રાજકોટ
News of Friday, 22nd January 2021

એરપોર્ટ પોલીસ સ્ટેશનનો ૭૫ના સ્ટાફ સાથે પ્રારંભઃ બે પીઆઇની પણ બદલી

સાયબર ક્રાઇમના એન. એન. ચુડાસમાને કુવાડવા પોલીસ મથકમાં અને કુવાડવાના એમ.સી. વાળાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મુકાયા

રાજકોટ તા. ૨૨: ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનેક લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતાં. જેમાં પોલીસ હેડકવાર્ટર ખાતેની અનેક યોજનાઓ પણ સામેલ છે. હીરાસર ખાતે બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ અંતર્ગત નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન પણ મંજુર થયું હોઇ તેનો પણ હાલના તબક્કે બામણબોર પોલીસ ચોકી ખાતે શુભારંભ થયો છે. તે સાથે શહેરનું આ પંદરમું પોલીસ સ્ટેશન બન્યું છે. નવા પોલીસ સ્ટેશનના શુભારંભ સાથે બે પીઆઇની પણ બદલીઓ થઇ છે.

કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીઆઇ એમ. સી. વાળાને એરપોર્ટ પોલીસ સ્ટેશનનો હવાલો સોંપાયો છે. આ પોલીસ સ્ટેશનમાં પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તથા બીજા કર્મચારીઓ મળી હાલ ૭૫નો સ્ટાફ આપવામાં આવ્યો છે. આજથી જ આ પોલીસ સ્ટેશન કાર્યરત થઇ જશે.

બીજી તરફ કુવાડવાની ખાલી પડેલી જગ્યાએ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતાં અને અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા પીઆઇ એન. એન. ચુડાસમાની નિમણુંક કરવામાં આવતાં તેમણે ચાર્જ સંભાળવા તજવીજ કરી હતી.

એરપોર્ટ પોલીસ સ્ટેશનનો પ્રારંભ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદનું પણ વિભાજન કરાયું છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ ૧૮ ગામડાઓ અને નવા એરપોર્ટનો સમાવેશ થાય છે. જ્યારે કુવાડવા પોલીસ મથક હેઠળ ૩૬ ગામો લાગુ પડશે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ ચોકીઓ પણ શરૂ થઇ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ વિધીસર હુકમ સાંજ સુધીમાં કરશે.

(12:57 pm IST)