રાજકોટ
News of Tuesday, 22nd May 2018

રૂ.૨૦ હજાર સામે પાંચ લાખ વ્યાજ માંગ્યું, અઢી લાખ બળજબરીથી પડાવ્યાઃ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ

વ્યાજખોરો વિરૂધ્ધના બે લોક દરબારમાં ૨૫ અરજદારો જ આવ્યાઃ અગાઉ થયેલી કડક કાર્યવાહીને કારણે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યાનું તારણ : મિલન કતીરાની ફરિયાદ પરથી રવિરાજસિંહ જાડેજા, ખુમાનસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા અને રૂષીરાજસિંહ જાડેજા સામે મનીલેન્ડ એકટનો ગુનો : રવિરાજસિંહે ૨૦ હજાર આપ્યા તેની સામે કોરો ચેક લીધોઃ એ ચેકને આધારે તેણે મહિપાલસિંહ પાસેથી પાંચ લાખ લીધાનું તૂત ઉભંુ કરી સતત ધમકીઓઃ તેના પિતા પાસેથી પૈસા પડાવી લેવાયાનો આરોપ

વ્યાજખોરો સામે ભોગ બનેલા લોકો નિર્ભિકપણે રજૂઆત-ફરિયાદ કરી શકે તે માટે યોજાયેલા બે લોક દરબારમાં ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, ડો. બલરામ મીણા તથા તમામ પોલીસ મથકના પી.આઇ., પીએસઆઇ અને સ્ટાફે હાજર રહી અરજદારોને સાંભળ્યા હતાં તે તસ્વીરોમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૨: શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી દિપકકુમાર એસ. ભટ્ટએ શહેરમાંથી વ્યાજખોરીનું દુષણ સદંતર નાબુદ કરવા શરૂ કરેલી ઝૂંબેશ અંતર્ગત ગઇકાલે ફરીથી બે સ્થળે લોક દરબાર યોજાયા હતાં. જો કે અગાઉ વ્યાજખોરો સામે થયેલી કડક કાર્યવાહીને કારણે હવે આ દુષણ ઓછુ થઇ ગયું હોય તેમ બંને લોક દરબારમાં પચ્ચીસ-ત્રીસ અરજદારો જ આવ્યા હતાં. તે પૈકી એક યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. વ્યાજે લીધેલા ૨૦ હજારના બદલામાં આ યુવાન પાસેથી બળજબરીથી ૫ લાખનું લખાણ કરાવી લઇ માર મારી તેના પિતાને ધમકી આપી અઢી લાખ બળજબરીથી પડાવી લેવાયા હતાં.

યુનિવર્સિટી પોલીસે ભકિતનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં યુગધર્મ એ-૧૪ ખાતે રહેતાં અને રજપૂતપરામાં કાકા જયેશભાઇ કતીરાની પેઢીમાં નોકરી કરતાં મિલન મનોજભાઇ કતીરા (ઉ.૨૫)ની ફરિયાદ પરથી પુષ્કરધામ રોડ ઘનશ્યામનગર (વેસ્ટ) શેરી નં. ૩ના ખુણે ઉમિયાજી પાન પાસેની ઓફિસમાં બેસતાં રવિરાજસિંહ જાડેજા, ખુમાનસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા તથા રૂષીરાજસિંહ જાડેજા સામે આઇપીસી ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૧૨૦ (બી), મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મિલને જણાવ્યા મુજબ મારે ફેબ્રુઆરી-૧૭માં પૈસાની જરૂર પડતાં મિત્ર નંદા પરમાર મારફત રવિરાજસિંહ સાથે મુલાકાત થઇ હતી. મેં તેની પાસેથી ૨૦ હજાર માંગતા તેણે કાલાવડ રોડ ખેતલા આપા ટી પોસ્ટ પાસે બોલાવી આ રકમ આપી હતી અને તેમાંથી વ્યાજના ૨૦૦૦ કાપી લીધા હતાં. આ રકમની અવેજીમાં મેં તેને કોચો ચેક આપ્યો હતો. બે મહિના પછી મેં રવિરાજસિંહને ૨૦ હજાર પાછા આપી દીધા હતાં. જો કે તેણે મને મારો કોરો ચેક પાછો આપ્યો નહોતો.

