રાજકોટ
News of Tuesday, 22nd January 2019

અઢી મહિના પહેલા ૭ વર્ષની પૂજા નેપાળીનું અપહરણ નહોતું થયું, જાતે જ નીકળી ગઇ'તીઃ ધોરાજીથી મળી

૧૬/૧૦ના રોજ આ બાળાના ભાઇઓ ૧૩ વર્ષનો દિપક બાદી અને ૭ વર્ષનો આદીત બાદી ૧૭ વર્ષના ગોૈતમ સાથે કાઠીયાવાડ બાલાશ્રમમાંથી ભાગી ગયા'તાઃ એ પછી પૂજા પણ ૨૯ નવેમ્બરે જસાણી સ્કૂલે ગયા બાદ ગૂમ થઇ હતીઃ દિપક અને આદિતને માલવીયાનગર પોલીસે ગયા મહિને સોમનાથ-દ્વારકાથી શોધી કાઢ્યા હતાં: ત્રણેય નેપાળી ભાઇ-બહેનના માતા-પિતાના અગાઉ રાજકોટમાં દાઝી જવાથી મોત નિપજ્યા હતાં: ખરેખર બાળા એકલી રખડતી હતી કે કોઇ સાથે હતી? તેની તપાસ જરૂરીઃ દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, ઉપલેટા એકલી રખડતી રહેતી'તી!...સદ્દનસીબે બાળકી કોઇ લેભાગુના હાથમાં ન આવીઃ પોલીસે કાઠીયાવાડ બાલાશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટને સોંપી

રાજકોટ તા.૨૨: ગોંડલ રોડ પર એ. વી. જસાણી સ્કૂલ પાસે આવેલા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ કુમાર છાત્રાલયમાં રખાયેલા ૧૭, ૧૩ અને ૭ વર્ષના ત્રણ બાઇકો ૧૬/૧૦/૧૮ના  બપોરે છાત્રાલયની વંડી ટપી ભાગી જતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ભાગી ગયેલા ત્રણમાં બે નેપાળી બાળકો સગા ભાઇઓ હતાં. તેના બીજા મહિને તેની ૭ વર્ષની બહેન પૂજા રતનભાઇ બાદી પણ  એ. વી. જસાણી સ્કૂલમાં ભણવા ગયા બાદ  પરત ન આવતાં આ કિસ્સામાં પણ માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.  બે નેપાળી ભાઇઓને સોમનાથ (વેરાવળ)થી માલવીયાનગર પોલીસે ગયા મહિને શોધી કાઢ્યા હતાં. હવે તેની ૭ વર્ષની બહેન પૂજા પણ ધોરાજીથી હેમખેમ મળી આવતાં કાઠીયાવાડ બાલાશ્રમમાં સોંપાઇ છે. સદ્દનસિબે આ બાળકી કોઇ લેભાગુના હાથમાં ન આવી તે સારી બાબત છે. 

અગાઉ ત્રણ બાળકો ગૂમ થયા ત્યારે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ કુમાર છાત્રાલયમાં આઠ વર્ષથી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં સુરેશભાઇ રાણાભાઇ રાઠોડ (ખાંટ) (ઉ.૫૮)એ માલવીયાનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે તેની સંસ્થામાં રખાયેલા ત્રણ બાળકો ગોૈતમ ઉર્ફ છોટુ દિલીપભાઇ પટેલ (ઉ.૧૭), દિપક રતનબહાદુર બાદી (નેપાળી) (ઉ.૧૩) તથા તેનો ભાઇ આદીત રતનબહાદુર બાદી (ઉ.૭) ૧૬મીએ મંગળવારે બપોરે સંસ્થાની હોસ્ટેલની સાઇડની દિવાલ ટપીને નીકળી ગયા બાદ ગૂમ થયા છે. સગીર ગૂમ થવાનો મામલો હોઇ પોલીસે તાકીદે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

