રાજકોટ
News of Monday, 21st October 2019

૧૪ સભ્યો અમારી સાથે છે, બાકીના પાંચનો સહકાર મળશેઃ નામ જાહેર કરતા ખાટરિયા

ભાજપને ૨૪માં એક પણ સભ્ય ઘટે તો અવિશ્વાસ દરખાસ્તનો બૂકડો : ભાજપ પાસે જરૂર કરતા એક સભ્ય વધુ (કુલ ૨૫) છે : ધ્રુપદબા જાડેજા

રાજકોટ, તા. ૨૧ :. જિલ્લા પંચાયતમાં ગુરૂવારે બપોરે યોજાનાર સામાન્ય સભા પૂર્વે રાજકીય ખેંચતાણ વધી છે. બન્ને પક્ષે પોતાની પાસે પુરતુ સંખ્યા બળ હોવાનો દાવો કર્યો છે. અર્જુન ખાટરિયાએ આજે ૧૪ સભ્યો પોતાની સાથે સહેલગાહે હોવાનો અને બીજા ૫ સભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. તેમણે પોતાના ટેકેદાર સભ્યોના નામ પણ જાહેર કર્યા છે. પ્રવાસમાં મહિલા સભ્યોની બદલે તેના પતિ જોડાયા છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, પોતે પતિ-પત્નિ ઉપરાંત સુભાષ માંકડિયા, વિનુભાઈ ધડુક, અવસરભાઈ નાકિયા, નાનજીભાઈ ડોડીયા, પરસોતમભાઈ લુણાગરીયા, મધુબેન નસિત, કુસુમબેન ચૌહાણ, સોમાભાઈ મકવાણા, હેતલબેન ગોહેલ, ધીરૂભાઈ પાઘડાર, વિપુલ ધડુક અને ભાવનાબેન ભુત (કુલ ૧૪) સભ્યો સાથે છે અને અવિશ્વાસ દરખાસ્તની વિરૂદ્ધમાં મતદાન કરશે. ઉપરાંત વિપુલ વૈષ્ણવ, સોનલબેન પરમાર, મનોજ બાલધા, અર્ચનાબેન સાકરિયા અને હંસાબેન વૈષ્ણવ પણ કોંગ્રેસની સાથે રહેવા સહમત છે. આ રીતે કુલ ૧૯ સભ્યો થાય છે. ભાજપે પોતાની સાથે કયા ૨૪ સભ્યો છે ? (જો હોય તો) તે જાહેર કરવુ જોઈએ. કોંગ્રેસની લાઈનમાં રહેનાર સભ્યોને પક્ષાંતર ધારાના કેસમાંથી મુકિત આપવા વિશે વિચારાશે.

બીજી તરફ વિપક્ષ ભાજપના નેતા ધ્રુપદબા જાડેજાને પૂછતા તેમણે જણાવેલ કે, કોંગ્રેસે પોતાના ટેકેદાર તરીકે જાહેર કરેલ બધા નામોમાં તથ્ય નથી. અવિશ્વાસ દરખાસ્ત મંજુર કરાવવા જરૂરી ૨૪ સભ્યોને બદલે અમારી પાસે એકના વધારા સહિત ૨૫ સભ્યો છે. અમે અમારા સભ્યોને સ્વતંત્ર રાખ્યા છે. નામ જાહેર કરવા માંગતા નથી પરંતુ ૨૫ સભ્યો અમારી સાથે હોવાનુ સામાન્ય સભામાં સ્પષ્ટ થઈ જશે.

(4:20 pm IST)