રાજકોટ
News of Sunday, 21st October 2018

રાજકોટમાં સોમવારથી એકતાયાત્રા : એકતા અને સદ્ભાવનો સંદેશ પ્રસરાવશે

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આયોજન : તા. ૩૦ સુધી દરરોજ બબ્બે વોર્ડમાં યાત્રા ફરશે : આ રથમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમનું મિનીએચર બનાવાયુ : સરદાર વલ્લભભાઇ ઉપર દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન : ચિત્ર - નિબંધ સહિતની સ્પર્ધાઓ : પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા બીનાબેન - બંછાનિધી પાની

એકતા યાત્રાની સમગ્ર રાજ્યમાં ઉજવણી અન્વયે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સોમવારથી રાજકોટના વિવિધ વિસ્તારોમાં આ યાત્રા ફરશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની, નિતીનભાઇ ભારદ્વાજ, અશ્વિનભાઇ મોલીયા તથા દલસુખભાઇ જાગાણી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને યથોચિત આદરાંજલિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમ સામે સાધુ બેટ ઉપર તેમની વિશ્વની સૌથી ઊંચી, ૧૮૨ મીટર વિશાળકાય પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે ત્યારે તે પૂર્વે સમગ્ર ગુજરાતમાં સામાજિક સદ્ભાવ અને એકતાનો સંદેશો લઇ એકતા યાત્રા ફરનાર છે. આ એકતા યાત્રા બે તબક્કામાં વિવિધ ગામોમાં ફરશે. પ્રથમ તબક્કાનો પ્રારંભ ગઇકાલથી થયો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં પણ ભારતના આ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલિ આપવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા તા. ૨૨ થી ૩૦ ઓકટોમ્બર સુધી એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ મેયર બીનાબેન આચાર્ય તથા મ્યુ. કમિશ્નર બંછાધિની પાનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આ અંગે આજે મ્યુનિ. કોર્પોરેશન કચેરીમાં યોજાયેલ પત્રકાર પરીષદમાં મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ભારતની આગવી ઓળખ તરીકે, સરદાર સરોવર ખાતે આકાર લઇ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રખર રાષ્ટ્રપ્રેમી સરદાર વલ્લભભાઇ પટેલને એક સર્વોચ્ચ શ્રધ્ધાંજલિ છે, જેમણે બ્રિટીશ રાજ પછી ૫૬૨ રજવાડાને ભારતમાં ભેળવીને એક સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. એકતા યાત્રા આ અનન્ય રાષ્ટ્રીય સિમાચિન્હના પ્રારંભથી ઉજવણી કરે છે. એકતા યાત્રા દ્વારા ગુજરાતના પ્રત્યેક ગામડા સુધી પહોંચીને સૌને સરદાર વલ્લભભાઇ પટેલની સિધ્ધિઓથી પ્રેરિત કરવામાં આવશે તથા તેમના કાર્યોને યાદ કરીને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આગામી દિવસોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે તે પૂર્વે એકતા યાત્રા સદ્ભાવનો સંદેશો લઇ શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે. એકતા યાત્રાની સમગ્ર રાજ્યમાં ઉજવણી અન્વયે મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરમાં તા. ૨૨ ઓકટોબરથી તા. ૩૦ ઓકટોબર સુધી આ એકતા યાત્રાનું વોર્ડ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે વોર્ડ નં. ૧થી આ એકતા યાત્રાનો પ્રારંભ થશે. દરરોજ બે વોર્ડમાં આ યાત્રા ફરશે.

વધુમાં મેયર અને મ્યુનિ. કમિશ્નરે જણાવ્યુ઼ હતું કે, રથ ખાસ પ્રકારે બનાવવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મિનિએચર, નર્મદા ડેમની પ્રતિકૃતિ, ઓડિયોવિઝયુલ સિસ્ટમ સાથે ફરશે. જેમાં સરદાર વલ્લભભાઇના જીવન કવનને લગતી દસ્તાવેજી ફિલ્મ, તેના યોગદાનનું મહાત્મ્ય સમજાવતી ફિલ્મ અને ગીતો પ્રસ્તુત થશે.