જે તે વખતે સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવાયા હોઇ તેના ફૂટેજ જોતાં સોૈ પહેલા દિપક નાનો છોકરો લોખંડનો ઘોડો લઇને આવતો અને દિવાલ પાસે રાખતો દેખાયો હતો. એ પછી વારાફરતી દિવાલ પર ચડી રેલ્વેના પાટા પર કૂદકા મારી ભાગી જતાં દેખાયા હતાં. ગોૈતમ ઉર્ફ છોટુને એક મહિના પહેલા જ યુપી લખનોૈના ચાઇલ્ડ વેલફેર કમિટીમાંથી અહિ ટ્રાન્સફર કરાયો હતો. આ છોકરો અગાઉ જુનાગઢ તથા ચીખલીની સંસ્થામાંથી પણ ભાગી ગયો હતો. જ્યારે દિપક અને આદિત બંને સગા ભાઇઓ છે. તેને જુનાગઢ ચાઇલ્ડ વેલફેર કમિટીમાંથી સાત મહિના પહેલા રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરી હેઠળ પીએસઆઇ આર.એ. જાડેજા, જાવેદભાઇ રિઝવી તથા ડી. સ્ટાફની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યાં આ બંને નેપાળી ભાઇઓની બહેન પૂજા પણ ૨૯ નવેમ્બર-૨૦૧૮ના રોજ ગૂમ થઇ ગઇ હતી. આ મામલે પણ ગુનો દાખલ કરાયો હતો.

દરમિયાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમે આ બાળકોને તાકીદે શોધી કાઢવા સુચના આપી હોઇ માલવીયાનગર પી.આઇ.ની રાહબરીમાં ટીમે ગયા મહિને નેપાળી ભાઇ દિપક અને આદિતને સોમનાથ-દ્વારકાથી શોધી કાઢ્યા હતાં. ત્યારે બંનેએ બહેન પૂજા પોતાને સોમનાથમાં મળી હોવાની અને બાદમાં તેની રીતે એકલી દ્વારકા તરફ જતી રહ્યાની વાત કરી હતી. 

પોલીસે પૂજાની શોધખોળ યથાવત રાખી હતી. દરમિયાનધોરાજી પોલીસને મેમણ કોલોની પાસેથી ઝૂપડપટ્ટી પાસેથી એક બાળકી મળી હતી. તેની પુછતાછ થતાં પોતાનું નામ પૂજા જણાવ્યું હતું. આ બાળકી અંગ રાજકોટમાં અપહરણનો ગુનો નોંધાયો હોવાની જાણ થતાં માલવીયાનગર પોલીસને કબ્જો સોંપાયો હતો. કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાંથી સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવી તપાસ કરાવતાં આ બાળકી પૂજા જ હોવાની ખાત્રી થતાં તેનો કબ્જો સોંપાયો હતો.

બાળકી પૂજાએ કબુલ્યું હતું કે તેનું અપહરણ નહોતું થયું પણ ભાઇઓ પાસે જવું હોઇ જાતે જ રાજકોટથી એસટી બસમાં બેસી દ્વારકા ગઇ હતી. ત્યાં ભાઇઓને મળ્યા બાદ પોતાની રીતે દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, ઉપલેટા રખડતી ભટકતી રહી માંગીને ખાઇ લેતી હતી. છેલ્લે ધોરાજી આવી હતી. ઉલ્લેખનિય છે કે આ બાળા અને તેના બંને ભાઇઓના માતા-પિતાના અગાઉ દાઝી જતાં મોત નિપજ્યા છે. ત્યારથી ત્રણેયને કાઠીયાવાડ બાલાશ્રમમાં રખાયા છે.

ખરેખર બાળા એકલી જ રખડતી હતી કે કોઇ બીજુ સાથે હતું? તે અંગે તપાસ થવી જરૂરી છે.  (૧૪.૭)

 

(11:25 am IST)