રાજકોટ
News of Wednesday, 21st October 2020

ગભરાયા વગર એન્ટીજન ટેસ્ટ કરાવોઃ હર્ષદ સાકરીયા

સરકાર-આરોગ્ય કર્મીઓ પર આશીર્વાદનો વરસાદ વરસાવે છે કોરોનામુકત દર્દીઓ

રાજકોટ : વિશ્વાસ અને હિંમત માણસને ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિમાંથી હેમખેમ રીતે બહાર લાવી શકે છે. આપણી રાજય સરકાર અને આરોગ્ય વિભાગ આવા જ વિશ્વાસ અને હિંમત સાથે માર્ચ મહિનાથી કોરોના સામે લડાઈ લડી રહી છે અને કોરોના સંક્રમિત લોકોનું યોગ્ય નિદાન કરીને તેમને કોરોના વાયરસના સકંજામાંથી હેમખેમ બહાર લાવી રહ્યા છે. તેમની અથાક મહેનતના પરિણામ સ્વરૃપે આજે કોરોના દર્દીઓ તેમના પર પ્રેમ અને આશિર્વાદની હેલી કરી રહ્યા છે. ત્યારે કોરોના મુકત થઈને સંતોષ અને પ્રેમભરી લાગણી સાથે સરકાર અને આરોગ્ય કર્મીઓનો આભાર માની રહ્યા છે રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ સાકરીયા.

મોઢામાં સ્વાદ અને સુંગધ ચાલ્યા જવાથી એક જાગૃત નાગરિક બનીને હર્ષદભાઈએ પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રમાં એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન આપણા હાથમાં છે તેવું માનતા હર્ષદભાઈએ ગભરાયા વિના એન્ટીજન ટેસ્ટ કરાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે,' આજે એન્ટીજન ટેસ્ટના કારણે હું મારા પરિવારને સુરક્ષિત રાખી શકયો છું.

પિતાજીને પણ કોરોનાના માઈલ્ડ લક્ષણો હતા પરંતુ તેમના સ્વાસ્થ્યને ધ્યાને લઈ તેમને સિવિલમાં દાખલ કર્યા અને હું સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયો. આજે એન્ટીજન ટેસ્ટ કારણે મને અને મારા પરિવારને સમયસર સારવાર મળી. તેથી પોતાની સાથે અન્ય લોકોને કોરોનાથી બચાવવા માટે વિના શંકાએ એન્ટીજન ટેસ્ટ કરાવો.'  ભગવાન કોરોનાની સારવાર કરી રહેલા દરેક આરોગ્ય કર્મી, મેડીકલ સ્ટાફ, સફાઈ કર્મીઓને ખુબ તરક્કી આપે. સારવાર લઈને ઘરે પરત ફરીએ ત્યારે દિલથી તેમના માટે આશિર્વાદ નીકળી જાય છે. ખુબ સારી વ્યવસ્થા છે. પૌષ્ટીક આહાર, ગરમ દુધ, ઉકાળા બધું બેસ્ટ છે. તેમની સારવારને કારણે આજે મોઢામાં સ્વાદ અને સુંગધ બંને પરત આવી ગયા છે અને નવું જીવન પણ મળ્યું છે આનાથી વધુ શું જોઈએ? તેમ હર્ષદભાઈએ જણાવ્યું હતું. 

(3:09 pm IST)