રાજકોટ
News of Tuesday, 22nd January 2019

જંગલેશ્વરમાં આદિલ શેખે શેરીના ખુણે ગળા-હાથમાં બ્લેડથી કાપા મારી લીધા

લોહીલુહાણ થઇ જતાં લોકોએ ઘરે જાણ કરી હોસ્પિટલમાં પહોંચાડ્યો

રાજકોટ તા. ૨૨: જંગલેશ્વર-૧૭માં રહેતાં આદિલ હારૂનભાઇ શેખ (.૨૦) નામના યુવાને સાંજે સાડા છએક વાગ્યે ઘરેથી ફાકી લેવા જવાનું કહીને નીકળ્યા બાદ શેરીના ખુણે પહોંચી કયાંકથી બ્લેડ શોધી પોતાના ગળા અને ડાબા હાથમાં કાપા મારી લેતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

લોકો ભેગા થઇ જતાં અને મિત્ર સલિમભાઇ આવી જતાં આદિલના ઘરે જાણ કરી હતી અને તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સલિમભાઇના કહેવા મુજબ આદિલ માતા-પિતાનો એક પુત્ર છે અને માનસિક અસ્વસ્થ છે, જેની દવા-સારવાર પણ ચાલુ છે. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. માનસિક બિમારીને કારણે તેણે આમ કર્યુ હતું. ગળા પર આઠ ટાંકા લેવા પડ્યા હતાં. રાત્રે તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

માથાના દુઃખાવાથી કંટાળી લક્ષ્મીબેને એસિડ પીધું

નાનામવા રોડ મેઘમાયાનગરમાં લક્ષ્મીબેન દેવજીભાઇ ભોજાણી (.૨૫) એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. માથાના દુઃખાવાથી કંટાળીને પગલું ભર્યાનું જણાવાયું હતું

મયુર ભુલથી ઝેર પી ગયો!

એરપોર્ટ રોડ ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ પર રહેતો અને હાલ બેકાર યુવાન મયુર મહેશભાઇ જોષી (.૨૫) ઝેર પી જતાં સિવિલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. ભુલથી પી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. (૧૪.)

(4:17 pm IST)