રાજકોટ
News of Tuesday, 22nd January 2019

પિત્રાઇના લગ્ન પ્રસંગમાં કોર્પોરેટર અનિલ રાઠોડની ધમાલઃ પાંચ ઘાયલ

ભાવનગર રોડ આરએમસી ઓફિસ સામે સિલ્વર નેસ્ટ સોસાયટીમાં બનાવઃ અનિલ રાઠોડના કાકા ગોવાભાઇ (દિલીપભાઇ) રાઠોડના પુત્ર પ્રતિકના લગ્ન પ્રસંગમાં છરી, ધારીયા, તલવાર સાથે આતંકઃ લાંબા સમયથી ચાલતું મનદુઃખ આજે ફરીથી વકર્યુ : વોર્ડ નં. પના ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ, તેના ત્રણ પુત્રો પારસ, રાજ, કરણને પોલીસ મથકે ઉઠાવી જઇ પુછતાછ આદરીઃ અનિલ રાઠોડના પત્નિ લક્ષ્મીબેન અને પુત્રી મીરા પણ પોલીસ કમિશ્નર કચેરીએ ઇજાની ફરિયાદ સાથે પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયાઃ સામ-સામી ફરિયાદની તજવીજ

લગ્નના માંડવે ઢોલ-શરણાઇને બદલે ધબધબાટીઃ ભાવનગર રોડ પર આર.એમ.સી. ઓફિસ સામે સિલ્વર નેસ્ટ સોસાયટી-૧માં રહેતાં ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડે પોતાના પિત્રાઇ અને ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ધમાલ મચાવતાં દેકારો બોલી ગયો હતો. ધમાલમાં બંને પક્ષના સાતને ઇજા થઇ હતી. જ્યાં ધમાલ થઇ તે લગ્ન મંડપ, અનિલ રાઠોડ સહિતને પોલીસ મથકે લઇ જવાયા તે દ્રશ્ય અને બંને પક્ષના ઘાયલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા તે તથા ઘટના સ્થળે પોલીસ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: શહેરના સામા કાંઠાના વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર અનિલ કવાભાઇ રાઠોડે આજે પોતાના ઘર પાસે સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતાં પોતાના કાકા ગોવાભાઇ (દિલીપભાઇ) રાઠોડના દિકરા પ્રતિકના લગ્ન પ્રસંગના જમણવારમાં પોતાના પુત્રો સાથે હથીયારો સાથે પહોંચી જઇ ધમાલ મચાવતાં તેમના ભાભી, ભત્રીજા સહિત પાંચને ઇજા થઇ હતી. સામા પક્ષે અનિલ રાઠોડના પત્નિ અને પુત્રી પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચતા સામ-સામી ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે. ધમાલને પગલે થોરાળા પોલીસ તાકીદે પહોંચી હતી અને અનિલ રાઠોડ તથા તેના પુત્રોને પોલીસ મથકે લઇ જઇ કાર્યવાહી આદરી હતી.

જાણવા મળ્યા મુજબ ભાવનગર રોડ પર આરએમસીની ઓફિસ સામે આવેલી સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં. ૧માં રહેતાં ધનલક્ષ્મીબેન મહેશભાઇ રાઠોડ (ભરવાડ) (.૪૫), તેના પુત્ર પ્રતિક મહેશભાઇ રાઠોડ (.૨૪), દિયર પિન્ટુભાઇ કવાભાઇ રાઠોડ (.૩૮) અને  નણંદ કિરણબેન આશિષભાઇ રાઠોડ (.૩૫) ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પ્રાથમિક પુછતાછમાં ધનલક્ષ્મીબેને જણાવ્યું હતું કે પોતાના દિકરા પ્રતિક મહેશભાઇ રાઠોડના અને કાકાજી ગોવાભાઇ (દિલીપભાઇ)ના દિકરા પ્રતિકના લગ્ન હોઇ આજે કાકાજીના દિકરાના લગ્નનો જમણવાર હતો. પોતાના દિકરાનો માંડવો આવતી કાલે છેધનલક્ષ્મીબેને આગળ જણાવ્યું હતું કે સવારે સાડા અગિયારેક વાગ્યે બધા ઘર પાસે શેરીમાં નાંખેલા લગ્નના મંડપમાં જમણવારમાં હતાં ત્યારે શેરીમાં રહેતાં સગા દિયર કોર્પોરેટર અનિલ રાઠોડ તેના ત્રણ દિકરા સાથે છરી, ધારીયા, તલવાર સાથે ધસી આવ્યા હતાં અને બેફામ ગાળાગાળી કરી હુમલો કરતાં પોતાને તેમજ બીજા સભ્યોને ઇજા થઇ હતી. પોતાને હાથમાં તલવાર લાગી ગઇ હતી અને બીજાને મુંઢ માર મરાયો હતો.

