રાજકોટ
News of Wednesday, 21st October 2020

સિંધી કોલોનીના વૃધ્ધનો મોબાઇલ ઝૂંટવી જનારા સદામ અને હિતેષ રીઢા ગુનેગાર

અગાઉ પણ છ અને ત્રણ ગુનામાં સંડોવાઇ ચુકયા છેઃ પ્ર.નગર પોલીસે દબોચી રિક્ષા, ફોન કબ્જે કર્યાઃ વિશેષ પુછતાછ

રાજકોટ તા. ૨૧: સિંધી કોલોની મકાન નં. ૫૬ જલારામ બેકરી પાસે રહેતાં અને ઘર સાથે જ સિતારામ પ્રોવિઝન સ્ટોર નામે દૂકાન ચલાવતાં ગુલાબભાઇ લખીમલભાઇ રામચંદાણી (ઉ.વ.૬૯) નામના સિંધી વેપારી છ દિવસ પહેલા વહેલી સવારે દૂકાન ખોલી બેઠા હતાં ત્યારે બે શખ્સે આવી પચાસ રૂપિયા માંગ્યા બાદ વૃધ્ધને મોઢા પર ધૂંબો મારી તેમનો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો અને ભાગી ગયા હતાં. આ ગુનામાં પ્ર.નગર પોલીસે બે શખ્સો જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે કૃષ્ણનગર-૧૧માં રહેતાં સદામ મુસ્તાકભાઇ શેખ (ઉ.૨૪) તથા પરા પપીળીયા એકતા સોસાયટી-૧૪માં રહેતાં હિતેષ ચંદુભાઇ બસીયા (ઉ.વ.૪૦)ને પકડી લઇ રિક્ષા અને તેણે ઝૂંટવી લીધેલો મોબાઇલ કબ્જે કર્યો છે. આ બંને રીઢા ગુનેગાર નીકળ્યા છે. અગાઉ પણ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

સદામ અગાઉ ગાંધીગ્રામ, એ-ડિવીઝન, ભકિતનગર પોલીસમાં ચિલઝડપ, લૂંટ, મારામારીનાત્રણ બનાવ તથા હવળદ, માલવીયાનગર, ગાંધીગ્રામમાં મારામાીર, ચોરી, બળજબરીના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. જ્યારે હિતેષ બસીયા વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ, પ્ર.નગર, એ-ડિવીઝનમાં દારૂ-એમવીએકટના ત્રણ ગુના નોંધાઇ ચુકયા છે.

આ બંનેને પીએઅસાઇ કે. ડી. પટેલ, કોન્સ. યુવરાજસિંહ જાડેજા અને અક્ષય ડાંગરની બાતમી પરથી રિક્ષા સાથે પકડી લેવાયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ હુંબલ સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંનેની વધુ પુછતાછ થઇ રહી છે.

(10:26 am IST)