રાજકોટ
News of Monday, 21st October 2019

ભેળસેળીયુ તમાકુ બનાવવા રાતીદેવળી-વાંકાનેરના સોહિલ અને આરીફે ત્રણ દિ' પહેલા જ પીપળીયામાં મકાન ભાડે રાખ્યુ'તું

કુવાડવા પોલીસે પીપળીયા ગામે દરોડો પાડી બે મોમીન શખ્સને ૭,૨૧,૮૨૦ના મુદ્દામાલ સાથે પકડ્યા : અસલી ડબ્બાના સીલ મશીનથી ખોલી ભેળસેળીયુ તમાકુ ભરી ફરીથી સીલ લગાવી ઉપર પ્રિન્ટરની લોગો પણ લગાવી દેતા'તા :કુવાડવાના દિલીપભાઇ બોરીચા અને રઘુવીર ઇશરાણીની બાતમી પહેલા બંને તમાકુ પેકીંગની ફેકટરીમાં કામ કરતા'તાઃ ઝડપથી ટૂંકા રસ્તે માલદાર થવા અસલીમાં નકલી તમાકુ ભેળવવાનું કારસ્તાન આદર્યુ હતું

રાજકોટ તા. ૨૧: આજના યુગમાં ખાણી-પીણીની કોઇપણ ચીજવસ્તુઓમાં કેટલાક લેભાગુઓ ભેળસેળ કરતાં હોય છે.  હવે પાન-મસાલા અને તમાકુમાં પણ ભેળસેળ થવા માંડી છે. કુવાડવા પોલીસે આવું એક કોૈભાંડ ઝડપી લીધું છે. કુવાડવાના પીપળીયા ગામમાં સણોસરાના રસ્તા પર નવીન નગર બ્લોક નં. ૨૨૧ ભાડે રાખી વાંકાનેરના રાતીદેવડી અને વાંકાનેરના બે મોમીન શખ્સોએ બાગબાન કંપનીની તમાકુમાં ભેળસેળ કરવાનું શરૂ કર્યાની બાતમી કુવાડવા ડી. સ્ટાફના દિલીપભાઇ બોરીચા અને રઘુવીરભાઇ ઇશરાણીને મળતાં દરોડો પાડી આ બંનેને ઝડપી લઇ રૂ. ૭,૨૧,૮૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્રણ દિવસ પહેલા જ બંનેએ આ મકાન ભાડે રાખ્યું હતું. અગાઉ પોતે તમાકુ પેકીંગના કારખાનામાં કામ કરતાં હતાં. હવે પૈસાદાર થવા મકાન ભાડે રાખી અસલીમાં નકલી તમાકુ ભેળવી આ ભેળસેળીયુ તમાકુ મુળ કિંમત કરતાં ઓછી કિંમતે વેંચવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે માલની સપ્લાય થાય એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં.

આ મામલે કુવાડવા પોલીસે બાગબાન કંપની વતી નકલી માલ શોધવાનું કામ કરતાં અમદાવાદ ઘાટલોડીયાના હિરેન મુકેશભાઇ પટેલ (ઉ.૩૮)ની ફરિયાદ પરથી રાતીદેવડીના સોહિલ ઉસ્માનભાઇ કડીવાર (મોમી) (ઉ.૨૬) તથા અબ્દુલ અયુબભાઇ સમા (મોમીન) (ઉ.૨૮-રહે. પીપળીયા નવીનનગર, મુળ ગામ વાંકાનેર દાતાર બાપુની દરગાહ પાસે) તથા તપાસમાંખુલે તેની સામે આઇપીસી ૨૭૨, ૪૦૬, ૪૭૩, ૪૮૨, ૪૮૫, ૪૮૬ તથા કોપીરાઇટ એકટ ૧૯૫૭ની કલમ ૬૩, ૬૫, ટ્રેડમાર્ક એકટ ૧૯૯૯ની કલમ ૧૦૩, ૧૦૪, ૧૦૫ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

