રાજકોટ
News of Monday, 21st September 2020

ડોકટરો - સરકારી કર્મચારીઓને પ્લાઝમા દાતા બનાવાશે

સાંજે ૪ વાગ્યે કલેકટરે IMA - લેબોરેટરી - પોલીસ - રેવન્યુ - જિલ્લા પંચાયતના અધિકારીઓની ખાસ મીટીંગ બોલાવી : હાલ ૧૦૦થી વધુ કર્મચારી - અધિકારીઓ કોરોના પોઝિટિવ બન્યા છે : આ તમામની સ્થિતિ જાણી ડોનેટ અંગે કહેવાશે : કલેકટર કચેરીને કળવળી : કોરોના ભોગ બનનાર અર્ધો ડઝન સ્ટાફ હાજર થયો : નાયબ મામલતદાર સાંચલા અને તેમની પત્નીને પણ કોરોના બંને પેટ્રીયા ખાતે દાખલ : તબીયત સ્થિર

રાજકોટ તા. ૨૧ : રાજકોટ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના ડોકટરો - સરકારી કર્મચારી - અધિકારીઓ કે જેઓ ભૂતકાળમાં કોરોનાગ્રસ્ત બન્યા છે અને હાલ સ્વસ્થ થયા છે, તેઓ દ્વારા શહેરમાં તેમના પ્લાઝમા ડોનેટ કરાય તે પ્રકારની કાર્યવાહી કરવા અંગે આજે સાંજે મહત્વની મીટીંગ ઇન્ચાર્જ કલેકટરશ્રી રાણાવસીયાએ બોલાવી છે.

તેમણે જણાવેલ કે, આ મીટીંગમાં ઇન્ડીયન મેડીકલ એસો., શહેરની માતબર લેબોરેટરીના સંચાલકો, રેવન્યુ, પોલીસ, જિલ્લા પંચાયત વિગેરે ડીપાર્ટમેન્ટ કે જેના કર્મચારીઓ, ડોકટરો, ભૂતકાળમાં કોરોનાગ્રસ્ત બન્યા છે તે ડીપાર્ટમેન્ટના પ્રતિનિધિઓને બોલાવાયા છે.

સાંજે ૪ વાગ્યે મીટીંગમાં ઉપરોકત બાબતે વિશદ ચર્ચા થશે અને જેઓ કોરોનાગ્રસ્ત બન્યા છે, અને હાલ સ્વસ્થ અને સ્થિતિ સારી છે, તેઓ પ્લાઝમા દાતા બને તે અંગે કાર્યવાહી થશે, અપીલ કરાશે, અત્રે એ નોંધનીય છે કે આવા ૧૦૦ જેટલા ડોકટરો - કર્મચારીઓ - અધિકારીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે, જેમનું લીસ્ટ પણ તૈયાર કરાયું છે.

દરમિયાન રાજકોટ કલેકટર તંત્રને પણ કોરોનાએ ઝપટે લીધું હતું, પરંતુ હવે કળવળી છે, કોરોના ભોગ બનનાર અડધો ડઝનથી વધુ કર્મચારીઓ હાજર થઇ ગયા છે, જેમાં ઓઝા, અતુલ મહેતા, આચાર્ય, વસાણી વિગેરેનો સમાવેશ થાય છે.

બીજી બાજુ કલેકટર કચેરીના કાર્યદક્ષ અને અપીલના ટેબલના કુશળ કર્મચારી ગણાતા નાયબ મામલતદાર શ્રી સાંચલા અને તેમના ધર્મપત્નીને કોરોનાની અસર થતાં બંનેને પેટ્રીયામાં દાખલ કરાયા છે, જો કે બંનેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.

(3:19 pm IST)