રાજકોટ
News of Tuesday, 22nd May 2018

અગાઉના બે લગ્નોની હકીકત છૂપાવી સગીરાની જાતિય સતામણીના ગુનામાં પતિની જામીન અરજી રદ્

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છેઃ ગુનામાં આરોપીની સંડોવણી ફલિત થાય છેઃ કોર્ટ

રાજકોટ, તા. ૨૨ :. લગ્ને-લગ્ને કુંવારા હોવાનું જણાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી જાતિય સતામણી કર્યા બાદ સગીરા સાથે લગ્ન કરી મારકુટ કરી ત્રાસ આપી ધમકી આપવાના ગુનામાં પકડાયેલ મોબાઈલના ધંધાર્થી પરેશ ઉર્ફે પુનિત રમેશભાઈ ચુડાસમાએ જામીન પર છૂટવા કરેલ અરજીને પોકસો કોર્ટના જજે નકારી કાઢી હતી.

બનાવની વિગત મુજબ આરોપીને ૧૫૦ ફુટના રીંગરોડ ઉપર ગાંધીગ્રામ વિસ્તારમાં મોબાઈલની દુકાન આવેલ હોય બનાવનો ભોગ બનનાર સગીરા ત્યાં પોતાનો ફોન રિચાર્જ કરવા જતી હોય પોતે લગ્ન કરેલ હોવાની હકીકત છૂપાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને જાતિય સતામણી કરી હતી. બાદમાં સગીરા સાથે લગ્ન કરી વિશ્વાસઘાત કર્યા બાદ મારકુટ કરી ત્રાસ આપી ધમકી આપતા તેણીએ આરોપી પતિ સામે પોકસો સહિતના આરોપ સબબની ફરીયાદ નોંધાવી હતી.

આ ગુનામાં આરોપી પરેશે અગાઉ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજી રદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરતા પોકસો કોર્ટમાં રેગ્યુલર જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે રજૂઆત કરેલ કે, આરોપીએ ભોગ બનનાર સાથે છેતરપીંડી કરીને લગ્ન કરેલ છે અને અગાઉ બે છોકરીઓ સાથે પણ આવી રીતે લગ્ન કરેલ છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન પર છોડવામાં આવશે તો સમાજમાં અવળી અસર પડટે તેમ હોય જામીન અરજી રદ કરવી જોઈએ.

પોકસો કોર્ટના ન્યાયાધીશે સદરહુ જામીન અરજી રદ કરતા પોતાના ચુકાદામાં જણાવેલ છે કે, આરોપી સામે રાજકોટ તથા મુંબઈની કોર્ટમાં કેસો ચાલુ હોવાનું જણાય છે આ સાહેદના નિવેદનથી આરોપી પરેશભાઈ એ તેણી સાથે લગ્ન બાદ અન્ય છોકરીને ફસાવી તેણી સાથે રજી. મેરેજ કરેલ છે. કોર્ટે પોતાના ચુકાદામાં વધુમાં જણાવેલ છે કે આરોપીએ સૌ પ્રથમ એક છોકરી સાથે અને ત્યાર બાદ બીજી છોકરી સાથે લગ્ન કરી તે બન્નેને તરછોડી હાલની સગીરવયની ભોગ બનનારને ફસાવી તેણી સાથે જાતીય સતામણી કરેલ છે અને કેસનું રેકર્ડ ધ્યાને લેતા આરોપીનો ગુનાહીત ઈતિહાસ હોવાનું જણાય આવે છે અને આરોપીની પોકસો એકટ અન્વયેની ગંભીર ગુન્હાઓના કામમાં સંડોવણી સ્પષ્ટ જણાય છે. પોકસો એકટની કલમ ૨૯ મુજબ જ્યાં સુધી આરોપી સામે ટ્રાયલ ચાલી પુરી ન થાય ત્યાં સુધી તેઓને નિર્દોષ માનવાના નથી.

આમ કોર્ટે આરોપી સામેના આક્ષેપીત ગુન્હાની ગંભીરતા ગુનાહીત રોલ તેમજ ગુનાહીત ઈતિહાસ ધ્યાને લઈ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુરક કરેલ છે.

આ કામમાં સરકાર તરફે વકીલ તરીકે એ.પી.પી. તરીકે એ.એ. સોસન તેમજ મુળ ફરીયાદી વતી વકીલ તરૂણ એસ. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયેલ છે.

(4:14 pm IST)