રાજકોટ
News of Monday, 22nd April 2019

૧૧ વર્ષની સગીરાને ભગાડી જઇને બદકામ કરવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૨૨: ૧૧ વર્ષની સગીરાને ભગાડીને બદકામ કરવાના ગુન્હામાં આરોપી મુન્નો ઉર્ફે કાળુ બટુકભાઇ વાઘેલાને કેસ ચાલી એડી.સેશન્સ જજ શ્રી ડી.ડી.ઠકકરે નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, આજથી ત્રણ વર્ષ અગાઉ રાજકોટનાં પુનીતનગર પાણીનાં ટાંકા પાસે ઝુપડામાં રહેતી ૧૧ વર્ષની સગીરાને ભગાડી લઇ જઇ બદકામ કરવાના ગુન્હામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ જેમાં આરોપી મુન્નો ઉર્ફે કાળુ બટુકભાઇ વાઘેલાએ પોતાના બચાવ માટે સરકાર તરફથી વકીલ રોકવાની માંગણી કરતા રાજકોટના સેશન્સ કોર્ટે રાજકોટનાં ધારાશાસ્ત્રી રાજેશ બી.ચાવડાને આ કેસમાં આરોપીના બચાવમાં લીગલ એઇડમાં વકીલ તરીકે નીમણુંક કરેલ હતી.

ત્યારબાદ આ કેસમાં સાહેદોની જુબાની લેવામાં આવેલ અને સાહેદોની ઉલટ તપાસમાં મહત્વની હકીકતો કોર્ટ સમક્ષ લાવેલ અને દલીલોને ધ્યાને લઇ આરોપી મુન્નો ઉર્ફે કાળુ બટુક વાઘેલાને આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬,૩૭૫,૩૫૪ (એ)(બી)૧૧૪ તથા પોકસો એકટની કલમ ૪,૮,૧૨,૧૭ મુજબના ગુન્હાના કામે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપીને સરકાર તરફથી લીગલ એઇડ એડવોકેટ તરીકે યુવા ધારાશાસ્ત્રી શ્રી રાજેશ બી.ચાવડાની નીમણુક કરવામાં આવેલ હતી અને તેમની સાથે મદદમાં જયોતી શુકલ, કે.બી.ચાવડા, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયના મઢવી, હેમા સોલંકી રોકાયેલા હતા.

(3:44 pm IST)