રાજકોટ
News of Monday, 21st December 2020

વોર્ડ નં. ૨ - ૭ - ૮ ના કેટલાક વિસ્તારમાં પાણીના સમયમાં ફેરફાર

કાલાવડ રોડથી હનુમાન મઢી સુધીના વિસ્તારમાં સવારે ૪.૪૦ કલાકે પાણી મળશે : હનુમાન મઢીથી એરપોર્ટ અને રેસકોર્ષ પાર્ક સુધીના વિસ્તારમાં સવારે ૭.૪૦ વાગ્યે વિતરણ : વિરાણી હાઇસ્કુલથી એસ્ટ્રોન ચોક સુધીના વિસ્તારમાં બપોરે ૧૧.૪૦ કલાકે પાણી આવશે

રાજકોટ તા. ૨૧ : શહેરના ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી લક્ષ્મીનગર નાલા સુધીની વર્ષો જુની પાઇપ લાઇન નવી નાખતા વોર્ડ નં. ૨, ૭ અને ૮ ના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ અંગે ઇજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ પાઇપ લાઇન ટ્રાન્સફર બાદ હવે ત્રણેય વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ૪૦ મિનિટ મોડું કરાયું છે. ત્રણ દિવસ ટ્રાયલ લીધા બાદ હાલનો ટાઇમ કાયમી માટે લાગુ કરી દેવાયો છે. વોર્ડ નંબર ૮માં કાલાવડ રોડથી હનુમાન મઢી સુધીનો વિસ્તાર જેમાં સોજીત્રાનગર અને રૈયા રોડનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નં. ૨માં હનુમાન મઢીથી એરપોર્ટ અને રેસકોર્ષ પાર્ક સહિતના વિસ્તાર જ્યારે વોર્ડ નંબર સાતમાં વિરાણી હાઇસ્કુલથી એસ્ટ્રોન ચોક સુધીના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૨ માં જ્યાં ૭ કલાકે પાણી વિતરણ કરવામાં આવતું હતું ત્યાં સવારે ૭.૪૦ કલાકે તથા વોર્ડ નં. ૭ માં જ્યાં ૧૧.૦૦ કલાકે પાણી વિતરણ કરાતું હતું ત્યાં ૧૧.૪૦ કલાકે અને વોર્ડ નં. ૮માં વહેલી સવારે ૪ કલાકે પાણી વિતરણ કરવામાં આવતું હતું ત્યાં હવે ૪.૪૦ કલાકે પાણી વિતરણ કરવામાં આવશે તેમ વોટર વર્કસ શાખાના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(3:37 pm IST)