રાજકોટ
News of Thursday, 22nd April 2021

આજથી રાજકોટને ૧૦૦ ટન ઓકિસજન મળશે

રૂપાણી સરકારના સમયસરના નિર્ણયથી રાજકોટના અનેક દર્દીઓના જીવ બચી ગયા

રાજકોટ તા. ૨૨: કોરોના મહામારીના સમયમાં રાજ્યની સંવેદનશીલ એવી રૂપાણી સરકાર રાઉન્ડ ધ કલોક કામગીરી બજાવી રહી છે અને કોરોનાને કાબુમાં લેવા તેની પૂરેપૂરી તાકાત લગાડી રહી છે. મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં ઓકિસજનની અછત જણાતા તેમણે ત્વરીત નિર્ણય લઇ આજથી જ રાજકોટની વિવિધ હોસ્પિટલોને ૧૦૦ ટન જેટલો ઓકિસજન મળે તેવી વ્યવસ્થા કરતા ઓકિસજનની અછતથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અનેક દર્દીઓ માટે રાહત ઉભી થઇ છે. તેમના આ ત્વરીત નિર્ણયના પરિણામે અનેક દર્દીઓના જીવ બચી ગયા છે.

રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલોમાં આજે ૪ વાગ્યા સુધી જ ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત મુખ્યમંત્રીના કાન સુધી પહોંચતા તેમણે સ્થિતિની ગંભીરતા લઇ રાજકોટ માટે તાત્કાલીક ધોરણે ૧૦૦ ટન ઓકિસજનની વ્યવસ્થા કરી આપી છે. આજથી જ રાજકોટની હોસ્પિટલોને ૧૦૦ ટન ઓકિસજન મળતો થશે. અત્રે એ નોંધનીય છે કે, અત્યાર સુધી રાજકોટને ૬૦ ટન જેટલો ઓકિસજનનો પૂરવઠો મળતો હતો. દર્દીઓની સંખ્યા વધતા તેની વધુ જરૂરિયાત ઉભી થઇ હતી. અત્રે એ નોંધનીય છે કે, વિવિધ હોસ્પિટલોએ ઓકિસજન ખુટવા લાગતા તેનો પૂરવઠો વધારવાની માંગણી કરી હતી. રાજકોટની ૩ જેટલી ખાનગી હોસ્પિટલો પાસે બપોરે ૪ વાગ્યા સુધી જ ચાલે તેવો ઓકિસજનનો પૂરવઠો ઉપલબ્ધ હતો. હવે તેઓને વધુ પૂરવઠો મળતા દર્દીઓ અને હોસ્પિટલ તંત્રને રાહત થઇ છે. જો સમયસર ઓકિસજનનો પૂરવઠો ન મળત તો શું પરિસ્થિતિ ઉભી થાત તે માત્ર વિચારથી જ ધ્રુજારી ઉભી થઇ જાય છે. કોરોનાને કાબુમાં લેવા માટે સતત દોડતી રૂપાણી સરકારે રાજકોટ માટે વધુ પૂરવઠો આપવાનો નિર્ણય લેતા સૌને હાશકારો થયો છે.

(3:17 pm IST)