એકતા યાત્રાના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રથ યાત્રામાં વધુને વધુ ઉત્સાહ પૂર્વક જોડાય તે માટે શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાનું સુત્ર, કાવ્ય, નિબંધ, વકૃત્વ, ચિત્ર  વિવિધ સ્પર્ધાઓ તેમજ 'રાષ્ટ્રીય એકતા' લગત સકસેસ સ્ટોરી તૈયાર કરવાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

 એકતા યાત્રા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ સ્થળોએ ફાયર સેફટી તથા ઇમજન્સી અને સિકયુરીટી વ્યવસ્થા તેમજ એકતા યાત્રા સમગ્ર કાર્યક્રમના દરમ્યાન યાત્રામાં શહેરના નાગરીકો સાઇકલ, ટૂ-વ્હીલર સાથે જોડાય તે માટે પ્રોત્સાહિત કરવા તેમજ વધુમાં વધુ સ્વયં સેવકો સાઇકલ, ટૂ-વ્હીલર સાથે જોડાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે.

એકતા યાત્રાની સરકારશ્રીની સુચના અને ગાઇડ લાઇન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ કાર્યક્રમો વોર્ડ વાઇઝ નોડલ ઓફીસર દ્વારા આયોજન થયેલ છે.

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશીષ વાગડીયા સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓ

   સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

   સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરીકાના ન્યુયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી આશરે બમણી ઊંચાઈ અને રીઓ ડે જાનેરોનાં ધ સ્ટેચ્યુ ઓફ ક્રાઇસ્ટ ધ રીડીમરથી પાંચ ગણી ઊંચાઈ ધરાવે છે.

   સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર સરોવર બંધના હેઠવાસમાં ૩.૨ કિ.મી. દૂર નર્મદા નદી મધ્યે સાધુ બેટ ઉપર નિર્માણ કરવામાં આવ્યું છે.

   ૨૫ મીટર ઊંચી પીઠિકા ઉપર ૧૫૭ મીટર ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું બાંધકામ પૂર્ણ થયું છે.

   સરદાર પટેલ સ્મારક પ્રોજેકટનું અંદાજે રૂ.૨,૩૩૨ કરોડના ખર્ચે નિર્માણ.

   પ્રતિમાના ઉપરના સ્થળે વ્યુઇંગ ગેલેરીમાં એક સાથે ૨૦૦ સહેલાણીઓ ઊભા રહી શકશે.

   પ્રતિદિન ૩,૦૦૦ સહેલાણીઓ વ્યુઇંગ ગેલેરી સુધી લિફટ દ્વારા પહોંચી શકશે.

   'સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ'માં અંદાજે ૭૦ હજાર ટન સીમેન્ટ, ૧૮૫૦૦ ટન રીઈન્ફોર્સમેન્ટ સ્ટીલ, ૬૦૦૦ ટન સ્ટ્રકચર સ્ટીલનો ઉપયોગ થયો છે.

   બ્રોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમામાં ૨૨,૬૦૦ ચો.મી. આવરણ અને ૧૭૦૦ મેટ્રિક ટન વજન ધરાવે છે.

   'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના પ્રોજેકટ માટે ૨૫૦ જેટલા ઇજનેરો અને ૩૭૦૦ જેટલા કારીગરો દ્વારા અદ્બુત પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

   કાંસ્ય આવરણથી પ્રતિમા વધુ અલૌકિક ભાસે છે.

   પ્રવાસીઓને પ્રદર્શન ગેલેરી સુધી લઈ જવા માટે હાઈસ્પિડ એલિવેટર્સની સુવિધા.

   'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની મનોહર પર્વતમાળા જોઈ શકાશે.

   સરદાર સરોવર ડેમ વિસ્તારમાં કાયમી ટેન્ટ સિટી આકાર પામશે.

   નર્મદાના તટે ૧૭  કિ.મી. લંબાઈમાં ૨૩૦ હેકટર વિસ્તારમાં દેશ-વિદેશનાં ફૂલોથી શોભતી નયનરમ્ય 'વેલી ઓફ ફલાવર્સ'નું નિર્માણ થશે.

   આધુનિક પ્રોજેકશન મેપિંગ દ્વારા સરદારની જીવનગાથા પ્રદર્શિત કરાશે.

   પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ, કાફેટેરીયા, ગીફટ શોપ વગેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.(૨૧.૨૦)

કયારે કયાં વોર્ડમાં એકતાયાત્રા

તારીખ        વોર્ડ નં.

૨૦ ઓકટોબર ૧ - ૨

૨૩      ,,    ૩ - ૪

૨૪      ,,    ૫ - ૬

૨૫      ,,    ૭ - ૮

૨૬      ,,    ૯ - ૧૦

૨૭      ,,    ૧૧ - ૧૨

૨૮      ,,    ૧૩ - ૧૪

૨૯      ,,    ૧૫ - ૧૬

૩૦      ,,     ૧૭ - ૧૮

(4:22 pm IST)