રાજકોટ
News of Thursday, 22nd April 2021

વોર્ડમાં એક દર્દી મૃત્યુ પામતા તેની જાણ સફાઇ કામદાર હિતેષે કરતાં એટેન્ડન્સ જગદીશ નવા દર્દીને લાવ્યો'તો

૯૦૦૦ રૂપિયા લઇ સિવિલ કોવિડમાં ફટાફટ દર્દીને દાખલ કરી દેનારા બંને ઝડપાયાઃ બંને જામનગરના રહેવાસીઃ સિવિલના હંગામી કર્મચારીઓ : એક જ દર્દીને દાખલ કર્યાની અને બીજા કોઇની સંડોવણી નહિ હોવાનું કબુલ્યું: ટ્રોમા સેન્ટરમાં ફાઇલ તૈયાર કરી ત્યાંથી દર્દીને કોવિડમાં લઇ જવાયેલઃ જેથી અંદરના સ્ટાફને શંકા ઉપજી નહોતીઃ જગદીશ અગાઉ દોઢ વર્ષ નોકરી કરી ચુકયો હતોઃ છુટો થયા પછી હાલ એક માસથી ફરી કામે રહ્યો'તો : એકનું મોત થાય તો બીજા દર્દીને બેડ મળે, આ પરિસ્થિતિને બંને લેભાગૂએ કમાઇ લેવાની તક સમજી, પણ ખોટુ કામ લાંબુ ચાલ્યું નહિ : ક્રાઇમ બ્રાંચ અને પ્ર.નગરની ટીમે બંનેને દબોચ્યાઃ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૧૫ હજારનું ઇનામ આપ્યું

રાજકોટ તા. ૨૨: કોરોનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે ઘણા દિવસોથી દર્દીઓના સગા સંબંધીઓ ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં લાંબી લાંબી કતારોમાં ઉભા રહી કલાકો સુધી વારાની રાહ જોવ છે ત્યારે બે શખ્સોએ પોતે ૯૦૦૦ રૂપિયામાં માત્ર અડધા કલાકમાં દર્દીને એન્ટ્રી અપાવી બેડ અપાવી દેતાં હોવાનો  દાવો કરી વેપલો શરૂ કર્યો હતો. ગઇકાલે વાયરલ થયેલા લેભાગૂ શખ્સ અને દર્દીના સગા વચ્ચેની વાતચીતના વિડીયોમાં રોકડા પૈસા લઇ દર્દીને દાખલ કરાવી દેતાં નજરે પડ્યા હતાં. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તપાસના આદેશો આપતાં ક્રાઇમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસની ટીમે બે શખ્સોને જામનગરથી દબોચી લીધા છે. આ બંને સિવિલમાં એટેન્ડન્સ અને સફાઇ કામદાર તરીકે કામે રહ્યાનું અને રોકડી કરવા માટે આવુ કર્યાનું સામે આવ્યું છે. હાલના તબક્કે અંદરના બીજા કોઇ સામેલ હોવાનું બહાર આવ્યું નથી. વોર્ડમાં કોઇ દર્દી મૃત્યુ પામે તો તેની જાણ સફાઇ કામદાર બહાર રહેલા એટેન્ડન્સને કરતો અને એટેન્ડન્સ નવા દર્દીને લાવતો હોઇ તેના કારણે બંને માટે કોઇપણ નવા દર્દીને ઝડપથી દાખલ કરી દેવાનું સરળ હતું.

વાયરલ થયેલા વિડીયોને આધારે તપાસ શરૂ થતાં વિડીયોમાં વાતચીત કરતો શખ્સ જગદીશ હોવાનું અને તે જામનગર તરફ ભાગી ગયાનું તથા તેની સાથે હિતેષ નામનો શખ્સ પણ સામેલ હોવાનું ખુલતાં પોલીસ ટૂકડી ત્યાં પહોંચી હતી અને બંને શખ્સો જગદીશ ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૦-રહે. આમરા તા. જી જામનગર, હાલ હર્ષદ મીલની ચાલી, મહાવીરનગર-૬ જામનગર) તથા હિતેષ ગોવિંદભાઇ મહિડા (ઉ.વ.૧૮-રહે. લલીયા તથીયા તા. ખંભાળીયા, રહે. હાલ હર્ષદ મીલની ચાલી, નિલકંઠનગર-૩ જામનગર)ને રાઉન્ડઅપ કરી સકંજામાં લીધા બંને સામે ગુનો નોંધવાની કાર્યવાહી પ્ર.નગર પોલીસ મથકમાં કરવામાં આવી છે.

