રાજકોટ
News of Monday, 22nd April 2019

જાગનાથ પરિવાર એસો.ના ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મતદાનની પવિત્ર ફરજ બજાવવા દરેક સભ્યોનો સંકલ્પ : ભાવનાબેન જોષીપુરા, કમલેશભાઈ જોષીપુરાએ લોકશાહીમાં ૧ - ૧ મત કેટલો કિંમતી છે ? તેનુ મહત્વ સમજાવ્યું

રાજકોટ તા. રરઃ રાજકોટમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે તે પૂર્વે દરેક નાગરિક પોતાનો લોકશાહીનો મતદાનનો ધર્મ બજાવે અને મતદાન કરવા નિકળે એ માટે શહેરભરમાં મતદાર જાગૃતી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગઇકાલે સાંજે જાગનાથ પરિવાર એસોસિએશનના ઉપક્રમે પણ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

જાગનાથ પરિવાર એસોસિએશન ૫૦ થી ૭૦ પરિવારોનો સમૂહ છે અને આ સમૂહનો દરેક સભ્ય મતદાન કરવા અવશ્ય જાય તે માટે આ કાર્યક્રમમાં સૌને આગ્રહ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરા અને પુર્વ કુલપતિ કમલેશભાઇ જોષીપુરાએ જાગનાથ પરિવારના સભ્યોને લોકશાહીમાં મતદાનનું શું મહત્વ છે? એક એક મત કેટલો કિંમતી છે તેની છણાવટ કરી હતી અને દરેકને પોતાની પવિત્ર ફરજ અદા કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જાગનાથ પરિવાર એસો.ના સૂત્રધાર સર્વ શ્રી ગૌતમભાઇ પારેખ, હરેશભાઇ ભીંડી, રમેશભાઇ વસા, અશોકભાઇ ગાંધી, રાજુભાઇ ગાંધી, રાજુભાઇ વોરા, પ્રફુલભાઇ સૂચક, મહેશભાઇ રાજાણી વગેરેએ ઉપસ્થિત પરિવારના સૌ સભ્યોને તથા મહેમાનોને આવકાર્યા હતાં.

આ કાર્યક્રમમાં પરિવારની  બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તથા ''પ્રથમ મતદાન પછી કામ''નું સૂત્ર અપનાવી મતદાનનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.

જાગનાથ પરિવાર એસો. વર્ષ દરમ્યાન અનેકવિધ પ્રવૃતિઓ કરતું રહે છે. આસપાસ રહેતા લોકો એકબીજાને ઓળખે, એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર થાય તે માટે રચ્યું છે. વર્ષ દરમ્યાન સમાજ ઉપયોગી કાર્યક્રમો પણ કરવામાં આવે છે. જેમાં જાગનાથ પ્લોટ શેરી નં. ૪,૭,૬,૨,૧નાં રહીશો ભાગ લ્યે છે.

(3:25 pm IST)