રાજકોટ
News of Monday, 21st September 2020

હત્યાના પ્રયાસના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર ઔરંગઝેબ ઉર્ફે ટીપુ પકડાયો

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ ચેતનભાઇ ચાવડા અને કરણભાઇ મારૂની બાતમી

રાજકોટ,તા. ૨૧: અમરેલીમાં હત્યાના પ્રયાસના ગુનામાં રાજકોટ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદીને ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવલે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, સી.એમ.ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા કરણભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઇ ચેતનભાઇ ચાવડા અને કરણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસેથી અમરેલીના ઔરંગઝેબ ઉર્ફે ટીપુ ઇકબાલભાઇ નાગોરી (ઉવ.૩૦)ને પકડી લીધો હતો. પકડાયેલો કેદી અમરેલીમાં થયેલ હત્યાના પ્રયાસના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો તે પેરોલ રજા પર ગયા બાદ ફરાર થઇ ગયો હતો.

(4:13 pm IST)