રાજકોટ
News of Wednesday, 22nd March 2023

નાના મવા સર્કલ પાસે શેરડીના રસના ચીચોડાવાળા ભૂપત બાંભવા પર રાત્રે હુમલોઃ હાથ ભાંગી ગયો

હાર્દિક સભાડ ટોળુ ભેગુ કરી ચીચોડા પાસે બેસતો હોઇ તેના પિતાજીને આ અંગે ફરિયાદ કરતાં ખાર રાખી ચાર શખ્‍સો સાથે મળી ધોકા-પાઇપથી તૂટી પડયો

રાજકોટ તા. ૨૧: નાના મવા સર્કલ આરકે પ્રાઇમ નજીક માલધારી ચોકમાં શેરડીના રસનો ચીચોડો ચલાવતાં યુવાન પર પાંચ શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કરી હાથ ભાંગી નાંખ્‍યો હતો. હુમલાખોર શખ્‍સ ચીચોડા પાસે ટોળુ ભેગુ કરી બેસતો હોઇ તેના પિતાને આ અંગે ફરિયાદ કરતાં ખાર રાખી હુમલો કર્યો હતો.

 માલવીયાનગર પોલીસે આ બનાવમાં નાના મવા રોડ નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૫ માલધારી ચોક પાસે રહેતાં ભુપતભાઇ લાલાભાઇ બાંભવા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી હાર્દિક હીરાભાઇ ભરવાડ, તેના ત્રણ માસીયાઇ ભાઇઓ અને સાહિલ મળી પાંચ શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. ભુપતભાઇ દોઢસો ફુટ રીંગ રોડ પર ક્રોમા શો રૂમની સામે જય ઠાકર નામે શેરડીના રસનો ચીચોડો ચલાવે છે. તેણે કહ્યું હતું કે મંગળવારે રાતે સાડા અગિયારેક વાગ્‍યે હું તથા મારા ભાગીદાર મહેન્‍દ્રભાઇ ચોૈહાણ અમારા સરના ચિચોડે સાફસફાઇનું કામ કરતાં હતાં ત્‍યારે હાર્દિક સભાડ અને તેના ત્રણ માસીના દિકરા તથા રાજનગર ચોકમાં રહેતો સાહિલ એમ પાંચેય જણા ત્રણ એક્‍ટીવા પર હાથમાં ધોકા-પાઇપ લઇને આવ્‍યા હતાં.

હાર્દિકે મને-તારા બાપાને મારી રાવ કરવા માટે મારા ઘરે કેમ મોકલ્‍યા? કહી ગાળો દઇ મને ધોકાથી બાવડા પર ઘા ફટકાર્યો હતો. એ પછી પાંચેયે સાથે મળી મને ધોકાથી ફટકાર્યો હતો. મારા ભાગીદાર મહેન્‍દ્રભાઇ વચ્‍ચે પડયા છતાં આ લોકો મને ધોકા-પાઇપથી માર મારતાં રહ્યા હતાં અને ગાળો આપતાં રહ્યા હતાં. બાદમાં બધા ભાગી ગયા હતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ રિપોર્ટ થતાં ડાબા હાથમાં ફ્રેકચર થઇ ગયાનું તબિબે જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપ હુદડે જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધ્‍યો હતો.

ભૂપતભાઇના કહેવા મુજબ અમારા રસના ચીચોડા પાસે હાર્દિક દસ બાર છોકરાવ ભેગા કરીને બેસી રહેતો હોઇ આ બાબતે મારા પિતા લાલાભાઇ હાર્દિકના પિતા પાસે ફરિયાદ કરવા ગયા હતાં. આ વાતનો તેણે ખાર રાખી રાતે ચાર શખ્‍સો સાથે આવી ધમાલ મચાવી હતી.

(4:20 pm IST)