રાજકોટ
News of Monday, 22nd April 2019

માધાપરના આંબેડકરનગરના મહેશ પરમારને પસ્તોલ સાથે પકડી લેવાયો

વણકર શખ્સને એકટીવા પર શિતલ પાર્ક રોડ પરના ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર પાસેથી ક્રાઇમ બ્રાંચે સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૨: શહેરના ગાંધીગ્રામના શિતલપાર્કથી એરપોર્ટ રોડ પર ઉગતા પોરના મેલડી માતાજીના મંદિર પાસેથી જામનગર રોડ માધાપરના આંબેડકરનગર-૧માં રહેતાં વણકર શખ્સ મહેશ વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.૨૪)ને ક્રાઇમ બ્રાંચે રૂ. ૧૦ હજારની પિસ્તોલ સાથે પકડી લીધો છે.

લોકસભાની ચૂંટણી અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં તથા પીઆઇ એચ. એમ. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ એસ. વી. પટેલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અમીનભાઇ ભલુર, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, હિરેન્દ્રસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અમીન ભલુર, પ્રદ્યુમનસિંહ અને હિરેન્દ્રસિંહની બાતમી પરથી વોચ રાખી શિતલપાર્ક રોડ પર મેલડી માતાજીના મંદિર પાસેથી મહેશ એકટીવામાં નીકળતાં અટકાવીને તલાશી લેતાં પિસ્તોલ મળતાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હાલમાં મહેશ અતુલ રિક્ષાના ફેરા કરે છે. અગાઉ ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે યુપી ગયો હોઇ ત્યાંથી શોખ માટે આ હથીયાર લાવ્યો હતો. જો કે તેની આ કેફીયત ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ શખ્સ અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પણ સંડોવાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. વધુ તપાસ હિતુભા ઝાલા ચલાવે છે.

(3:46 pm IST)