રાજકોટ
News of Friday, 22nd January 2021

સિનીયર સિટીઝન પર સુરતથી આવેલા સગા મોટા ભાઇ છરી, ઘણ, તણી સાથે ઘુસીને હુમલો-ધમકી

રૈયા રોડની અંજની સોસાયટીમાં બનાવઃ ગાંધીગ્રામ પોલીસે વસંતરાય ઘોડાસરાની ધરપકડ કરી : ફરિયાદીના સાળા સાથે મોટા ભાઇને કારખાનાની ભાગીદારી બાબતે ચાલતા મનદુઃખમાં ફરિયાદી ભાગ ભજવતા હોવાની શંકા કારણભુત

રાજકોટ તા. ૨૨: રૈયા રોડ નહેરૂનગર અંજની સોસાયટીમાં રહેતાં સિનીયર સિટીઝનના ઘરમાં સુરત રહેતાં તેમના સગા મોટા ભાઇએ છરી, તણી, હથોડા સાથે ઘુસી જઇ 'આજે તો મારી જ નાંખવો છે' કહી છરીથી હુમલો કરી ધમકી આપતાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ બારામાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર નહેરૂનગર-૫ અંજની સોસાયટી બ્લોક નં. ૧૫ 'ગિરીરાજ' ખાતે રહેતાં અને નિવૃત જીવન જીવતા રમેશચંદ્ર વલ્લભદાસ ઘોડાસરા (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી તેના જ ભાઇ સુરત વજેરા સર્કલ કતાર ખાતે રહેતાં વસંતરાય વલ્લભદાસ ઘોડાસરા (ઉ.વ.૬૫) સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

રમેશચંદ્ર ઘોડાસરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું. અમે ત્રણ ભાઇઓ છીએ. મોટા ભાઇ પ્રવિણભાઇ હયાત નથી. નાના ભાઇ વસંતભાઇ સુરત રહે છે. આજે સવારે હું ઘરે મારા ધર્મપત્નિ તથા દિકરી સાથે ઘરો હતો ત્યારે સુરતથી મારા મોટા ભાઇ વસંતભાઇ મારી ઘરે આવ્યા હતાં અને ગાળાગાળી કરવા માંડ્યા હતાં. તેના હાથમાં રહેલા હથીયારથી મારા પર હુમલો કરવા જતાં મારા પત્નિ અને દિકરી વચ્ચે પડતાં બંનેને હાથના આંગળામાં સામાન્ય ઇજા થઇ હતી.

મારા ભાઇએ 'આજે તો તમને જાનથી મારી જ નાંખવા છે' તેવી ધમકી આપી હતી. અમે ઘરનો દરવાજો બંધ કરી દેકારો કરતાં સોસાયટીના માણસો ભેગા થઇ ગયા હતાં. એ પછી ૧૦૦ નંબર ઉપર ફોન કરી પીસીઆર બોલાવતાં મારા ભાઇને પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. તેની પાસે બે નાની છરી અને એક હથોડો તથા તણી જેવા હથીયારો હતાં.

આ બનાવનું કારણ એ છે કે મારા ભાઇ વસંતરાયને અને મારા સાળા બિપીનભાઇને સુરતમાં સાયણ વિસ્તારમાં ટાયર રિમોલ્ડીંગનું કારખાનુ બારેક વર્ષથી ભાગીદારીમાં છે. આ કારખાનુ આઠેક વર્ષથી બંધ છે. જે કારખાનામાં છુટા થવામાં વાંધા ચાલતા હોઇ આ મારા ભાઇને એવી શંકા હતી કે હું સમાધાન થવા દેતો નથી. જેથી તેઓ મારી ઘરે છરી તથા છરી જેવા હથીયારો લઇને મારવા આવ્યા હતાં. જેથી મેં ફરિયાદ કરી છે.

એએસઆઇ એમ. આર. ડાંગર અને મહેશભાઇ કછોટે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

(3:51 pm IST)