રાજકોટ
News of Tuesday, 22nd May 2018

હજારો દિવડાથી પૂ.મહંત સ્વામીના આગમનના વધામણા

રાજકોટના બીએપીએસ મંદિરે ધાર્મિક મહોત્સવનો પ્રારંભ : પૂ.પ્રમુખસ્વામી મહારાજને પુષ્પોની ચાદર અર્પણ : ૧૪મી સુધી દરરોજ પૂજાદર્શન - પ્રેરક પ્રવચન

રાજકોટ, તા. ૨૨ : વિશ્વવંદનીય સંત પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ અને રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના દ્વિદશાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત પૂ.મહંત સ્વામીએ રાજકોટ પધરામણી કરતા હરિભકતોએ હજારો દીવડાની સમૂહ આરતી કરીને તેમજ ઘરેથી લાવેલ વિવિધ મિષ્ટાનો અને વાનગીઓ અર્પણ કરી ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.

તા.૨૨ થી ૨૪ સુધી આયોજીત ધાર્મિક - સાંસ્કૃતિક મહોત્સવને લઈને અનેરો ઉમંગ છવાયો છે. મંદિર પરિસરને પરંપરાગત ચાકળા, કંતાન, ફાનસ, જૂના પિતળના વાસણો ખાટલાઓથી સુશોભિત કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે આકાશમાં રંગબેરંગી આતશબાજી સાથે જય સ્વામીનારાયણનો જગઘોષ બોલાવાયો હતો.

પ્રમુખ વરણી દિનની સ્મૃતિ નિમિતે પૂ.મહંત સ્વામી મહારાજે પૂ. પ્રમુખસ્વામી મહારાજનું પૂજન કરી પુષ્પોની ચાદર અર્પણ કરી હતી. પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ પૂ. મહંત સ્વામી મહારાજને ચંદનની અર્ચા કરેલ તેમજ બ્રહ્મતીર્થ સ્વામીએ પુષ્પના હારથી અને અપૂર્વમુનિ સ્વામી, અક્ષરયોગી સ્વામી, નિર્દોષ મૂર્તિ સ્વામીએ ચાદર અને અક્ષરયોગી સ્વામીએ પ્રસાદ અર્પણ કર્યા હતા.

અહિં ઉલ્લેખનીય છે કે તા.૨૨થી પ્રારંભ થઈ તા.૩ સુધી એમ ૧૪ દિવસ સુધી આ ધાર્મિક સાંસ્કૃતિક મહોત્સવ ચાલશે. દરરોજ સવારે ૫ થી ૭:૩૦ સુધી સ્વામીના પૂજા - દર્શનનો લ્હાવો હરિભકતોને મળશે. સાંજની સભામાં ૫:૩૦ થી ૭ વકતા પૂ.આત્મસ્વરૂપ સ્વામી દ્વારા શાશ્વત સત્પુરૂષ પારાયણ યોજાશે. સાંજે ૭ થી ૮ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે.

દરમિયાન તા.૨૭મીના રેસકોર્ષ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. સંતોના પ્રેરક - પ્રવચન - સંવાદ - નૃત્ય અને વિડીયો શો માણવા મળશે.

૧૪ દિવસીય ધર્મોત્સવનો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા બીએપીએસ મંદિર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(4:02 pm IST)