રાજકોટ
News of Monday, 22nd April 2019

ખેડા જીલ્લાના ખેડૂતોના ટમેટા તો અમે જ ખરીદશું...યાર્ડમાં બકાલી બંધુ પર હુમલો

વ્હોરા સોસાયટીના જીતુ રાઠોડ અને અનિલ રાઠોડ પર ચંદુ દેવીપૂજક સહિતના તૂટી પડ્યાઃ ખેડૂતોને પણ સતત ધમકી આપતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: માર્કેટ યાર્ડમાં બકાલાનો ધંધો કરતાં જામનગર રોડ પર વ્હોરા સોસાયટીમાં રહેતાં બે દેવીપૂજક ભાઇઓ જીતેન્દ્ર ભનુભાઇ રાઠોડ (ઉ.૩૨) તથા તેના ભાઇ અનિલ ભનુભાઇ રાઠોડ (ઉ.૨૧) પર યાર્ડમાં જ બકાલાની લે-વેંચ કરતાં ચંદુ મુળજીભાઇ દેવીપૂજક સહિતના શખ્સોએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાતાં જીતેન્દ્રને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. જીતેન્દ્ર રાઠોડના કહેવા મુજબ પોતે વર્ષોથી યાર્ડમાં બકાલાનો અને ખાસ કરીને ટમેટાનો ધંધો કરે છે. સામે ચંદુ મુળજી સહિતના પણ ટમેટાનો વેપાર કરે છે. અમારા ખેડૂતો જે ખેડા જીલ્લામાંથી ટમેટા લઇને આવે છે તેને ચંદુ મુળજી સહિતનાએ  ધમકાવી ખેડાના ટમેટા અમે જ ખરીદશું અને વેંચશું તેમ કહી ધમકી આપી હતી. આજે સવારે પાંચ વાગ્યે ટમેટાની ખરીદી બાબતે ફરીથી ચંદુ સહિતનાએ માથાકુટ કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(3:44 pm IST)