રાજકોટ
News of Saturday, 21st November 2020

કોરોના ફેલાતો અટકાવવા કર્ફયુનું સખ્ત પાલન કરાવશે પોલીસ

કર્ફયુમાં ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડીથી માલિયાસણ ચોકડીના રસ્તા ચાલુ રહેશેઃ કેસરી પુલ સિવાયના પુલ બંધઃ લગ્ન પ્રસંગ માટે મંજુરી લેવી પડશે

જાહેરનામુઃ રાજકોટ બસ સ્ટેશન-રેલ્વે સ્ટેશન એરપોર્ટ પર રાતે ઉતરતા મુસાફરો ટિકીટ બતાવશે તો જવા દેવામાં આવશેઃ કર્ફયુ સમયમાં મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખુલ્લો રહેશેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટ તા. ૨૧: કોરોના વાયરસની મહામારીમાં કેસ વધ્યા હોઇ અને રાત્રી કર્ફયુ મુકવામાં આવ્યો હોઇ શહેર પોલીસ કર્ફયુનું ચુસ્તપણે પાલન કરાવવા કટીબધ્ધ બની છે. આ માટે જાહેરનામુ બહાર પાડી કેટલાક નિયમો પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે નક્કી કર્યાનું ડિસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અનલોક-૬માં રાત્રીના ૯ થી સવારના ૬ સુધી કર્ફયુનું પાલન કરવાનું રહેશે. લોકોએ આ સમયમાં ઘરમાં જ રહેવાનું અને શેરી, ગલી, માર્ગો પર નીકળવાનું નહી. પગપાળા કે વાહનો પર ફરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. કર્ફયુમાં સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, મ્યુ. કોર્પોરેશન-નગરપાલીકા, પંચાયતની સેવાઓ, ફાયર એન્ડ ઇમર્જન્સી સેવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ, ફરજના ભાગરૂપે સરકારી કર્મચારીઓન અવર-જવર, માલ સામાન પરિવહન કરનારાઓ, તબિબી સંસ્થાઓ, ઉત્પાદન, વિતરણ એકમો, દવાઓ, ડિસ્પેન્સરીઓ, કેમિસ્ટ, આવશ્યક ચીજવસ્તુઓ, હોસ્પિટલ, વેટરનીટી આનગી ક્ષેત્રના કેસ્ટિ, દવાખાના, ફાર્મસી, જનઓૈષધી કેન્દ્રો સહિતના તેમજ હવાઇ માર્ગ, રેલ્વે, બસ મારફત મુસાફરોને લેવા-મુકવા માટે માન્ય ટિકીટ રજુ કરતાં જવા દેવામાં આવશે.

પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપરનું પરિવહન-વિતરણ કરનારા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ, કેબલ સેવાઓ, આઇટી આધારીત સેવાઓ, રેડક્રોસ, એટીએમ સહિતની સેવાઓમાં છુટછાટ અપાશે.

કેસરી પુલ સિવાયના બીજા પુલ બંધ રહેશે. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રોડ, જામનગર રોડ માધાપર ચોકડીથી માલિયાસણ ચોકડી સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજુરી અનુસાર શરતોને આધીન છુટછાટ અપાશે.

કર્ફયુના સમયકાળમાં અગત્યના કામ માટે માત્ર કેસરી પુલ ખુલ્લો રહેશે. તેમજ અન્ડર બ્રિજ પૈકીનો મહિલા કોલેજ અન્ડર બ્રિજ એક જ ખુલ્લો રખાશે. તેમ વધુમાં જણાવાયું છે.

(3:49 pm IST)