રાજકોટ
News of Tuesday, 22nd May 2018

મકાનવેરાની વાંધા અરજીના નિકાલ માટે ૧૯૯ અધિકારી-કર્મચારી ધંધે લાગ્યા

૮ હજાર વાંધા અરજીમાંથી ૩ હજારનો નિકાલ : ૩.૯૦ લાખ મિલ્કત ધારકોને વેરાવલ પહોંચાડવા કવાયત : ૧.૧૩ લાખ કરદાતાઓએ ૪૭.ર૮ કરોડનો એડવાન્સ વેરો ભરી દીધો : કાર્પેટ વેરા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા ખાસ એકશન પ્લાન

રાજકોટ, તા. રર : રાજકોટ મહાનગરપાલિકા કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરા પદ્ઘતિ અંગે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છે અને નવા વેરા બિલ અંગે જે લોકોએ વાંધા અરજી કરી છે તેના આ પ્રશ્નનો ઝડપભેર નિકાલ થાય એવા શુભ આશયથી મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વેરા વસૂલાત શાખાના અધિકારીઓ અને તેઓના ઉપરી વરિષ્ઠ અધિકારીશ્રીઓને વિશેષ જવાબદારી સુપરત કરી હતી. તેમજ આ બાબતને અત્યંત ગંભીરતાથી ટોચની અગ્રતા આપી શહેરના કરદાતાઓને સરળતા રહે તે પ્રકારે કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે. જે અંતર્ગત શહેરીજનોના જાહેર હિતમાં ગત રવિવારે રજાના દિવસે પણ કમિશનરશ્રીએ ખાસ ઝુંબેશના રૂપમાં ટેકસની વાંધા અરજીઓના નિકાલ માટે ૪૮ એપેલેટ ઓફિસરો અને ૧૫૧ જેટલા સપોર્ટિંગ કર્મચારીઓ અને અધિકારીઓને વિશેષ કામગીરી સોંપી હતી.

આ આયોજન અને તેમાં થયેલી કામગીરી વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે,  કરદાતાઓ તરફથી ૮૫૩૪ જેટલી વાંધા અરજીઓ મહાનગરપાલિકાને મળી હતી, જે પૈકી ૩૭૭૬ જેટલી વાંધા અરજીઓનો તા. ૨૨-૫-૨૦૧૮ સુધીમાં નિકાલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના પૂર્વ (ઈસ્ટ) ઝોનમાં ૨૨૮૪ વાંધા અરજીઓ પૈકી ૧૪૧૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૮૭૪ અરજીઓના નિકાલ માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. જયારે મધ્ય ઝોન ( સેન્ટ્રલ ઝોન )માં  ૩૧૦૩ વાંધા અરજીઓ પૈકી ૭૮૨ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૨૩૨૧ અરજીઓના નિકાલની પ્રક્રિયા ચાલુ છે, તેમજ પશ્યિમ ઝોન (વેસ્ટ ઝોન)માં ૩૧૪૭ વાંધા અરજીઓ પૈકી ૧૫૮૪  અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૧૫૬૩ અરજીઓના ઝડપભેર નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

મ્યુનિ. કમિશનરશ્રી કહ્યું કે, વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરવા એપેલેટની કામગીરી માટે કમિશનર ઉપરાંત ૩ ડેપ્યુટી કમિશનર, ૩ આસીસ્ટન્ટ કમિશનર, ૫ આસિસ્ટન્ટ મેનેજર, ૧૮ વોર્ડ ઓફિસરો અને ૧૮ વોર્ડ ઇન્સ્પેકટરને જવાબદારી સુપરત કરાયેલી છે. જયારે સ્પોર્ટિંગ સ્ટાફમાં ૧૮ ડીમાંડ કલાર્ક, કંપનીના ૬૦ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકાના ૧૫ એન્જિનિયર, ૧૮ ઓપરેટરો અને ૪૦ એપ્રેન્ટીસને કામગીરી સોંપવામાં આવેલી છે.

