રાજકોટ
News of Monday, 21st December 2020

રાજકોટમાં ૧.રપ લાખ સહિત સૌરાષ્ટ્ર યાર્ડોમાં ૩ લાખ ગુણી મગફળીની આવકોઃ ભાવ વધ્યા

રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇઃ મગફળીના ભાવમાં મણે ર૦ રૂ. વધ્યા

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજ મગફળીની ૧.રપ લાખ ગુણી સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મગફળીની કુલ ૩ લાખ ગુણીની ધીંગી આવકો થઇ હતી. મગફળીની આવકો વધવાની સાથે ભાવમાં પણ સુધારો થતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

રાજકોટ (બેડી) યાર્ડમાં આજે  ૧પ દિવસ બાદ મગફળીની આવકો શરૂ કરાતા મગફળીની ૧.રપ લાખ ગુણીની આવકો થઇ હતી. રાજકોટ યાર્ડમાં દિવાળી પૂર્વે અને દિવાળી બાદ  ચોથી વખત મગફળીની એક લાખ ગુણી ઉપરાંતની આવકો નોંધાઇ છે. મગફળીની ધીંગી આવકો થતા  રાજકોટ યાર્ડમાં બીજી જાહેરાત ન કરાઇ ત્યાં સુધી મગફળીની આવકો બંધ કરાઇ હોવાનું યાર્ડન સેક્રેટરી બી. આર. તેજાણીએ જણાવ્યું હતું. રાજકોટ યાર્ડની સાથે સૌરાષ્ટ્રના યાર્ડોમાં પણ મગફળીની પુષ્કળ આવકો થઇ હતી. ગોંડલ, અમરેલી, સાવરકુંડલા, જામનગ, તથા જુનાગઢ યાર્ડ સહિત સૌરાષ્ટ્ર ના યાર્ડોમાં આજે મગફળીની કુલ ૩ લાખ ગુણીની ધીંગી આવકો થઇ હતી. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધવાની સાથે મગફળીના ભાવમાં મણે ર૦ રૂ.નો સુધારો થયો હતો. મીલ ડીલીવરીમાં મગફળી ઝીણી એક મણના ભાવ વધીને ૧૧૩૦ થી ૧૧૪૦ તથા મગફળી મોટી એક મણના ભાવ વધીને ૧૦૭૦ થી ૧૦૮૦ રૂ. બોલાયા હતાં. દર વર્ષે સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો થયે મગફળીના ભાવો ઘટતા હતા જો કે, ચાલુ વર્ષે ચીન દ્વારા મગફળીની મોટાપાયે ખરીદી કરાતા મગફળીની પુષ્કળ આવકો છતાં ભાવો ઘટવાને બદલે વધતા ખેડૂતો રાજી...રાજી... થઇ ગયા છે.

(12:52 pm IST)