ટ્રેનમાં બેભાનીયુ પીણુ પાઇ કોળી યુવાનના ૧.૨૦ લાખ ચોરી લેવાયા
અમદાવાદ નોકરી કરતાં યુવાનના ૨૨મીએ લગ્ન હોઇ વતન કોડીનાર જતો'તોઃ સુરેન્દ્રનગર પાસે બનાવઃ રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચ્યો ત્યારે થોડી ભાન આવીઃ હોસ્પિટલમાં દાખલ
રાજકોટ તા. ૨૨: ટ્રેનમાં મુસાફરોને ઘેની ચા કે ઠંડાપીણા પીવડાવી રોકડ કે સામાન ચોરી લેવાના કિસ્સા અગાઉ પણ બન્યા છે. વધુ એક બનાવમાં કોડીનારના ચીખલી ગામના વતની અને અમદાવાદ રહી મોલમાં નોકરી કરતાં રાહુલ નાનુભાઇ ચુડાસમા (ઉ.૨૦) નામના કોળી યુવાનને ટ્રેનમાં બેસી અમદાવાદથી સોમનાથ જતી વેળાએ સુરેન્દ્રનગર પાસે બે શખ્સે કોઇ બેભાનીયુ પીણુ પીવડાવી તેની પાસેના થેલામાંથી રૂ. ૧ લાખ ૨૦ હજાર ચોરી લેતાં પોલીસે તપાસ આદરી છે.આ યુવાન સવારે અગિયારેક વાગ્યે ટ્રેન રાજકોટ પહોંચી ત્યારે થોડો ભાનમાં આવતાં નીચે ઉતરી ઉલ્ટીઓ કરતો હોઇ તેને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેણે ત્રુટક અવાજે કહ્યું હતું કે તેના ૨૨મીએ લગ્ન હોવાથી નોકરીમાં રજા મુકી વતન જતો હતો. તેણે લગ્ન માટે ભેગી કરેલી રકમ ૧ લાખ ૨૦ હજાર ગઠીયા ચોરી ગયા છે. રેલ્વે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.