રાજકોટ
News of Thursday, 22nd March 2018

મવડીમાં કાલથી પંચ દિનાત્મક ભાગવત કથા

દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ શાસ્ત્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી જ્ઞાનવાણી વહાવશે

રાજકોટ તા. ૨૨ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ હરિયાળા ખેડા દ્વારા રાજકોટના મવડી ખાતે કાલથી તા. ૨૭ મી સુધી શ્રીમદ્દ ભાગવત પંચાહ્ન જ્ઞાનયજ્ઞનું દિવ્ય આયોજન થયુ છે.

આ અંગે વિગતો આપતા કથા વકતા શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી અને વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ સમગ્ર કથા આયોજનની વિગતો 'અકિલા' ખાતે વર્ણવી હતી.

શ્યામ પાર્ક, શેરી નં.૩, કોમન પ્લોટ, બાપા સીતારામ ચોક, મવડી ખાતે કાલે તા. ૨૩ ના શુક્રવારથી આ જ્ઞાન યજ્ઞનનો પ્રારંભ થશે. ગરમીના દિવસો ધ્યાને લઇ કથા શ્રવણ માટે રાત્રીનો સમય પસંદ કરાયો છે. દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦  શાસ્ત્રી શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી કથામૃતનું રસપાન કરાવશે.

કથાના યજમાનપદનો લાભ પિયુષભાઇ સોરઠીયા, પરષોતમાઇ સોરઠીયા, ઘનશ્યામભાઇ સોરઠીયા, પિયુષભાઇ સોરઠીયાએ લીધો છે.

શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિક્ષા શતાબ્દિ પર્વે અને ગુરૂકુળ હરિયાળાના સંસ્થાપક પૂ. પુરાણી સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીની પંચમ પુણ્યતિથિ નિમિતે શાસ્ત્રી શ્રી ભકિતજીવનદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ પંચદિનાત્મક ભાગવત જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતી તા. ૨૭ ના મંગળવારે થશે. આ દરમિયાન શ્રીહરિ પ્રાગટય તીથી અને રામનવમી પણ મનાવાશે.

ધર્મપ્રેમીજનોને ભાગવત કથા શ્રવણનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં સ્વામી શ્રીજીપ્રિયદાસજી, સ્વામી વિવેકસ્વરૂપદાસજી અને બાજુમાં પિયુષભાઇ સોરઠીયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:55 pm IST)