રાજકોટ
News of Tuesday, 22nd May 2018

સૂર્યનારાયણ ઇફેકટ : આજથી એક પણ વીજ સબસ્ટેશન બંધ નહિ કરાય

વાજડી - મોટા મવા સબ સ્ટેશનનો પણ 'આઉટેજ' ન લેવા આદેશો : હાલ પૂરતો વીજકાપ - થંભાવી દેવાયો :ચીફ ઇજનેર આપેલી સૂચના : જરૂર પડયે ત્યાં સવારે ૮.૩૦ સુધી જ કાપ રાખવો : લોકોને તકલીફ ન પડવી જોઇએ :સિવિલ હોસ્પિટલમાં મંજૂરી સાથે લાઇટો બંધ કરાયેલ : જનરેટર ન ચાલે તેમાં વીજતંત્રનો વાંક નથી આમ છતાં કામ અધુરૂ મૂકી માત્ર ૨૫ મીનીટમાં લાઇટો ચાલૂ કરી દેવાયેલ

રાજકોટ તા. ૨૨ : રાજકોટમાં તાપમાનનો પારો ૪૫ ડીગ્રીએ પહોંચી ગયો છે, અને તેમાં રાજકોટના વીજ તંત્રે આજથી તા. ૩૦ સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ ઝીંકવાની જાહેરાત કરતા દેકારો બોલી ગયો હતો, ગઇકાલે સાધુ વાસવાણી રોડ ત્રાહીમામ પોકારી ઉઠયો હતો, શહેર આખામાં દેકારો બોલી જતા વીજતંત્રે કાપ માંડી વાળ્યો છે.

આજે સવારે સત્તાવાર સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, ગરમીની પ્રચંડ ઇફેકટ સંદર્ભે આજથી એક પણ વીજ સબ સ્ટેશન બંધ નહી કરવા ચીફ ઇજનેરે આદેશો કર્યા છે. એટલું જ નહી વાજડી - મોટામવા સબસ્ટેશનનો પણ આઉટેજ ન લેવા આદેશો થયા છે, હાલ પૂરતો વીજકાપ થંભાવી દેવાયાનું અને લોકોને કોઇ તકલીફ ન પડે તે જોવા તાકીદ કરાયાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.

એવી પણ સૂચના અપાઇ છે કે જરૂર પડયે અને ફરજીયાત પાવર બંધ કરવો પડે હોય તે વિસ્તાર કે ફીડરમા સવારે ૮ાા સુધી જ વીજકાપ રાખવો - લાઇટો બંધ કરવી અને ૮ાા વાગ્યા સુધીમાં કામ પુરૂ કરી તુર્ત જ લાઇટો ચાલુ કરી દેવી.

સીવીલ હોસ્પિટલમાં લાઇટો ગૂલ થઇ દેકારો થયો તે અંગે હાઇલેવલ અધિકારીઓએ 'અકિલા'ને ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલ - પીડબલ્યુડીના સત્તાવાળાઓની મંજૂરી સાથે લાઇટો બંધ કરાઇ હતી, સિવિલ હોસ્પિટલ પાસે બે મોટા જનરેટર છે, એક ચાલુ કર્યું, એટલે વીજકાપ શરૂ કરાયો, પરંતુ આ જનરેટર ૧૫ મીનીટમાં બંધ થઇ ગયું, બીજું ચાલુ જ ન થયું, આમ, જનરેટર ચાલુ ન થાય તેમાં વીજતંત્રનો કોઇ વાંક નથી, આમ છતાં ૨૫ મીનીટમાં લાઇટો ચાલુ કરી કામ અધૂરૂ મૂકી દેવાયું હતું.

(3:14 pm IST)