રાજકોટ
News of Tuesday, 22nd January 2019

કુંડલીયા કોલેજ ખાતે થેલેસેમીયા અવેરનેસ

રાજકોટઃ શ્રીમતી જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સમાં દર વર્ષે તમામ વિદ્યાર્થીઓનો થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી થેલેસેમીયા જાગૃતિ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે થેલેસેમીયા મેજર એ અત્યંત પીડાદાયક ઘટના છે. જો આજના આ યુવાનો સગાઇ કે લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ કરાવે તો ભાવિ પેઢીને આ રોગથી બચાવી શકાય. લગ્ન પહેલા કુંડલી ન મેળવીએ તો ચાલશે પણ થેલેસેમીયા ટેસ્ટ જરૂરી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અંકિતભાઇએ જણાવ્યું હતું કે ૨૦૦૪થી રેડક્રોસ સોસાયટી થેલેસેમીયા નાબૂદી કાર્યક્રમ ચલાવે છે. અત્યાર સુધી ૨૦ લાખ યુવાનોના ટેસ્ટ થઇ ચૂકયા છે. ભવિષ્યમાં એક સુંદર સમાજના નિર્માણ માટે આજના યુવાનો એ આ અંગે જાગૃતિ કેળવવી પડશે. દર વર્ષે આ કોલેજના આચાર્ય વ્યકિતગત રસ લઇને દરેક વિદ્યાર્થીઓના થેલેસેમીયા ટેસ્ટ કરાવે છે તે અભિનંદનને પાત્ર છે. સમગ્ર સેમિનારનું આયોજન એનએસએસના કો. ઓર્ડિનેટર ડો. સ્મિતાબેન ઝાલા તથા પી.ટી.આઇ. પ્રા.હરિશ રાબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.હિમાંશુ રાણિંગાએ કર્યું હતું.(

 

(3:50 pm IST)