અનિલ રાઠોડના નાના ભાઇ પિન્ટુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે અમારા મોટા ભાઇ મહેશભાઇ હયાત નથી. તેના દિકરા પ્રતિકના લગ્ન લેવાયા હોઇ તેમાં અનિલભાઇ રાઠોડને આમંત્રણ નહોતું અપાયું, કારણ કે વર્ષોથી અનિલભાઇ સાથે મનદુઃખ ચાલતું હોઇ તેને કુટુંબના એકેય પ્રસંગમાં અમે બોલાવતાં નથી. અગાઉ પણ જમીન અને મિલ્કત બાબતે અનિલ રાઠોડે માથાકુટ કરી હતી. આજે લગ્ન પ્રસંગમાં તે તથા તેના ત્રણ પુત્રોએ ધસી આવી આતંક મચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં થોરાળાના પી.આઇ. એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ પરમાર, બલભદ્રસિંહ જાડેજા, નારણભાઇ, અજીતભાઇ, વિજયભાઇ, પી.ડી. જાદવ, રોહિતભાઇ કછોટ સહિતની ટીમ દોડી ગઇ હતી અને માથાકુટ કરનાર કોર્પોરેટર અનિલ રાઠોડ તથા તેના ત્રણ પુત્રોને તાકીદે પોલીસ મથકે લાવી પોલીસની ભાષામાં પુછતાછ કરી હતી. મામલે ધનલક્ષ્મીબેન રાઠોડની ફરિયાદ પરથી અનિલ રાઠોડ અને તેના પુત્રો સામે ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી હતી.

સામા પક્ષે કોર્પોરેટર અનિલ રાઠોડના ધર્મપત્નિ લક્ષ્મીબેન અનિલભાઇ રાઠોડ (.૪૦) તથા પુત્રી મીરા અનિલભાઇ રાઠોડ (.૧૮) પણ ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતાં અને પોતાના પર પ્રતિક મહેશભાઇ રાઠોડ, પિન્ટુ કવાભાઇ, દિનેશભાઇ સહિતે છરીથી હુમલો કર્યાની ફરિયાદ કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયા હતાં. મામલે પારસ અનિલભાઇ રાઠોડની ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી.

પ્રતિક ઓસ્ટ્રેલિયા એમબીએનો અભ્યાસ કરે છેઃ લગ્ન માટે એક મહિના પહેલા રાજકોટ આવ્યો છે

કાકા અનિલ રાઠોડ સહિતના હુમલામાં વરરાજા પ્રતિક મહેશભાઇ રાઠોડને પણ મુંઢ ઇજા થઇ છે. પ્રતિકના પિતા મહેશભાઇ હયાત નથી. તે ઓસ્ટ્રેલિયામાં એમબીએનો અભ્યાસ કરે છે અને લગ્ન માટે એક મહિના પહેલા રાજકોટ આવ્યો છે. કાકા અને પિત્રાઇઓએ લગ્ન પ્રસંગમાં આતંક મચાવતાં તે ભારે ડઘાઇ ગયો હતો.

(3:40 pm IST)