પોલીસે રૂમમાંથી બાગબાન ટોબેકો કંપનીના ૧૩૮ નંબરની તમાકુના પતરાના ડબ્બા નંગ ૨૦૦૦ રૂ. ૨,૭૦,૦૦૦ના, નાની સાઇઝના બીજા ૧૬૮૦ ડબ્બા રૂ. ૨,૨૬,૮૦૦ના, અન્ય ૪૮ ડબ્બા રૂ. ૭૨ હજારના, ૨૦૦ ગ્રામના પતરાના ડબ્બાના ઢાંકણા નંગ ૧૫૦ રૂ. ૧૫૦૦, ૪૫ ગ્રામના પતરાના ડબ્બાના ઢાંકણા ૧૦૦૦ નંગ રૂ. ૧૦૦૦, તમાકુના ખાલી બોકસ નંગ ૨૦૦, ૨૦૦ ગ્રામના પતરાના ખાલી ડબ્બા નંગ ૨૭૦, ૪૫ ગ્રામના પતરાના ખાલી ડબ્બા નંગ ૧૦૦૦, લુઝ તમાકુ ૧૨૦ કિલો રૂ. ૧૧ હજારનું, સેલોટેપ અલગ-અલગ ભાષામાં લખાણવાળી, ઇલેકટ્રોનિક વજન કાંટો, તમાકુના ડબ્બા ભરવા માટેના પુઠાના બોકસ નવા નંગ ૩૦૦, ડબ્બા પેકીંગ કરવાનું મશીન રૂ. ૨૫ હજારનું, ડબ્બા ખોલવાના લોખંડના ચકરડા નંગ ૩, જેટ પ્રિન્ટર નંગ ૧, પ્રિન્ટર ઘોડી નંગ ૧, કન્વર્ટર બેલ્ટ નંગ મળી કુલ રૂ. ૭,૨૧,૮૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ પુછતાછમાં સોહિલ અને અબ્દુલે કહ્યું હતું કે પોતે અગાઉ તમાકુ પેકીંગના કારખાનામાં કામ કરતાં હતાં. જેથી અનુભવ હતો. ટુંકા રસ્તે ઝડપથી પૈસાદાર થવા માટે અસલી તમાકુમાં નકલી તમાકુની ભેળસેળ કરી આવા ડબ્બા અસલી તમાકુ જે ભાવે વેંચાય છે તેના કરતાં ૨૫-૩૦ રૂપિયા ઓછા ભાવે વેંચી મોટો નફો મેળવવાના ઇરાદે પ્લાન ઘડ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ પીપળીયામાં મકાન ભાડે રાખી ગોલમાલ શરૂ કરી હતી. એક ડબ્બાની કિંમત ૧૫૫ હોય તો ભેળસેળ વાળો ડબ્બો રૂ. ૧૨૫માં વેંચવાનો પ્લાન હતો. પાનના ધંધાર્થીઓ, એજન્સીઓને બીલ વગરનો માલ છે એટલે સસ્તો છે એમ કહીને ભેળસેળીયુ તમાકુ ધાબડવાનું હતું.

બંનેએ હજુ ભેળસેળીયો માલ સપ્લાય કર્યો ન હોવાનું રટણ કર્યુ હતું. ઓરિજીનલ ડબ્બામાં નુકસાન ન થાય એ રીતે મશીન-ચકરડાથી તેના પેકીંગ ખોલી, તેમાંથી અસલી તમાકુ અડધોઅડધ કાઢી લઇ ચાલુ તમાકુ ભેળવી ફરીથી એ ડબ્બાને સિલપેક કરી નાંખતા હતાં. આ માટે ખાસ મશીન વસાવ્યા હતાં. ઉપર લોગો લગાડવા માટે પ્રિન્ટર પણ હતું. પહેલી નજરે ખબર જ ન પડે કે ડબ્બો ખુલ્યો હશે અને ફરી પેકીંગ થયું હશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ પી.આઇ. એમ. આર. પરમાર અને ટીમના પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડકોન્સ. બુટાભાઇ ભરવાડ, કોન્સ. અજીતભાઇ લોખીલ, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, રઘુવીર ઇશરાણી સહિતે આ કામગીરી કરી હતી.

(11:32 am IST)