રાજકોટ
News of Wednesday, 22nd January 2020

વિરાણી હાઇસ્કૂલની જમીન વેચી નહિ શકાય : કલેકટર

સીટી મામલતદાર અને સીટી સર્વે સુપ્રિ.ના રીપોર્ટ બાદ કલેકટર રેમ્યા મોહનનું આકરૂ પગલુ : સાફ વાત કહી દેવાઇ : સરકારે રાહતદરે શૈક્ષણિક જમીન આપેલી છે : શૈક્ષણિક હેતુ 'મરી' જાય છે : ચેરિટી કમિશ્નરને તમામ વિગતો મોકલી દેવાઇ

રાજકોટ તા. ૨૨ : વિરાણી હાઇસ્કુલની જમીનનો અમૂક ભાગ ૫૭૦૦ ચો.મી. જમીન વેચવાની ટ્રસ્ટ દ્વારા ચેરીટી કમિશ્નરમાં મંગાઇ તે સામે જબરો વિરોધ વંટોળ ઉભો થયો છે. વીરાણી હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાજકોટના કાયદેઆઝમ શ્રી પુરૂષોત્તમ પીપળીયા અને અન્ય વિદ્યાર્થીઓએ આ મુદ્દે લડત ચાલુ કરી છે, કલેકટરને પુરાવા સહિતનું આવેદન પાઠવાયું હતું.

આ પછી કલેકટર દ્વારા રાજકોટના પૂર્વ વિસ્તારના સીટી મામલતદાર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી વિરાણી હાઇસ્કુલની જમીન, સરકારે ફાળવેલી કેટલી જમીન, કયો હેતુ, હાલની સ્થિતિ વિગેરે બાબતે વિસ્તૃત રીપોર્ટ મંગાવ્યો હતો, જે રીપોર્ટ આવી જતા, અને તેમાં સરકારનો ફાળવેલ જમીનનો હેતુ સ્પષ્ટ થઇ જતા કલેકટરે ચેરીટી કમિશ્નરને તમામ વિગતો મોકલી સાફ-સાફ વાત કરી દીધી છે.

આ અંગે વિગતો આપતા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા' સાથેની આજે સવારે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વીરાણી હાઇસ્કુલની આ જમીન ટ્રસ્ટ વેચી નહિ શકે. વાંધો નહી ટ્રસ્ટ વેચી નહિ શકે તેમ જણાવી દેવાયું છે.

શ્રી પંડયાએ ઉમેર્યું હતું કે, સરકારે રાહતદરે આ જમીન આપેલી છે, શૈક્ષણિક હેતુ માટે જમીન આપેલી છે, તે હેતુ બર રહેતો નથી આથી આ જમીન વેચી નહિ શકાય, ટુંકમાં કલેકટર તંત્ર આ વિવાદમાં સીધુ પક્ષકાર બની ગયું છે.

વિરાણી જમીન વેચાણ મામલે ચેરિટી કમિશનરે વાંધા દાવા મંગાવ્યા હતા.જેમાં ડો. પરસોતમભાઈ પિપળીયાએ પણ રજૂઆતો કરેલી છે તેની સાથે કલેકટર કચેરી દ્વારા પણ પોતાના વાંધા મોકલાયા છે. કલેકટર કચેરીના સુત્રોેેએ જણાવ્યું હતું કે,૧/૧૯૫૧સનદ વિરાણી હાઈસ્કૂલની જમીન મામલે નોંધાયેલી છે અને આ સનદ પ્રમાણે જમીન શૈક્ષણિક હેતુ માટે વિરાણી ટ્રસ્ટને ફાળવાયેલી છે. જમીનના અદલા-બદલા થયેલા છે પણ શરતો યથાવત રહી છે. જે તે વખતે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈએ શરતો સાથે શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવેલી હતી અને તે વખતે લાદેલી શરતો યથાવત રહી છે. કલેકટર કચેરીના રેકર્ડની ચકાસણીમાં સનદ તેમજ અન્ય આધારો મળી જતા કલેકટર કચેરી દ્વારા જમીન વેચાણ મામલે વાંધો ઉઠાવીને ચેરિટી કમિશનર કચેરીને પત્ર લખ્યો છે. બધા વાંધાઓ આગામી તા.૩૦ના ખોલવામાં આવનાર છે અને ત્યારબાદ સુનાવણીની કાર્યવાહી આગળ ધપવાની છે.

(11:28 am IST)