રાજકોટ
News of Friday, 22nd January 2021

રાજકોટમાં ધુમ્મસ અને ઝાકળવર્ષાએ જીઈબીને દોડધામ કરાવી અડધો ડઝન ફીડરો ફ્રીઝ : અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ

સંખ્યાબંધ વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરોમાં ધડાકા : જમ્પરો ઉડ્યા : લાઈનો ફીડી હોય ફોલ્ટ થવાનું અપાતુ કારણ

રાજકોટ, તા. ૨૨ : રાજકોટમાં આજે અનેક વિસ્તારોમાં વ્હેલી સવારે ૬ - ૬:૩૦ વાગ્યાથી ગાઢ ધુમ્મસ અને ઝાકળવર્ષા થતા વીજ ટીમોને દોડધામ થઈ પડી હતી.

આજે સવારે ૬:૩૦ થી ૯ વાગ્યા સુધીમાં રાજકોટમાં જુદા જુદા વિસ્તારોના અડધો ડઝન ફીડરોમાં ફોલ્ટ આવતા અનેક વિસ્તારોમાં લાઈટ ગૂલ થઈ ગઈ હતી.

અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાનગર ફીડર, અફસર ફિડર, મોટી ટાંકી ચોક વિસ્તાર, નવા ગામ આણંદપર વિસ્તાર સહિતના કુલ ૬થી ૭ વિસ્તારોમાં ફોલ્ટ થયા હતા. તેમજ ૫ થી ૭ ફીડરોમાં ધડાકા થતા લાઈટો ગુલ થઈ હતી. જીઈબીના સબ ડીવીઝનો અને ફોલ્ટ સેન્ટરો ઉપર લાઈટ જવાના ફરીયાદોના ઢગલા થયા હતા.

આજે સવારે ૧૦ વાગ્યે રાજકોટ જીઈબી તંત્રના એક ઉચ્ચ અધિકારીએ અકિલાને જણાવ્યુ હતું કે સીટીમાં ૫ થી ૬ ફીડર ગયા હતા પરંતુ હવે બધુ રાબેતા મુજબ થઈ ગયુ છે. વિસ્તારોમાં લાઈટ ચાલુ છે.

(11:38 am IST)