શહેરમાં કુલ ૪,૫૭,૦૦૦ લાખ પ્રોપર્ટી પૈકી અત્યાર સુધીમાં ૩,૯૦,૦૦૦ વેરા બિલ પોસ્ટલ ડીપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવેલા છે, અને અત્યાર સુધીમાં ૧,૫૦,૦૦૦ મકાનધારકોને વેરા બિલ પહોંચાડી દેવામાં આવેલા છે. આ પૈકી આજ સુધીમાં ૧,૧૩,૬૧૮ કરદાતાઓએ રૂ. ૪૭.૨૮ કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી દીધી છે, તેમ પણ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

 

ચૂંટણી પંચની પરીક્ષામાં રાજકોટના ૬ જેટલા અધીકારીઓએ ''ડમી'' ઉમેદવાર બેસાડતા સનસનાટી

રાજયના અધીક મૂખ્ય ચૂંટણી અધીકારી પાડલીયાને જાણ થતા ચોંકી ઉઠયાઃ પંચને રીપોર્ટ કરાયોઃ તોળાતા આકરા પગલા... : ERO નેટની રાજકોટમાં તાલીમ બાદ પરીક્ષા હતીઃ ૧પ૦ને તાલીમ અપાઇઃ ૧પ થી વધુ તો નાપાસ થયાઃ તે અંગે હવે નિર્ણય...

રાજકોટ તા. રર : તાજેતરમાં શનિ-રવિ ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ મામલતદારો-ડે.કલેકટરો માટેયુનિ. ખાતે ૩ બેચમાં ERO નેટ સોફટવેર અંગે સ્પે. તાલીમ હતી, ગુજરાતભરમાં ફર્સ્ટ તાલીમ રાજકોટમાં યોજાઇ, તેમાં ગુજરાતના પણ અમૂક જીલ્લાના અધીકારીઓને બોલાવાયા હતા, કુલ ૧પ૦ ચૂંટણી અધીકારીઓને બે દિ' તાલીમ અપાઇ, આખી ઓનલાઇન પ્રથા-બાબત હતી, તેમાં ૧૬ અધીકારી તો ગેર હાજર રહ્યા હતા.

પરંતુ ધડાકોએ થયો છે કે, આ તાલીમ બાદ, આ તમામની ઓનલાઇન પરીક્ષા લેવાઇ, લેખીતમાં પણ પરીક્ષા હતી, પરંતુ આ પરીક્ષામાં રાજકોટના ૬ જેટલા ઉચ્ચ અધીકારીઓએ પોતાના બદલે ડમી ઉમેદવારોને તાલીમ માટે બેસાડી દિધાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે જો, કે આ બાબતને સતાવાર સમર્થન મળતું નથી, પરંતુ ચર્ચાતી હકિકતો મુજબ રાજયના અધીક મૂખ્ય ચૂંટણી અધીકારી શ્રી પાડલીયા (IAS) ને જાણ થતા તેઓ ચોંકી ઉઠયા છે, અને પંચને રીપોર્ટ કરી રહ્યાનું  કલેકટર લોબીમાં ચર્ચાઇ રહ્રું છે., કલેકટર લોબીમાં ડમી ઉમેદવારો બેસાડયાની ભારે ચર્ચા ઉપડી છે, આકરા પગલા તોળાઇ રહ્યાની પણ ચર્ચા છે.

આ પરીક્ષામાં ૧પ૦માંથી ૧પ થી વધુ તો નાપાસ થયા છે, તેમનું શું કરવું તે અંગે હવે નિર્ણય લેવાશે, આ તાલીમ સ્ટેટલેવલના માસ્ટર ટ્રેનર દ્વારા જુદા જુદા ૧૦ પ્રકારના વિષય ઉપર અપાઇ હતી. અને ગાંધીનગરથી CMC ટેકનીકલ હેડ દ્વારા પણ ખાસ માર્ગદર્શન અપાયું હતું.

(4:14 pm IST)