પોલીસે બંનેને પુછતાછ કરતાં એવી વિગતો સામે આવી હતી કે જગદીશ અગાઉ સિવિલ હોસ્પિટલ કોવિડ વોર્ડમાં એટેન્ડન્સ તરીકે દોઢ વર્ષ સુધી નોકરી કરી ચુકયો હતો. એ પછી તે છુટો થયો હતો અને ફરીથી હાલમાં કોરોના વધતાં એકાદ મહિનાથી નોકરી પર લાગ્યો હતો. અહિ તેની ઓળખાણ સફાઇ કામદાર હિતેષ મહિડા સાથે થઇ હતી.

હિતેષ જે વોર્ડમાં સફાઇ કામદાર હોય ત્યાં કોઇ દર્દીનું અવસાન થાય તો તેને તરત જ જાણ થઇ જતી હતી. આથી તે જગદીશને વાત કરતો હતો. આ રીતે બેડ ખાલી થવાની જાણ થતી હોઇ નવા દર્દીની એન્ટ્રી થઇ શકશે તેની બંનેને ખબર પડી જતી હોઇ આ પરિસ્થિતિને પૈસા કમાવવાની તક સમજી લઇ બંનેએ બહાર વેઇટીંગમાં રહેલા દર્દી ઉજમબેન રાયકુંડલીયા (ઉ.વ.૮૫)ને ઝડપથી દાખલ કરાવી બેડ અપાવી દેવાનું કહી રૂ. ૯૦૦૦ મેળવ્યા હતાં. ત્યારબાદ હિતેષ જે કોવિડ વોર્ડમાં હતો ત્યાં એક દર્દીનું મૃત્યુ થતાં જ હિતેષે જગદીશને ફોનથી જાણ કરી હતી અને દર્દીના નામની ફાઇલ કઢાવી લીધી હતી. એ પછી જગદીશ દર્દી ઉજમબેનને સ્ટ્રેચર પર સુવડાવી હિતેષે આપેલી ફાઇલ સાથે રાખી ટ્રોમા વોર્ડથી કોવ્ડિ વોર્ડમાં લઇ ગયેલ. જે વોર્ડમાં દર્દીનું અવસાન થયું હોઇ તેનો બેડ ખાલી હોઇ તેમાં ઉજમબેનને સુવડાવી દીધા હતાં.

આ નવા આવેલા દર્દી સારવારમાં દાખલ જ હોય એ રીતનું વર્તન જગદીશ અને હિતેષ કરતાં હતાં જેથી કોઇને શંકા ઉપજતી નહિ. પોતાની સાથે અન્ય કોઇ પણ લોકો આમાં સંકળાયા નહિ હોવાનું જગદીશ અને હિતેષે કબુલ્યું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. શકિતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર, વિજયસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ સહિતે બંનેને સકંજામાં લીધા હતાં.

પકડાયેલામાં જગદીશ સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્સ તરીકે નોકરી પર દસમીએ રહ્યો હતો. જ્યારે હિતેષ પણ તેની સાથે સફાઇ કામદાર તરીકે ટેમ્પરરી નોકરીમાં રહ્યો છે. આઉટ સોર્સિંગ મારફત બંનેને નોકરીએ રખાયા હતાં. સિવિલમાં દર્દીઓના એડમિશનમાં કતારો જામતી હોઇ તેનો ગેરલાભ લઇ બંનેએ પૈસા કમાઇ લેવા આવુ કર્યાનું હાલ બહાર આવ્યું છે. અંદરના કોઇ સ્ટાફની સંડોવણી હાલ ખુલી નથી. બંનેએ એક જ દર્દી દાખલ કરાવ્યાનું પણ કબુલ્યું છે.

(4:09 pm IST)