રાજકોટ
News of Saturday, 21st November 2020

ચેતી જાવ, સમજો... : કોરોનાથી અને દંડથી બચોઃ પોલીસના જાહેરનામા ભંગના ૮૭ કેસ

બેથી વધુ મુસાફર ભરી નીકળેલા ૩૦ રિક્ષાચાલકો, માસ્ક વગર અને ત્રણ સવારીમાં નીકળેલા ૨૧ બાઇકચાલકો પકડાયાઃ ૩૧ વેપારીઓ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનોઃ પોલીસ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે

રાજકોટ તા. ૨૧: કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસ સતત લોકડાઉન અને અનલોકના નિયમોનું પાલન કરાવી રહી છે. બીજા તબક્કામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને રાત્રી કર્ફયુ અમલી બનાવાયો છે ત્યારે લોકો હવે થોડા વધુ ચેતે, સમજે  અને વિચારે તેમજ જાહેરનામા-નિયમોનું પાલન કરે તો દંડથી અને કોરોનાથી એમ બંને રીતે બચી શકાશે. ગત સાંજથી આજ સવાર સુધીમાં શહેર પોલીસે અલગ-અલગ નિયમોના ભંગ બદલ ૮૭ કેસ દાખલ કર્યા છે. રિક્ષામાં બેથી વધુ મુસાફરો બેસાડી નીકળનારા, માસ્ક વગર અને ત્રણ સવારીમાં બાઇક પર નીકળેલા તેમજ દૂકાનો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેની વિગતો આ મુજબ છે.

શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે પોલીસ દ્વારા જાહેરનામાનો ફરી અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે અલગ - અલગ વિસ્તારોમાં દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સન જાળવનારા વેપારીઓ  તથા બીનજરૂરી લટાર મારવા નિકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એ.ડીવીઝન, બી ડીવીઝન, થોરાળા, માલવીયનગર, પ્રદ્યુમનનગર, આજી ડેમ, ગાંધીગ્રામ, યુનિવર્સિટી અને તાલુકા પોલીસ દ્વારા ગઇકાલે અલગ -અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ૮૭ કેસ દાખલ કર્યા છે જેમાં બે થી વધુ મુસાફરોને લઇને નીકળનારા ૩૦ રીક્ષા ચાલકો, માસ્ક પહેર્યા વગર ત્રીપલ સવારી નિકળનારા ર૧ બાઇક ચાલકો તેમજ જુદા જુદા વિસ્તારમાં રેસ્ટોરન્ટ, ચા ની હોટલ, પાનની દુકાન - લારી - ગલ્લા બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી જાહેરનામાનું પાલન ન કરનારા ૩૧ વેપારીઓને પકડી જાહેરનામા ભંગની  કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:24 pm IST)