રાજકોટ
News of Tuesday, 22nd May 2018

અકસ્માત ઇજાના કેસમાં વળતર ચૂકવવા કલેઇમ ટ્રિબ્યુનલનો હુકમ

રાજકોટ, તા. રર : રાજકોટના મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રિબ્યુનલ દ્વારા વળતર મંજુર કરતો હુકમ કરવામાં આવેલ છે. આ કેસની વિગત એવી કે, ગત તા. ૯-પ-ર૦૦૩ રોજ ઇજા પામનારઓ જાલાભાઇ નવઘણભાઇ સરવૈયા તથા જયેશભાઇ રમણીકલાલ પરમાર હિરો હોન્ડા મોટર સાઇકલ નં.જીજે-૩-યુ-૬પ૩ લઇને જતા હતાં તે દરમિયાન વાંકાનેર સીટીમાં ભાટીયા સોસાયટી સામે રોડ ઉપર ધીમી ગતિએ જઇ રહેલ હતાં તે દરમ્યાન મારૂતિ કાર નં. જીજે-૧-આર-૧૯પપના ચાલકે પુરઝડપે અને બેફામ તેમજ બેફીકરાઇથી ચલાવી આવી જાલાભાઇ નવઘણભાઇ સરવૈયા તથા જયેશભાઇ રમણીકલાલ પરમારને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જેલ જેમાં જાલાભાઇ નવઘણભાઇ સરવૈયા તથા જયેશભાઇ રમણીકલાલ પરમારને ગંભીર પ્રકારની ઇજા થવા પામેલ. જે સબબ તેઓએ રાજકોટના મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ વળતર મેળવા કલેઇમ કેસ ગુજારેલ છે.

સદરહું કલેઇમ કેસ ચાલી જતા જાલાભાઇ નવઘણભાઇ સરવૈયા અને જયેશભાઇ રમણીકલાલ પરમાર તેમજ સામાવાળા તરફે પુરાવા રજૂ થયેલા તથા ટ્રિબ્યુનલ બન્ને પક્ષોની દલીલો સાંભળી જાલાભાઇ નવઘણભાઇ સરવૈયા તથા જયેશભાઇ રમણીકલાલ પરમાર અરજદારો તરફે તેમના એડવોકેટ શ્રી હેમલ બી. ગોહેલ દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી અને અરજદારોએ ગુજારેલ કલેઇમ કેસ રકમ તેમજ ફાઇનલ વળતર મેળવવાનો કલેઇમ મંજુર હુકમ કરવામાં આવેલ છે. જેમાં જયેશભાઇ રમણીકલાલ પરમારને અકસ્માતના વળતર પેટે રૂ. ૧,૦૬,પ૮૦ તથા જાલાભાઇ નવઘણભાઇ સરવૈયાને અકસ્માતના વળતર પેટે રૂ. ૮પ,૧૯૬/- અરજીની તારીખથી વસુલ થતાં સુધી ૯%ના વ્યાજ સાથે તથા ખર્ચ સહિત સામાવાળાઓ પાસેથી વસુલ અપાવવાનો હુકમ કરવામાં આવેલ છે.

સદરહું અરજીમાં જાલાભાઇ નવઘણભાઇ સરવૈયા તથા જયેશભાઇ રમણીકલાલ પરમાર બન્ને અરજદારો તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી હેમલભાઇ બી. ગોહેલ રોકાયેલ છે.

(4:13 pm IST)