આજથી પાંચેક માસ પહેલા ૨૧/૧૨ના રોજ મારા ફેસબૂક મેસેન્જર પર ખુમાનસિંહ જાડેજાએ મેસેજ કરી એક નંબર મોકલી વાત કરવાનું કહેતાં મેં ફોન કરતાં તેણે કહેલ કે તે જે ચેક રવિરાજસિંહને આપ્યો હતો તેના પર રવિરાજસિંહ મારી પાસેથી ૫ લાખ વ્યાજે લઇ ગયેલ છે. આ રકમ વ્યાજ સહિત તારે પરત આપવાની છે. મારી ઓફિસ પુષ્કરધામ રોડ પર શિવમ્ નામથી છે, તું ત્યાં આવીને આ રકમ આપી જજે. તેમ કહેતાં હું એ દિવસે જ બપોરે બે વાગ્યે ખુમાનસિંહની ઓફિસે ગયો હતો અને સ્પષ્ટતા કરી હતી કે મેં તો ચેક ઉપર માત્ર ૨૦ હજાર લીધા હતાં, પાંચ લાખ લીધા જ નથી.

મારો ચેક કેન્સલ કરાવી નાંખ્યો હોવા છતાં રવિરાજસિંહ અને ખુમાનસિ઼હે કાવત્રુ રચી મોટી રકમ પડાવવાના ઇરાદે ચેકનું બહાનુ કાઢ્યાનું જણાયું હતું. એ વખતે ઓફિસમાં બીજા એક ભાઇ હતાં તેણે પોતે મહિપાલસિંહ ચુડાસમા હોવાનું કહી પૈસા પોતાના છે આપવા જ પડશે તેમ કહી ખુમાનસિંહ સાથે મળી ગાળો દઇ લાફા માર્યા હતાં. ત્યાં બીજા એક શખ્સે પોતે ખુમાનસિંહનો ભાઇ ઋષિરાજસિંહ છે તેમ જણાવી મને વિરાણી ચોક એસબીઆઇ પાસે સરદાર શરાફી મંડળીની ઓફિસે આવવાનું કહ્યું હતું.

આથી હું એ ઓફિસે ગયો હતો. ત્યાં મહિપાલસિંહ ચુડાસમા પણ આવ્યા હતાં અને મારી પાસેથી બળજબરીથી પાંચ લાખ લેવાના થાય છે તેવું લખાણ લખાવી લીધુ હતું. આ પછી આ લોકો સતત ઉઘરાણી કરી મારા પિતાજીને મારી નાંખશે તેવી ધમકી આપતાં હોઇ મેં અંતે મારા પિતાજીને વાત કરી હતી. તેઓ સમજાવવા જતાં બધાએ મળી મારા પિતાજી પાસેથી પણ બળજબરીથી અઢી લાખ પડાવી લીધા હતાં. તેમજ નોટરીવાળુ લખાણ પરત આપી દીધુ હતું. બધાએ કાવત્રુ રચી માત્ર ૨૦ હજારની સામે પાંચ લાખ માંગી અઢી લાખ પડાવી લઇ સતત ધમકીઓ આપી હોઇ અંતે ફરિયાદ કરવા મજબૂર થવું પડ્યું હતું. તેમ વિશેષમાં મિલન કતીરાએ જણાવતાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. કડછા, શૈલેષપરી સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લોક દરબારની માહિતી

ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે પશ્ચિમ વિભાગનો લોક દરબાર અલ્કા સોસાયટીના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જેમાં માલવીયાનગર, તાલુકા પોલીસ, ગાંધીગ્રામ પોલીસ, યુનિવર્સિટી પોલીસ અને પ્ર.નગર પોલીસ મથક વિસ્તારના ૧૦ અરજદારો આવ્યા હતાં. તેની અરજી-રજૂઆત સાંભળવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી માટે સુચના અપાઇ હતી. અધિક નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા તથા પી.આઇ. અને પીએસઆઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે એસીપી પૂર્વ બી. બી. રાઠોડ તથા ભકિતનગર, એ-ડિવીઝન, કુવાડવા રોડ પોલીસ મથક, બી-ડિવીઝન, આજીડેમ અને થોરાળા પોલીસ મથક હેઠળના અરજદારોનો લોક દરબાર હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. જેમાં પંદર-વીસ અરજદારો હાજ રહ્યા હતાં. તમામની રજૂઆતને સાંભળી યોગ્ય કાર્યવાહીની સુચના અપાઇ હતી. એક અરજી સંદર્ભે ગુનો દાખલ થઇ ગયો છે. તમામ અરજદારોને પોલીસની કાર્યવાહીથી સંતોષ થયો છે.

(12:52 pm IST)