી ગણિત, વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો, સામાન્ય જ્ઞાન, વગેરે આયમોમાં કેવી રીતે સ્માર્ટ તૈયારી મારફત સફળતા મળી શકે તેની માહિતી આપેલ હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશિષભાઇ કીડીયા, હિરાબેન કીડીયા, કાંતિભાઇ જાડેજા એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન વિષય નિષ્ણાંત જીતેષભાઇ સાંખટે કરેલ હતું.

(4:16 pm IST)