રાજકોટ
News of Sunday, 21st October 2018

મ્યુનિ. કોર્પોરેશનમાં કચેરીમાં કોંગી કોર્પોરેટર-આગેવાનોને અટકાવાયાઃ મહિલા કોર્પોરેટર સહિત ૫ની અટકાયત

જનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાના બદલે વોર્ડ નં.૧૨ કોંગી કોર્પોરેટર ઉર્વિશીબાને અટકાવનારા પોલીસ અધિકારી સામે પગલા લ્યોઃ ગુજરાત પ્રદેશ કોંગેસ મહિલા પાંખના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાનીમાં પોલીસ કમિશ્નરને રજૂઆત

અટકાયતઃ કોર્પોરેશન કચેરીમાં વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સહિતના પાંચની અટકાયત કરવામાં આવી હતી તે વખતની તસ્વીર નજરે પડે છે(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજે સવારે ૧૧ વાગ્યે મળેલ સામાન્ય સભામાં ગેરલાયક ઠરેલા વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પોલીસ દ્વારા પ્રવેશતા અટકાવવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, પૂર્વ કોંગી કોર્પોરેટર સતુભા જાડેજા તથા કોંગી આગેવાન અશોકસિંહ સ્થળ પર દોડી આવ્યા હતા. ધર્મિષ્ઠાબાને પ્રવેશ આપવા સામે પોલીસ સાથે રકઝક થવા પામી હતી. બાદમાં પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટર સહિત ૫ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાના બદલે વોર્ડ નં. ૧૨ના કોંગી કોર્પોરેટર ઉર્વિશાબાને પોલીસે અટકાવતા થોડો સમય કોંગી કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે રકઝક થવા પામી હતી. બોર્ડ બાદ કોંગી કોર્પોરેટર ઉર્વિશીબાને અટકાવનાર પોલીસ અધિકારી સામે પગલા લેવા પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાનીમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશનની દ્વિમાસિક સાધારણ સભા આજે મળી હતી. આ સામાન્ય સભામાં ગેરલાયક ઠરેલા વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પ્રવેશતા અટકાવ્યા હતા. આ બાબતની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, કોંગી અગ્રણી અશોકસિંહ વાઘેલા અને સતુભા જાડેજા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. ધર્મિષ્ઠાબાના પ્રવેશ બાબતે થોડીવાર પોલીસ સાથે રકઝક થવા પામી હતી. બાદમાં ધર્મિષ્ઠાબા જાડેજા, અશોકસિંહ વાઘેલા, સતુભા જાડેજા, મહેશ રાજપૂત તથા સુરેશ ગરેચા સહિતના પાંચની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સામાન્ય સભામાં વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાના બદલે વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર ઉર્વિશાબા જાડેજાને પોલીસે અટકાવતા કોંગી કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે થોડીકવાર જામી પડી હતી. બાદમાં મામલો થાળે પડયો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં કોંગી કોર્પોરેટર-આગેવાનોની અટકાયત, કોંગી કોર્પોરેટર ઉર્વિશીબાને અટકાવનાર પોલીસ અધિકારી સામે પગલા લેવા સહિતના પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો દ્વારા પોલીસ કમિશ્નરને લેખીત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. (૨-૨૦)

(4:09 pm IST)