રાજકોટ
News of Tuesday, 22nd May 2018

ઘરેલુ હિંસાના કેસમાં કોન્ટ્રાકટર પતિને ત્રણ માસની જેલ સજા ફરમાવતી અદાલત

રાજકોટ, તા. રર : જુનાગઢના પ્રાઇવેટ બીલ્ડીંગના સફાઇના કોન્ટ્રાકટર વિનોદ જીવરાજભાઇ ચુડાસમાને ૩ માસની જેલ સજા રાજકોટ કોર્ટે ફરમાવેલ છે.

જુનાગઢના રહીશ વિનોદ જીવરાજભાઇ ચુડાસામને રહે. ન્યુ ફાર્મસી અગ્રાવતના દવાખાના પાસે, ન્યુ ગાંધી સોસાયટી, રૂડાનગર, જોષીપુરા, જુનાગઢવાળાના પત્ની હેમાબેન વિનોદભાઇ ચુડાસમાએ રાજકોટની કોર્ટમાં ઘરેલુ હિંસાના કાયદા હેઠળ અરજ કરી જણાવેલ કે તેઓના લગ્ન વિનોદભાઇ સાથે થયેલા છે અને લગ્ન બાદ પતિ વિનોદભાઇ, સાસુ ભાનુબેન, સસરા જીવરાજભાઇ અને નણંદ શારદાબેન અરજદારને સંતાન અંગે મેણા-ટોણા મારી, ગાળા-ગાળી કરી મારકૂટ કરતા અને ખરાબ શબ્દો બોલી અરજદાર સાથે છૂટાછેડા આપી દેવા દબાણ કરતા. ખરેખર પતિ વિનોદ જીવરાજભાઇ ચુડાસમાને શારીરીક ખામી હોવા છતાં અરજદારનો વાંક કાઢી અરજદારને વાંકગુના વગર સાસરીયાવાળાઓ શારીરીક-માનસિક ત્રાસ આપતા અને હેરાન કરતા અને અરજદારને પહેરેલ કપડે તેમના માવતરે મૂકીને જતા રહ્યા બાદ અરજદારની કોઇ સારસંભાળ કે દેખરેખ કે ભરણપોષણ ન કરતા હોય જેથી અરજદારે રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કલમ-૧ર અન્વયે અરજી દાખલ કરેલ અને ચાલતા કેસ દરમિયાન કોર્ટે વચગાળાના ભરણપોષણ પેટે રૂ. ૧૮૦૦/-, મકાન ભાડા અને લાઇટબીલના રૂ. ૧૦૦૦/- અરજી દાખલ કર્યાની તારીખથી ચૂકવવું તેવો હુકમ ફરમાવેલ હતો.

ત્યાર બાદ અરજદારે ચડત ભરણપોષણ મેળવવવા ફોજદારી અરજી કરી રકમ રૂ. રપ,ર૦૦/-ની અરજી દાખલ કરેલ અને તે અરજી પતિ વિનોદભાઇ યેનકેન પ્રકારે કોર્ટની નોટીસ બજવા દેતા ન હોય તેમજ તેમના પિતાજીના ખોટા નિવેદનો સાથે નોટીસો પરત મોકલી આપતા અને પતિ વિનોદભાઇ તેમના પિતાની સાથે જ રહેતા હોવા છતાં કોર્ટની નોટીસ સ્વીકારતા ન હોય અને પરત મોકલી આપતા હોય તેમજ કોર્ટના હુકમનું પાલન કરતા ન હોય જેથી રાજકોટના એડી ચીફ જયુડી. મેજી. શ્રી પી.કે. પંડયાએ પતિ વિનોદ જીવરાજભાઇ ચુડાસમાને ૩ માસની જેલ સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર હેમાબેન તરફે રાજકોટના ધારાશાસ્ત્રી મહેશ ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, વાસુદેવ પંડયા, કિશન જોશી તથા ઘનશ્યામ અકબરી રોકાયેલ હતા.

(4:14 pm IST)