રાજકોટ
News of Thursday, 22nd April 2021

બે દિવસમાં ૧૦ કોરોના દર્દીઓને પ્લાઝમાની વ્યવસ્થા કરી આપતી રાજકોટ શહેર પોલીસ

પ્લાઝમા ડોનેટ કરનારા પીએસઆઇ, એએસઆઇ અને ડ્રાઇવરનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રશંસાપત્રથી સન્માન કર્યુઃ લોકોને કોરોના વેકસીન મુકાવી લેવા અનુરોધ : શહેર પોલીસના ૩૧૦ અધિકારીઓ, કર્મચારીઓ અત્યાર સુધીમાં સંક્રમિત થયા છેઃ તેમાંથી બેનું અવસાન થયું છેઃ બધાએ વેકસીન મુકાવી લીધી હોઇ સંક્રમિત થવા છતાં ઝડપથી સાજા થઇ ફરજ પર આવે છે : પ્લાઝમાની જરૂર હોય તો પોલીસના મોબાઇલ ફોન નં. ૮૯૮૦૦ ૪૧૪૧૧ ઉપર સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: શહેરમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને રોજબરોજ ટપોટપ મૃત્યુ થવા સાથે પોઝિટિવ કેસ પણ વધી રહ્યા છે ત્યારે શહેર પોલીસ લોકોને સંક્રમણથી બચાવવા અને જાગૃતી લાવવા સતત મહેનત કરી રહી છે. સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરાવતી પોલીસ માનવતાનું કામ પણ કરી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમાની જરૂરીયાત ઉભી થતી હોઇ શહેર પોલીસ પ્લાઝમા દાન કરી માનવતાનો ધર્મ પણ નિભાવી રહી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ બે દિવસમાં જ શેહર પોલીસે ૯ દર્દીઓને પ્લાઝમાની વ્યવસ્થા કરી આપી છે.

શહેરના કોઇપણ લોકોને પ્લાઝમાની જરૂર હોય તો પોલીસના મોબાઇલ ફોન નં. ૮૯૮૦૦ ૪૧૪૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. તે અંતર્ગત બે દિવસમાં ૯ દર્દીઓના સગાએ સંપર્ક કરતાં પોલીસે પ્લાઝમા ડોનેટ કર્યુ છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ વી. એમ. ડોડીયા, એ-ડિવીઝનના એએસઆઇ ડી. બી. ખેર, શહેર એમ.ટી. વિભાગના આઉટ સોર્સના ડ્રાઇવર રાજેશભાઇ જી. ગોરડે પ્લાઝમા ડોનેટ કર્યુ છે.

આ ઉપરાંત છ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્લાઝમાની વ્યવસ્થા કરી આપવામં આવી છે. જે કોરોના પોઝિટિવ વ્યકિત કોરોનાને હરાવી નેગેટિવ થયા હોઇ તેઓ ૨૮ દિવસ પછી પોતાના પ્લાઝમાનું દાન કરી નવા સંક્રમિત લોકોને પ્લાઝમા ડોનેટ કરી શકે છે. શહેર પોીસના પીએસઆઇ, એએસઆઇ અને ડ્રાઇવરનું પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે પ્રશંસાપત્ર આપી સન્માન કર્યુ છે.

શહેર પોલીસના કુલ ૩૧૦ અધિકારીઓ, કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે. જેમાં બે પોલીસ કર્મચારીના અવસાન પણ થયા છે. શહેર પોલીસના તમામ કર્મચારીઓએ કોરોનાની રસી લઇ લીધી છે. આ રસીને કારણે તેઓ સુરક્ષીત છે અને સંક્રમિત થયા પછી પણ ઝડપથી સાજા થઇ ફરી ફરજ પર આવ્યા છે. જાહેર જનતાને કોરોનાની રસી લઇ લેવા પણ શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.

(4:07 pm IST)