રાજકોટ
News of Wednesday, 22nd January 2020

વિરમાયા પ્લોટમાં નિવૃત એએસઆઇ પર જુના મનદુઃખને લીધે રાહુલનો હુમલો

થોડા દિવસ પહેલા રાહુલના માતા લીલાબેન દવેએ પણ બાબુભાઇ સહિતના લોકો વિરૂધ્ધ પણ પોલીસ કમિશનરને અરજી કરી'તી

રાજકોટ તા. ૨૨: ગવલીવાડ પાસે વિરમાયા પ્લોટ-૨માં રહેતાં નિવૃત એએસઆઇ બાબુભાઇ મુળજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૧) સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેણે હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર રાહુલ દવેએ છરીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી ઇજા કર્યાની રાવ કરતાં પ્ર.નગર પોલીસ મથકમાં  રાજુભાઇ ગીડા અને રવિભાઇએ એન્ટ્રી નોંધાવી હતી.

બાબુભાઇના કહેવા મુજબ વિસ્તારમાં ગોરખધંધા થતાં હોઇ પોતે ઘર પાસે સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા છે. આ મામલે અગાઉ તેણે પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી આજે હુમલો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા રાહુલના માતા વિરમાયા પ્લોટ-૨માં રહેતાં લીલાબેન નરેન્દ્રભાઇ દવેએ પણ મહેશભાઇ ચોૈહાણ, બાબુભાઇ ચોૈહાણ, ગોૈરીબેન બાબુભાઇ ચોૈહાણ સહિતના વિરૂધ્ધ અરજી કરી હતી. જેમાં લીલાબેને જણાવ્યું હતું કે હાલમાં તેમના મકાનનું રિનોવેશનનું કામ ચાલુ હોઇ આ કામ બાબુભાઇ કરવા દેતા નથી અને હેરાન કરે છે. ગેરકાયદેસર રીતે જગ્યા પચાવી પાડવાના ઇરાદે હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપ અરજીમાં કરવામં આવ્યો હતો. લીલાબેને જુદા-જુદા ૧૫ મુદ્દા અરજીમાં લખી ત્રાસમાંથી મુકિત અપાવવા માંગણી કરી હતી. ત્યાં આજે બાબુભાઇ પોતાના પર હુમલો થયાની રાવ સાથે દાખલ થયા છે.

(3:53 pm IST)