રાજકોટ
News of Monday, 21st December 2020

રાજકોટ એરપોર્ટ પર બોંબ : નાસભાગ મચી ગઇ

પોલીસ-આઇબી-સીટી ફાયર-એસઓજી-હોસ્પીટલ સ્ટાફ સહીતના દોડી આવ્યાઃ મોકડ્રીલ સાબીત થતા હાશકારો

રાજકોટ એરપોર્ટ પર બોંબના ફોન અને ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મોકડ્રીલ દરમિયાન જેટ ગતીએ બોંબ શોધી કાઢવા ધડાધડ કાર્યવાહી કરાઇ તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૧: રાજકોટ એરપોર્ટ પર બોંબ મુકાયાનો આજે સવારે ૧૦.૧પ વાગ્યે ફોન આવતા એરપોર્ટ ખાતે નાસભાગ મચી ગઇ હતી. એરપોર્ટ સતાવાળાઓ હાઇ એલર્ટ બની ગયા હતા.

બોંબ મુકાયાનો ફોન આવતા જ તુર્ત જ સંબંધીત ખાતાઓને જાણ કરાતા, સ્થાનીક પોલીસ-આઇબી-ફાયરબ્રિગેડની ટીમો-એમ્બ્યુલન્સ-૧૦૮-એસઓજી-હોસ્પીટલ સ્ટાફ-ડોકટરો-આઇબીની ટીમો એરપોર્ટ ઉપર દોડી ગઇ હતી. ૧પ મીનીટમાં બોંબ સ્કવોડ ટીમ-સ્નીફર ડોગ દોડી આવ્યા હતા. એરપોર્ટ ચારેબાજુથી કવર કરી લેવાયું હતું. પરંતુ આખરે આ માટે મોકડ્રીલ સાબીત થતા તમામના શ્વાસ બેઠા-બેઠા હતા અને હાશકારો અનુભવાયો હતો.

રાજકોટ એરપોર્ટ સતાવાળાઓએ ડાયરેકટર દિગંત બોશના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ યોજી હતી. ડોગ સ્કવોડ-બોંબ નાશક ટુકડીને માત્ર ૨૦ થી ૨૫ મીનીટમાં બોંબ મળી આવ્યો હતો અને ૧૦.૫૦ થી ૧૧ ની વચ્ચે આઇસ ખાડામાં બોંબનો નાશ કરી દેવાયો હતો.

ત્યાર બાદ હાઇલેવલ મીટીંગ મળી હતી અને ૧૧ થી ૧૧.૩૦ વચ્ચે બોંબ ધમકી અંગે સમીક્ષા સમીતીએ સમગ્ર કામગીરીનું નીરીક્ષણ કરી રીપોર્ટ કર્યો હતો. ૧૨ વાગ્યે મોકડ્રીલમાં તમામ સુરક્ષા એજન્સી-દળો દ્વારા સમયસર પગલા લઇ કાર્યવાહી કરાઇ તે અંગે ખાસ નોંધ લેવાઇ હતી અને ઝડપી કાર્યવાહી સંદર્ભે ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

(3:36 pm IST)