રાજકોટ
News of Wednesday, 22nd March 2023

પત્‍નિને ભરણપોષણ ચુકવવા પતિને ફેમેલી કોર્ટનો આદેશ

રાજકોટ તા. રરઃ પત્‍નીને ભરણ પોષણ ચુકવવા પતિને ફેમીલી કોર્ટે આદેશ કર્યો હતો.

રાજકોટનાં ન્‍યુ ગોપાલપાર્ક, ગુરૂપ્રસાદ ચોક, અંકુર વિદ્યાલય પાસે, ‘ખોડીયાર કૃપા', મકાનમાં રહેતાં (એડવોકેટ)ની ઓફિસમાં નોકરી કરતાં સુનિલભાઇ નટવરસિંહ પરમારનાં લગ્ન રાજકોટનાં ચન્‍દ્રેશનગર મેઇન રોડ પર રહેતાં ક્રિષ્‍ના વિક્રમસિંહ સોલંકી સાથે થયેલાં. પતિ પત્‍ની વચ્‍ચે અણબનાવ થતાં પત્‍ની રીસામણે પીયરમાં આવ્‍યા બાદ તા. ૧ર-૦૩-ર૦૧૯નાં રોજ ભરણ પોષણની રકમ મળવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ. પતિને કોર્ટની નોટીસ બજતાં વકિલશ્રીને રોકી પત્‍નીની અરજીનો જવાબ પતિએ રજુ કરેલ. પતિનાં માતા લીલાબેન નટવરસિંહ પરમારને પુત્રવધુ તેનાં પિતા અને બહેને મારકુટ કરતાં ઇજાઓ થવાથી રાજકોટ સરકારી હોસ્‍પીટલમાં સારવાર માટે દાખલ થવું પડેલ. રાજકોટ માલવિયાનગર પોલિસમાં પુત્રવધુ તેનાં પિતા અને બહેન સામે ઇન્‍ડીયન પીનલ કોડની કલમ ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબની ફરીયાદ પતિનાં માતાએ કરેલ તેનો આધાર પતિ તરફે કોર્ટમાં રજુ થયેલ. વકીલની ઓફીસમાં સુનિલભાઇ નટવરસિંહ પરમાર નોકરી કરે છે તેનું પ્રમાણપત્ર કોર્ટમાં રજુ થયેલ. પત્‍ની ઇમીટેશનનું કામ કરી મહિને રૂા. ૭,૦૦૦-૦૦ કમાતાં હોય, પત્‍નીને રાખવા તૈયાર હોય, ત્રાસ દુઃખ આપેલ ન હોય, કાઢી મુકેલ ન હોય પત્‍ની ભરણ પોષણ મેળવવા હકકદાર નથી તેવી રજુઆત પતિ તરફે લેખિત તથા મૌખિક કરેલ હતી.

 પક્ષકારોનો પુરાવો પુરો થયાં બાદ વકિલોની દલીલો કોર્ટે સાંભળી રજુ થયેલ આધાર, પુરાવા ધ્‍યાનમાં લઇ પતિએ ભરણ પોષણનાં માસિક રૂા. ૭,પ૦૦-૦૦ તા. ૧ર-૦૩-ર૦૧૯ થી પત્‍નીને ચુકવવા ફેમીલી કોર્ટનાં પ્રિન્‍સીપાલ જજ શ્રી વી. આર. રાવલે હુકમ કરેલ હોય ચાર વર્ષની લાંબી લડત બાદ પત્‍નીને ન્‍યાય મળેલ છે. હુકમ મુજબ પતિ પાસેથી ચડત ભરણપોષણનાં રૂા. ૩,૬૭,પ૦૦-૦૦ મળશે. બાદ દર મહિને હુકમ મુજબ પતિએ રૂા. ૭,પ૦૦-૦૦ પત્‍ની ચુકવવાનાં છે. ક્રિષ્‍ના વિક્રમસિંહ સોલંકીનાં વકિલ તરીકે જી. એન. ડોડિયા રોકાયેલ હતાં.

(3:10 pm IST)